ગુટકાની આદતને કારણે વાઇફ મારાથી દૂર રહે છે

26 April, 2023 06:29 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સેક્સ દરમ્યાન ઇન્દ્રિયમાં રક્તપ્રવાહ વધે ત્યારે જ ઉત્તેજના આવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારી ઉંમર ૪૪ વર્ષ છે. મને રોજના ૧૦ પડીકા ગુટકા ખાવાની આદત છે. શું ગુટકાથી સેક્સલાઇફ પર માઠી અસર પડે? આ વ્યસન મારી વાઇફને ગમતું નથી. ગુટકા ખાધા ન હોય તો પણ તેને મારા મોઢામાંથી વાસ આવ્યા કરે છે. ગુટકાની વાસના બહાને તે માંડ અઠવાડિયે એકવાર સેક્સ માટે તૈયાર થાય, જેને લીધે હવે મારી કામેચ્છા ઘટી ગઈ છે. શું આ ઉંમરે ૧૦ દિવસે એકાદ વાર સમાગમનું મન થાય એ ઠીક છે? ગુટકાથી સેક્સ-હૉર્મોન્સમાં ઓટ આવે એ વાત સાચી છે?  ગોરેગામ

ગુટકામાં નિકોટીન અને સુગંધ માટેનાં ઝેરી કેમિકલ્સ વ્યસન ઊભું કરે છે એટલે લીધા વિના ચાલતું નથી. આ કેમિકલ્સ શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. જે શરીર માટે નુકસાનકારક છે એ સેક્સ માટે પણ એટલું જ નુકસાનકારક હોય. ગુટકાથી સેક્સલાઇફમાં આડઅસર થાય કે નહીં, પણ એ ખાવાથી ગળા અને મોંનું કૅન્સર થાય છે એ પુરવાર થયેલું છે. શું આટલું કારણ આ વ્યસન છોડવા માટે પૂરતું નથી?

નિકોટીન તત્ત્વ શરીરની સૂક્ષ્મ રક્તવાહિનીઓના સંકોચનનું કામ કરે છે. આ અસર તરત નથી દેખાતી. ધીમે-ધીમે રક્તવાહિનીઓ સાંકડી થતાં રક્તપ્રવાહમાં અવરોધ પેદા થાય છે. સેક્સ દરમ્યાન ઇન્દ્રિયમાં રક્તપ્રવાહ વધે ત્યારે જ ઉત્તેજના આવે છે. મતલબ કે ગુટકાનું સેવન લાંબા ગાળે શિશ્નોત્થાનની સમસ્યા નોંતરે છે. નિકોટીન લેવાનું છોડ્યા પછી પણ રક્તવાહિનીઓમાં થયેલું સંકોચન આપમેળે દૂર નથી થઈ જતું. કોઈ એમ વિચારે કે સમસ્યા ઊભી થશે તો તમાકુ છોડી દઈશું એટલે સમસ્યા આપમેળે ચાલી જશે તો એ ભૂલભરેલી માન્યતા છે. ઉત્તેજનાની સમસ્યા ઉપરાંત બ્લડ પ્રેશર અને કૅન્સર જેવી સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી હોતો. 

ઘણા દરદીઓ કહેતા હોય કે તમાકુ લે તો જ તેમને સેક્સલાઇફમાં જોશ આવે છે. એ પણ બંધાણની નિશાની છે. ગુટકાને કારણે ઓરલ હાઇજિન પ્રૉપર રહેતું ન હોવાથી સ્વાભાવિક રીતે પાર્ટનરને અણગમો હોય છે, પણ સંકોચવશ ખૂલીને ન કહી શકાય એમ હોવાથી એનો ચોખ્ખો અને સ્પષ્ટ ઉલ્લેખ ન થતો હોય એવું બની શકે છે, પણ તમારા વાઇફ તમને કહે છે એ ખરેખર હિંમતનું કામ કહેવાય. તેની વાત માનો અને ગુટકા છોડો.

columnists sex and relationships life and style health tips