મારી ફ્રેન્ડ ખોટા માણસ સાથે પ્રેમમાં છે, શું કરું?

15 April, 2022 06:56 PM IST  |  Mumbai | Sejal Patel

કૉલેજમાં હતી ત્યારે એ છોકરા સાથે હતી. તે ખૂબ જ પઝેસિવ અને દેખાડો કરતો હતો. શરૂઆતમાં મને તેની સાથે બહુ ગમેલું, પણ પછી દરેક વાતમાં તેની પઝેસિવનેસથી વાજ આવીને બ્રેક-અપ કરી નાખ્યું.

પ્રતીકાત્મક તસવીર

મને એક વાત કહો બહેન, શા માટે કેટલાક લોકોને ચેતવવા છતાં તેઓ હાથે કરીને જાતઅનુભવ લેવા ખાડામાં પડે? વાત એમ છે કે જે છોકરા સાથે મારું દોઢ વર્ષ સુધી રિલેશન ચાલેલું તેની સાથે હાલમાં મારી ફ્રેન્ડ પ્રેમમાં પડી છે. કૉલેજમાં હતી ત્યારે એ છોકરા સાથે હતી. તે ખૂબ જ પઝેસિવ અને દેખાડો કરતો હતો. શરૂઆતમાં મને તેની સાથે બહુ ગમેલું, પણ પછી દરેક વાતમાં તેની પઝેસિવનેસથી વાજ આવીને બ્રેક-અપ કરી નાખ્યું. એ જ વ્યક્તિ સાથે મારી ફ્રેન્ડ પ્રેમમાં પડી છે. તે આ છોકરાને હજી માંડ સાત-આઠ મહિનાથી જ ઓળખે છે. હું તેને સમજાવું છું કે આમાં ના પડીશ, પણ તે અત્યારે એવી પ્રેમમાં ગળાડૂબ છે કે વાત સાંભળવા તૈયાર નથી. એવું જરાય નથી કે મને તેની સાથે ફરી જોડાવું છે. મારા બ્રેકઅપને તો હવે ચાર વર્ષ થઈ ગયાં છે ને હું મારા ફિયાન્સે સાથે ખુશ છું. મારી ફ્રેન્ડને ખાડામાં પડતી બચાવવા શું કરું?

તમે અત્યારે તમારી ફ્રેન્ડનું ભલું ઇચ્છી રહ્યાં હોવાથી તેને પોતાના અનુભવથી ચેતવી રહ્યા છો. કદાચ તમે સાચા પણ હશો, પરંતુ જો તેને એ અનુભવમાંથી શીખ ન લેવી હોય તો તમે તેને ફોર્સ તો ન જ કરી શકો, બરાબરને? 
બીજું, સંબંધોની બાબતમાં બે ચીજો સમજવી જરૂરી છે. એક, આપણે એવું કદી ન કહી શકીએ કે મને જેની સાથે ન ફાવ્યું તેની સાથે બીજા કોઈનેય નહીં ફાવે. બની શકે કે તેમની વચ્ચે વૅવલૅન્ગ્થ જામી જાય? એવું બને જ છેને કે અમુક વ્યક્તિ સાથે આપણને બહુ સારી દોસ્તી થઈ જાય છે જ્યારે એ જ વ્યક્તિ સાથે બીજાને દોસ્તી કરવામાં બહુ તકલીફ પડે છે. દોસ્તીની જેમ પ્રેમના સંબંધમાં પણ ઘણુંબધું સબ્જેક્ટિવ હોય છે. આવા સંજોગોમાં બે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓની સ્વતંત્રતા અને સમજણ પર છોડી દેવું જ બહેતર છે. બીજી વાત, દરેક વ્યક્તિ સમયની સાથે બદલાતી હોય છે. બની શકે કે આજે તમારો એક્સ-બૉયફ્રેન્ડ ચાર વર્ષ પહેલાં જેવો હતો એવો ન હોય. ચાર વર્ષમાં ઘણુંબધું બદલાઈ શકે છે. એ વધુ સારો પણ બન્યો હોઈ શકે અને હતો એના કરતાં વધુ ખરાબ પણ. આ સારું-ખરાબ પણ સબ્જેક્ટિવ છે. 
તમારી ફરજ હતી તમારા વ્યક્તિગત અનુભવને શૅર કરીને ઓપિનિયન આપવાની, પણ એ જ ઓપિનિયન સાચો માનીને બીજાએ પગલાં લેવાં જોઈએ એવું બંધન કોઈનેય ન કરી શકાય.

sex and relationships columnists sejal patel