ફ્રેન્ડ લે છે એ ટૅબ્લેટ લઉં તો મારી સેક્સ લાઇફ સુધરી જાય ખરી?

01 March, 2023 01:13 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કોઈને આપવામાં આવેલી મેડિસિન તેની માટે લાભદાયી હોય એનો અર્થ એવો નથી કે એ તમારા પણ હિતમાં છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૬૮ વર્ષની છે અને મારી પત્ની ૬પ વર્ષની છે. હું સંભોગ લાંબો ચલાવવા અત્યારે એક ગોળી લઉં છું. એનાથી પેનિસનું ઉત્થાન બરાબર થાય છે અને અમે સેક્સનો આનંદ બરાબર માણીએ છીએ. મારે એ જાણવું છે કે સેક્સ હજી વધારે લાંબો સમય સુધી ચલાવવા હું મારો મિત્ર લે છે એ પણ ટૅબ્લેટ સાથે લેવાનું ચાલુ કરું તો કોઈ પ્રૉબ્લેમ થાય ખરો? મારો એક મિત્ર આ બન્ને ગોળી સાથે લે છે અને તેને કોઈ સાઇડ ઇફેક્ટ દેખાતી નથી. મારે આ બન્ને દવા ચાલુ કરવી જોઈએ કે નહીં?
ડોમ્બિવલી

ના, જરા પણ નહીં અને ક્યારેય નહીં. તમે જોયું હશે કે તમે કરેલી ઈ-મેઇલમાં તમે લખેલાં મેડિસિનનાં નામો પણ અહીંથી કાઢી નાખ્યાં છે. કોઈને આપવામાં આવેલી મેડિસિન તેની માટે લાભદાયી હોય એનો અર્થ એવો નથી કે એ તમારા પણ હિતમાં છે. આ જ મેડિસિન નહીં, જગતની કોઈ પણ મેડિસિન જ્યારે પ્રિસ્ક્રિપ્શન સાથે આપવામાં આવતી હોય ત્યારે જે-તે વ્યક્તિની કેસ હિસ્ટરી જોઈને તેને આપવામાં આવતી હોય છે એટલે તેને લાભકારી પુરવાર થઈ હોય તો પણ બીજા કોઈએ એ દવા લેવી જોઈએ નહીં. બીજું કે તમે જે બન્ને ડ્રગનાં નામ વાપર્યાં છે એ બન્ને પ્રિસ્ક્રિપ્શન્ડ ડ્રગ હોવાના કારણે એ ડૉક્ટરની સૂચના મુજબ અને એ પ્રમાણે જ લેવી જોઈએ. તમને એ કોઈ કેમિસ્ટ કદાચ આપશે પણ નહીં, પણ ધારો કે તમે મિત્ર પાસેથી એ દવા લઈ લેવાના હો તો પણ એવી ભૂલ નહીં કરતા.

જો આ ઉંમરે પણ તમને સેક્સમાં આનંદ આવતો હોય અને તમારા વાઇફને પણ મજા આવતી હોય તો આ પ્રકારના ઘરમેળે રસ્તાઓ કાઢવાને બદલે બહેતર છે કે તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો અને એ જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે એ મેડિસિન લો. આ ઉપરાંત તમે આયુર્વેદના રસ્તે પણ ચાલી શકો છો. આયુર્વેદમાં અનેક ઓષડિયાં એવાં છે જે તમારી જરૂરિયાત પૂરી કરી શકે છે અને એની કોઈ આડઅસર પણ નથી. મારી પર્સનલ ઍડ્વાઇઝ છે કે સેક્સનો આનંદ મહત્ત્વનો છે, એ વાત મનમાં રાખો.

એના પિરિયડને લંબાવવા માટે ડ્રગનો ઉપયોગ કરવા કરતાં ફોરપ્લેનો આધાર લઈને તમે તમારી સેક્સ સાઇકલને લાંબો સમય ચલાવી શકો છો.

columnists life and style sex and relationships