પત્નીની સેક્સ-ડ્રાઇવ સાવ ઘટી ગઈ છે

21 December, 2022 05:18 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મેનોપૉઝ પછી ફર્ટિલિટીનો અંત જરૂર આવે છે, પણ સેક્સ્ચ્યુઅલ લાઇફનો નહીં.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૬૦ વર્ષ છે. પત્ની મારાથી પાંચ વર્ષ નાની છે, પણ તેની કામેચ્છા સાવ જ ઘટી ગઈ છે. ઉંમરની સાથે મને પણ પહેલાં જેટલું મન નથી થતું, છતાં એ પત્ની કરતાં વધુ જ હોય છે. મારી ઉંમરના મારા મિત્રો પણ લગભગ મારા જેવી જ સમસ્યા ધરાવે છે. પત્નીની સેક્સ-ડ્રાઇવ સાવ જ ઘટી ગઈ હોય તો એને ફરીથી જગાડવા અને સેક્સમાં રસ લેતી કરવા માટે કોઈ ઉપાય ખરો? બીજું પુરુષોની સેક્સ-ડ્રાઇવ કઈ ઉંમર સુધી ઍક્ટિવ રહી શકે? મને ઘણી વાર મન થાય છે, પણ સમાગમ થઈ શકે એટલી ઉત્તેજના નથી હોતી. ક્યારેક પત્નીને માંડ તૈયાર કરી હોય અને છતાં પૂરતા કડકપણાના અભાવે બાજી બગડી જાય છે.  બોરીવલી

સ્ત્રી હોય કે પુરુષ, બન્ને માટે સેક્સની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. ભારતમાં મોટા ભાગની મહિલાઓમાં મેનોપૉઝ પછી સેક્સ-લાઇફમાંથી રસ ઘટી જતો હોવાનું જોવા મળ્યું છે, પણ એમાં મોટાં ભાગે માનસિક પરિબળો વધુ ભાગ ભજવતાં હોય છે. સ્ત્રીઓ જો ઇચ્છા કરે તો તેઓ જીવે ત્યાં સુધી ગમે એ ઉંમરે સેક્સ પર્ફોર્મ કરી શકે છે અને એન્જૉય પણ કરી શકે છે.

પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન્સમાં ઘટાડો અચાનક નથી થતો, પણ ધીમે-ધીમે થાય છે. બીજી તરફ સ્ત્રીઓમાં મેનોપૉઝ દરમ્યાન ફીમેલ હૉર્મોન્સ ઇસ્ટ્રોજન પેદા થવાનું લગભગ બંધ થઈ જતું હોવાથી એની અસર શરીર અને મન બન્ને પર પડે છે. મેનોપૉઝ પછી ફર્ટિલિટીનો અંત જરૂર આવે છે, પણ સેક્સ્ચ્યુઅલ લાઇફનો નહીં. આ વાતની યોગ્ય સમજણના અભાવે ઘણી મહિલાઓ જાતે જ સેક્સ્યુઅલ લાઇફથી અળગી રહેવાનું પસંદ કરે છે. ફીમેલ હૉર્મોન્સની કમીને કારણે સમાગમ દરમ્યાન પૂરતું લુબ્રિકેશન નથી થતું જેને પગલે સમાગમ કષ્ટદાયક રહે છે. આ લક્ષણો પરથી તેઓ એવી ધારણા બાંધી દે છે કે તેમની સેક્સ-લાઇફ પૂરી થઈ ગઈ હોવાથી આમ થયું છે. 

યોનિપ્રવેશ જેટલું કડકપણું ન આવતું હોય તો ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને દેશી વાયેગ્રાનો ઉપયોગ કરી શકાય. કોઈ પણ ઉંમરે સ્ત્રીઓને રોમૅન્સ ગમે છે એટલે ફરી યુવાનીના દિવસોને તાજા કરતી સરપ્રાઇઝ આપતા રહેજો તો સેક્સલાઇફ નવપલ્લિત થઈ શકશે અને એક વાત યાદ રાખવી, પ્રેમ પછી સ્પર્શના સંબંધો શરૂ થાય છે.

columnists sex and relationships life and style health tips