હું નવી હોવાથી લોકો મને હેરાન કરે છે

13 May, 2022 10:22 AM IST  |  Mumbai | Sejal Patel

હું સામો જવાબ નથી આપતી કારણ કે મારી આ હજી શરૂઆત છે. જુનિયર હોવાથી બધા જ હેરાન કરે છે. ક્યારેક સામો જવાબ આપું છું તો એ પણ અવળો જ પડે છે. શું કરું? 

પ્રતીકાત્મક તસવીર

  હું નવી-નવી જૉબમાં જોડાઈ છું. આ પહેલાં બે વર્ષ ઇન્ટર્નશિપ કરી ચૂકી છું એટલે વર્કપ્લેસનો સાવ જ અનુભવ ન હોય એવું નથી, પરંતુ હાલમાં જ્યાં જૉબ કરું છું ત્યાં સિનિયર્સનો ત્રાસ બહુ જ છે. પોતાને કંઈ કરવું ન હોય પણ આપણે જે કરીએ એની પણ ક્રેડિટ તેઓ લઈ જાય. ક્યારેક મને હેરાન કરવા માટે થઈને જ નીકળવાના સમયે ઘણુંબધું કામ ટેબલ પર થમાવી જાય. હું કામ અધૂરું મૂકીને ઘરે જવાની વાત કરું ત્યારે તેઓ મોં પર એમ કહે કે હા, વાંધો નહીં, હું કરી લઈશ. કામનું અપ્રેઝલ કરવાનું આવે ત્યારે આવી નાની-નાની ચીજો ગણાવે. એની સામે મેં બીજું કેટલુંબધું કામ કર્યું છે એ તેઓ નથી જોતા. મારા કામમાં ન હોય એવાં પણ કેટલાંય કામો મેં કર્યાં હોય, પણ એની કોઈ જ ગણતરી નહીં. હું સામો જવાબ નથી આપતી કારણ કે મારી આ હજી શરૂઆત છે. જુનિયર હોવાથી બધા જ હેરાન કરે છે. ક્યારેક સામો જવાબ આપું છું તો એ પણ અવળો જ પડે છે. શું કરું? 


સામો જવાબ ક્યારે આપવો અને ક્યારે નહીં એની સમજ કેળવવી બહુ જ જરૂરી છે. એ સમજ પરિપક્વતાની સાથે આવે છે. તમે હજી પ્રોફેશનલ વર્લ્ડમાં નવાં છો. કદાચ પ્રોફેશનલ વર્લ્ડમાં લોકો તમને ઇન્ટરનલ પોલિટિક્સને સમજવાની અને એ મુજબ વર્તવાની સલાહ આપશે, પણ હું માનું છું કે સ્ટ્રેટ ફૉર્વર્ડ રહીને જે સમયે જે ફીલ થતું હોય એ બાબતે ઓનેસ્ટ રહેવાથી સમસ્યા સૂલઝે છે. જ્યારે જે સાચું લાગે એ સાચી રીતે કહેવું બહુ જ જરૂરી છે. જ્યારે તમારા ટેબલ પર છેલ્લી ઘડીએ કામ આવે ત્યારે જ તમે જો સમયની પાબંદી વિશે સ્પષ્ટતા કરી દો એ જરૂરી છે. જેમ સામો જવાબ આપીને જાતને સાબિત કરી દેવાની લાયમાં ગમેએમ બોલીને બગાડવું ઠીક નથી. એમ મનમાં જ બધું ભરી રાખવું નહીં. એમ કરવાથી અચાનક જ ભરી રાખેલી સ્પ્રિન્ગ ઊછળે અને એ ક્યાં જઈને પડશે એ તમારા પોતાના કાબૂમાં પણ નહીં રહે. 
બીજું, પ્રોફેશનલ વર્કની શરૂઆતના ચારથી પાંચ વર્ષ બહુ જ ક્રુશિયલ હોય છે. એમાં તમે કેટલું નવું શીખ્યાં એ જ મહત્ત્વનું છે. બીજાં કામો કરવાં પડે તો કરી લેવાં, વધુ કામ કરવાથી કોઈ ઘસાઈ નથી જતું, પણ વધુ કામ તમારો અનુભવ ચોક્કસ વધારે છે. 

columnists sejal patel