પ્રપોઝ કરવાની હિંમત નથી એટલે સીક્રેટ લેટર લખું છું

13 August, 2021 05:09 PM IST  |  Mumbai | Sejal Patel

લેટર અને ગિફ્ટ્સ મળ્યા પછી પહેલાં તે ભડકી જતી, પણ હવે કોઈ રિઍક્શન નથી આપતી. ઇન ફૅક્ટ, તે એનોનિમસ પ્રેમીની પણ હવે મારાં કઝિન્સ મજાક ઉડાડે છે. આ એનોનિમસ પ્રેમી હું હતો એ સીક્રેટ ખુલ્લું ન પડી જાય એની ચિંતા થાય છે.

પ્રતીકાત્મક તસવીર

 હું ૨૦ વર્ષનો છું અને સંયુક્ત કુટુંબમાં રહું છું. મારા કઝિન બ્રધર્સ અને સિસ્ટર્સની સામે હું થોડોક ઢીલોઢાલો છું. પર્સનાલિટી વાઇઝ પણ અને એજ્યુકેશન વાઇઝ પણ. એને કારણે મારા કઝિન્સના ગ્રુપમાં જ્યારે પણ કોઈ પ્રૅન્ક કરવાનો હોય ત્યારે મારો જ ભોગ લેવાય. આ બધાને કારણે મારો કૉન્ફિડન્સ બહુ લૉ છે. કૉલેજમાં પણ મને ડર લાગ્યા કરે કે લોકો મને બુલી કરશે એટલે કોઈની સાથે ફ્રેન્ડશિપમાં બહુ ઊંડો ઊતરો જ નહીં. હવે વાત મારા પ્રેમની આવી છે. મારી કઝિનની એક ફ્રેન્ડ મને પસંદ છે, જોકે તે મારાથી ત્રણ વર્ષ મોટી છે અને જૉબ કરે છે. તેને નનામા પત્રો અને સરપ્રાઇઝ ગિફ્ટ્સ આપું છું, પણ ખુલીને તેની સામે આવતાં ડર લાગે છે. લેટર અને ગિફ્ટ્સ મળ્યા પછી પહેલાં તે ભડકી જતી, પણ હવે કોઈ રિઍક્શન નથી આપતી. ઇન ફૅક્ટ, તે એનોનિમસ પ્રેમીની પણ હવે મારાં કઝિન્સ મજાક ઉડાડે છે. આ એનોનિમસ પ્રેમી હું હતો એ સીક્રેટ ખુલ્લું ન પડી જાય એની ચિંતા થાય છે.

તમે યુવાવસ્થાના ઉંબરે આવી ગયા છો, પર તમારી ફીલિંગ્સ હજી હમણાં જ ટીનેજમાં પ્રવેશ્યા હો એવી છે. કાલ્પનિક પ્રેમમાં રચ્યા રહેવું કે ચોરીછુપીથી કોઈ વ્યક્તિને લાઇક કરીને તેને મેળવવાના સપનાં જોઈને તેને નનામો પ્રેમનો એકરાર કરવો એ જસ્ટ ટીનમાં પ્રવેશેલા કિશોરોની ફિતરત હોય છે. સમવયસ્કો દ્વારા વારંવાર મજાક ઉડતી હોવાથી તમે ખૂબ ભીરુતા અનુભવો છો. મને જરાક કહેશો જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ ન કરતી હોય, પોતે જે છે એને ગૌરવભેર ન સ્વીકારતી હોય તેને બીજી કોઈ વ્યક્તિ કેમ પ્રેમ કરે? 
તમારી સમસ્યાનું નિદાન તમે પોતે પણ કરી દીધું છે. તમે જ કહો છો કે તમારામાં આત્મવિશ્વાસ ઓછો છે. સૌથી પહેલાં તો નક્કી કરો કે અત્યાર સુધીમાં જેકંઈ પણ થયું એને ભુલી જવું. લેટર્સ અને ગિફ્ટ આપવાનો સિલસિલો બંધ કરી દો. જે કામ સીક્રેટલી કરવું પડે એ કામ કરવું જ નહીં. 
બે-ત્રણ વર્ષ જસ્ટ તમારો આત્મવિશ્વાસ બિલ્ડ કરવા પર ફોકસ કરો. બીજાની અપ્રૂવલ મેળવવાની કોશિશ છોડી દો. બીજા શું કહે છે કે કહેશે એની ચિંતા છોડીને તમને પસંદ હોય એવા લોકોની સાથે મુક્તપણે હળવાભળવાનું રાખો. 

sex and relationships columnists sejal patel