શરીર સાથ નથી આપતું એટલે મનમાં સેક્સના વિચારો રહ્યા કરે છે

04 January, 2023 04:29 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

યોગ તમને શારીરિક રીતે સક્ષમતા આપશે તો સાથોસાથ મન પર કાબૂ રાખતાં શીખવશે અને મેડિટેશનથી વિચારોમાં શુદ્ધતા આવશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારી ઉંમર ૭૦ વર્ષ છે. પત્નીની ઉંમર ૬૭ વર્ષની છે. શારીરિક નબળાઈને કારણે હવે પત્નીને સેક્સમાં રસ નથી રહ્યો, પણ મને હજીયે સેક્સનું મન થાય છે. મને હસ્તમૈથુન કરી આપવામાં મારી પત્ની જ મદદ કરે છે. એમ છતાં વધુ મન થાય તો હસ્તમૈથુન કરી લઉં છું. ઘણીવાર એ પછી વીર્ય માંડ એકાદ ટીપું જ નીકળે છે અને ઇન્દ્રિય ઢીલી પડી જાય છે. મારી વાઇફનું કહેવું છે કે વધુપડતા હસ્તમૈથુનને કારણે આમ થયું છે એટલે જો હું પંદરેક દિવસે એક જ વાર હસ્તમૈથુન કરીશ તો વીર્ય વધારે નીકળશે. જોકે હમણાંથી તો મને ઇન્દ્રિયના ઉત્થાનમાં પણ મુશ્કેલી પડે છે. વીર્ય બહુ જ ઓછું થઈ ગયું હોવાથી હવે મને શું નપુંસકતા આવી ગઈ હશે? છેલ્લા કેટલાક સમયથી મારું મન ખૂબ ચંચળ અને વિચારોમાં વહેતું થઈ ગયું છે. મારે શું કરવું જોઈએ? બોરીવલી

કોઈ પણ ઉંમરે સેક્સલાઇફમાં સક્રિય રહીને આનંદ મેળવવાથી સારું ફીલ થાય છે. આ સંજોગોમાં તમે હસ્તમૈથુનનો આશરો લીધો છે એ એકદમ યોગ્ય અને સહજ છે. એમાં કશું જ ખોટું નથી. કોઈ પણ ઉંમરે હસ્તમૈથુન વધુપડતું નથી હોતું. કામેચ્છા જાગે ત્યારે હસ્તમૈથુન કરી લેવાને કારણે નપુંસકતા આવી ગઈ એવું માનવાની જરૂર નથી. તમારી પત્ની તમને હજીયે ક્યારેક સમાગમનો સંતોષ આપે છે અને હસ્તમૈથુન પણ કરી આપે છે એ કંઈ ઓછી પૉઝિટિવ બાબત નથી. 

જુવાનીમાં જે ગતિએ અને જેટલી માત્રામાં વીર્ય બનતું હોય એટલી ગતિ અને માત્રા હવે વીર્યના ઉત્પાદનમાં ન રહી હોય એવું બની શકે છે. એને કારણે જો તમે ટૂંકા ગાળામાં હસ્તમૈથુન કરતા હો તો બની શકે કે તમને વીર્યસ્રાવ ખૂબ જ ઓછો થાય. આ ઉંમરે ચાર-પાંચ દિવસ કે અઠવાડિયા સુધી વીર્ય ન બને એ શારીરિક રીતે તદ્દન નૉર્મલ છે. ચિંતાને કારણે ઉત્થાનમાં પણ સમસ્યા આવી શકે છે એટલે નકામી ચિંતા છોડો અને રિલૅક્સ રહો. 

વાત રહી મનની ચંચળતાની તો તમને સલાહ છે કે યોગ અને મેડિટેશન જેવી ઍક્ટિવિટી શરૂ કરો. યોગ તમને શારીરિક રીતે સક્ષમતા આપશે તો સાથોસાથ મન પર કાબૂ રાખતાં શીખવશે અને મેડિટેશનથી વિચારોમાં શુદ્ધતા આવશે.

columnists sex and relationships life and style health tips