જૉઇન્ટ ફૅમિલીમાં બીજા છોકરાઓ દીકરાને ચીડવે છે

30 April, 2021 02:30 PM IST  |  Mumbai | Sejal Patel

દીકરો બીજાને વળતો જવાબ આપીને બીજાની બોલતી બંધ થઈ જાય એવું એલફેલ બોલવાનું શીખે એ આ સમસ્યાનો ઉકેલ ન હોઈ શકે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ કારણોસર છેલ્લા છ મહિનાથી અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ. મારે એક જ દીકરો છે જે આઠ વર્ષનો છે. પહેલાં મને લાગતું હતું કે તે શરમાળ છે, પણ હવે લાગે છે કે તેનો સેલ્ફ-એસ્ટીમ ઓછો છે. ઘરમાં જ બીજાં સાત અને દસ વર્ષનાં બે બાળકો છે, પણ તેમને સાથે રમવા જવાનું કહું તો ધરાર તૈયાર ન થાય. પછીથી મને ખબર પડી કે પેલા બે છોકરાઓ મારા દીકરાને ગમેએમ બોલીને ચીડવે છે. અત્યારે સંજોગો એવા છે કે આ ફૅમિલીમાં વાતનો ઇશ્યુ ઊભો કરીશ તો મોટાઓમાં પણ ઝઘડા થશે. ક્યારેક તો તે પોતે કહેતો હોય છે કે હું પેલા બે જેવો હોંશિયાર નથી એટલે તેઓ મને ચીડવે છે. મારા દીકરાનો કૉન્ફિડન્સ વધે અને તે છોકરાઓની કમેન્ટનો વળતો જવાબ આપી શકે એ માટે શું કરવું?

 

દીકરો બીજાને વળતો જવાબ આપીને બીજાની બોલતી બંધ થઈ જાય એવું એલફેલ બોલવાનું શીખે એ આ સમસ્યાનો ઉકેલ ન હોઈ શકે. સૌથી પહેલાં તો બાળક જ્યારે કોઈકની સાથે નથી રમવું એવું બેથી ત્રણ વાર કહે તો એને નાહકનો ફોર્સ ન કરવો. ઠીક છે, તેને અનકમ્ફર્ટેબલ લાગે એવું કરવા દબાણ નહીં કરો તો જ તે તમારી સાથે ખૂલીને વાત કરી શકશે કે તે શું ફીલ કરે છે.

બીજું, અત્યારે તો તેણે પોતે સ્વીકારી લીધું છે કે તે પેલા બે જણ જેટલો હોંશિયાર નથી. બાળક જ્યારે આવું કહે ત્યારે સ્વાભાવિકપણે આપણે તેને સમજાવીએ કે તે કેટલો ઇન્ટેલિજન્ટ અને સારો છે. પણ આ સમજાવટ એ ટેમ્પરરી ઇન્જેક્શન જેવું છે. આવાં ઇન્જેક્શન્સની વારંવાર જરૂર પડશે. તું ફલાણાથી વધુ હોંશિયાર છે કે ફલાણા જેટલો જ હોંશિયાર છે એવી ચાવી તેના મનમાં ભરવાની જરૂર નથી. સરખામણી માત્રથી તે હંમેશાં બીજાથી ચડિયાતા રહેવાની હોડમાં લાગી જશે જે સાચી દિશા નથી. 

મને એવું લાગે છે કે દીકરાને થોડોક સમય ભલે એકલા રમવું હોય તો રમવા દો. તેને ગમતી પ્રવૃત્તિમાં રત રહેવા દો. તેની ક્રીએટિવિટી ખીલે એવા કામોમાં પળોટો. વળતો જવાબ આપવાથી જ આપણે વધુ સ્ટ્રૉન્ગ કહેવાઈએ એવું નથી. કોઈ આપણને કંઈ પણ અણગમતું કહે તો એને ઇગ્નોર કઈ રીતે કરવાનું એ બાળકને શીખવવાની જરૂર છે.  

columnists sex and relationships sejal patel