બૉયફ્રેન્ડે મને ફ્રેન્ડ્સના ગ્રુપમાં બદનામ કરી દીધી

03 December, 2021 08:05 PM IST  |  Mumbai | Sejal Patel

આપણી અંગત જિંદગીમાં લોકોને બહુ ઝાંકવા દેવાની છૂટ ન આપવી. જેમ બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું છે એમ તેની સાથે સંકળાયેલી વાતોને પણ પાછળ છોડી દો. 

પ્રતીકાત્મક તસવીર

 મારા જીવનમાં એકેય રિલેશનશિપ છ મહિનાથી વધુ ટકી નથી. છેલ્લી રિલેશનશિપ લગભગ ત્રણ વર્ષ ચાલી. લૉકડાઉન દરમ્યાન મારા બૉયફ્રેન્ડને લાગવા લાગ્યું છે કે હું તેને ઇગ્નોર કરું છું. ઇન ફૅક્ટ, એ દરમ્યાન જ મેં ટ્રેઇની તરીકે જૉબ શરૂ કરી હતી એટલે સમય નહોતો મળતો. ઑફિસમાં મારા જેવા જ ત્રણ ટ્રેઇની છે. તેમની સાથે વધુ સમય ગાળવાનું થતું. છેલ્લા આઠ મહિનાથી મારો બૉયફ્રેન્ડ એ બાબતે મને બહુ ઊલટતપાસ ભર્યા સવાલો કરતો. છેલ્લે તો તેણે અમારા કૉમન ફ્રેન્ડ્સના ગ્રુપમાં મને ટુ-ટાઇમર કહેવાનું શરૂ કરી દીધું. ગમે ત્યારે તે વિડિયો કૉલ કરીને જાણવાની કોશિશ કરે કે હું ક્યાં છું અને કોની સાથે છું. તેણે ઝઘડા કરવા ઉપરાંત ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ અફવાઓ શરૂ કરી દીધી. અમારું બ્રેક-અપ થઈ ગયું છતાં હજી મારા જ દોસ્તો મને ટુ-ટાઇમર સમજીને નવા સંબંધો કેવાં છે એ માટે મજાક કરવા લાગ્યા છે. તેણે મને બદનામ કરી દીધી.

ત્રણ વર્ષના સંબંધ પર આ રીતે પૂર્ણવિરામ આવે એ તકલીફવાળું તો હોય જ. એમાં પાછું ટુ-ટાઇમરનું ખોટું આરોપનામું તમારા માથે મૂકવામાં આવ્યું એનો ગુસ્સો. જોકે જરા વિચાર કરો કે જો તમે આ જ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં હોત તો શું થાત? લગ્ન પછી જો કામની વ્યસ્તતાને કોઈ વ્યક્તિ ટુ-ટાઇમિંગના આરોપોમાં કન્વર્ટ કરી દે તો શું થાય? આ સવાલનો જવાબ જાતને આપશો તો અત્યારે ખરેખર તમને ખોટા સંબંધમાંથી મુક્ત થયાનો અહેસાસ થશે. 
કોઈ આપણી પર આરોપ મૂકે ત્યારે તરત રીઍક્ટ ન કરવું. હા, જાતને અરીસા સામે મૂકીને પૂછી લેવું કે હું આવી છું કે નહીં? બાકી, દુનિયામાં ગંદી માનસિકતા બીજા પર થોપનારા લોકોનો કોઈ તોટો નથી. બીજાની રિલેશનશિપની બાબતમાં જેટલો ઊંડો રસ લઈને કૂથલી કરવાનો જે માનવસ્વભાવ છે એ બહુ જ ખરાબ છે. માણસોના આ સ્વભાવ આપણા કન્ટ્રોલમાં નથી એટલે મિત્રો જ્યારે સંબંધોની આ ટેરિટરીમાં ઘૂસવાની કોશિશ કરે ત્યારે તેમને મર્યાદા રેખા બતાવવા જેટલા અસર્ટિવ થવું બહુ જ જરૂરી છે. આપણી અંગત જિંદગીમાં લોકોને બહુ ઝાંકવા દેવાની છૂટ ન આપવી. જેમ બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું છે એમ તેની સાથે સંકળાયેલી વાતોને પણ પાછળ છોડી દો. 

columnists sex and relationships sejal patel