ઇન્ટરકોર્સ વખતે જ ટૉઇલેટ જવું પડે એવું શું કામ થાય?

08 April, 2024 07:19 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

રોજ જમતાં પહેલાં ઘી અને નમક મેળવીને લો. કબજિયાત ન રહે એ માટે રાતે સૂતાં પહેલાં એક ચમચી હરડે ગરમ પાણી સાથે લો

પ્રતીકાત્મક તસવીર

મારું જસ્ટ ભણવાનું પૂરું થયું છે અને મેં હમણાં જૉબ શરૂ કરી છે. અત્યાર સુધી ગર્લફ્રેન્ડ સાથે ઓરલ સેક્સથી આગળ વધ્યો નહોતો, પણ હમણાં એક-બે વાર અમે લિમિટ ક્રૉસ કરી નાખી હતી. મારી સમસ્યા ખૂબ વિચિત્ર હોવાથી સંકોચ થાય છે. મેં ઇન્ટરનેટ પર ઘણી જગ્યાએ સર્ચ કરવાની કોશિશ કરી, પણ ક્યાંય જવાબ નથી મળતો. સમસ્યા એ છે કે મને ઉત્તેજના આવે એટલે સાથે ટૉઇલેટ પણ લાગે છે. અત્યાર સુધી હસ્તમૈથુન કરતો ત્યારે આવું થતું. મને એમ કે ઇન્ટરકોર્સ વખતે આવું નહીં થાય, પણ બે વખત ગર્લફ્રેન્ડ સાથે બાંધેલા સંબંધમાં પણ એવું જ થયું. આ અર્જ એટલી તીવ્ર હોય કે રોકી નહીં શકાય એવું લાગે, પણ ટૉઇલેટમાં ગયા પછી કંઈ ન થાય. મારા દોસ્તોનું કહેવું છે કે આ તો ઍન્ગ્ઝાયટીને કારણે આવું થાય, માનસિક સમસ્યા માટે કોઈ દવા કરવી જોઈએ. શું એનો કોઈ ઇલાજ ખરો? 
બોરીવલી
   
આ પ્રકારની ફરિયાદ લઈને આવનારા લોકો જૂજ હોય છે. જોકે આ સમસ્યાને સાવ માનસિક તકલીફ ગણી કે કહીને હસવામાં કાઢી ન શકાય. મારી પાસે એક-બે દરદીઓ એવા આવ્યા હતા જેમને લગભગ તમારા જેવી જ તકલીફ હતી. તેમને જ્યારે પણ ઉત્તેજના આવે ત્યારે અચાનક જ મળમાર્ગમાં પ્રેશરની ફીલ આવવાની શરૂ થાય અને હમણાં જ ટૉઇલેટ જવું પડશે એવું લાગે. 
મૉડર્ન મેડિસિન પ્રમાણે આમ થવાનું કારણ ક્યાંય નોંધાયું નથી, પરંતુ કમરથી નીચેના ભાગની તકલીફ હોવાથી આયુર્વેદ એને અપાનવાયુની તકલીફ સમજે છે. મોટા ભાગે તમને કૉન્સ્ટિપૅશનની તકલીફ વધુ રહેતી હશે. રોજેરોજ પેટ સાફ થઈને મળમાર્ગ સાફ ન થતો હોવાને કારણે ગૅસ ભરાય છે. વાયુની તકલીફનું જો શમન કરવામાં આવે તો એ ભાગના વેગો એટલે કે યુરિન અને મળત્યાગની ક્રિયાઓ પર પણ કન્ટ્રોલ આવે. 

રોજ જમતાં પહેલાં ઘી અને નમક મેળવીને લો. કબજિયાત ન રહે એ માટે રાતે સૂતાં પહેલાં એક ચમચી હરડે ગરમ પાણી સાથે લો. દિવસમાં બે વાર હિંગ્વાષ્ટક, જેઠીમધ અને કોડીની ભસ્મ ગાયના ઘી સાથે મેળવીને ચાટી જાઓ. આ પ્રયોગથી અપાનવાયુની ગરબડ મટશે અને એકાદ મહિનામાં જ હકારાત્મક પરિણામ જોવા મળશે. જોકે તમારે કબજિયાત ન થાય એનું નિયમિત ધ્યાન રાખવું પડશે.

sex and relationships life and style