મૅસ્ટરબેશનને લીધે પ્રાઇવેટ પાર્ટ નાનો થઈ જાય ખરો?

12 April, 2021 03:11 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

તમે તમારા પ્રાઇવેટ પાર્ટ પર ફોકસ કરશો એટલી વાર એમાં ઉત્તેજના નહીં આવે અને જેટલી વાર બેફિકર રહેશો એટલી વાર એ આપોઆપ ઉત્થાન દેખાડશે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૮ વર્ષની છે, મેં હજી મૅરેજ નથી કર્યાં, પણ મને લગભગ ૧૬ વર્ષની ઉંમરથી મૅસ્ટરબેશનની આદત છે. છેલ્લા લગભગ છ મહિનાથી મને ઇરેક્શન નથી આવતું અને મને મારા પ્રાઇવેટ પાર્ટની સાઇઝમાં પણ ઘટાડો થયો હોય એવું લાગે છે. મને એવું લાગે છે કે મારી મૅસ્ટરબેશનની આદતને લીધે મને આ તકલીફ નડે છે. મેં ઘણી આયુર્વેદિક દવાઓ લીધી, પણ કોઈ ફરક પડતો નથી. હવે મને ડિપ્રેશન પણ લાગવા માંડ્યું છે. મારા મૅરેજ નક્કી થઈ ગયા છે અને બે મહિના પછી ઍન્ગેજમેન્ટ અને મૅરેજ બન્ને સાથે એક જ દિવસે થવાના છે. મને ડર લાગે છે કે મારા આ પ્રૉબ્લેમને કારણે હું હાસ્યાસ્પદ બની જઈશ અને મારા મૅરેજ તૂટી જશે. પ્લીઝ, મને સમજાવો કે મારે હવે શું કરવું?

મલાડના રહેવાસી

 

સીધો જવાબ છે, મનમાંથી આ બધા વિચારો કાઢી નાખો. વિગતવાર સમજાવું તમને, પણ એની પહેલાં તમે જવાબ આપો. તમે શ્વાસ લો છો? સાચું કહેજો, તમારા શ્વાસ ચાલુ છે?

સવાલ પૂછ્યો એ પહેલાં તમે શ્વાસ લેતા હતા અને એમાં કોઈ શંકા છે જ નહીં, પણ તમારી આ શ્વસનપ્રક્રિયાનો તમને અહેસાસ નહોતો થતો, પણ બે વાર એકનો એક જ પ્રશ્ન પૂછવાથી તમે એ દિશામાં વિચારતા થયા અને તમે જાગ્રત થઈ ગયા, જેને લીધે તમારા મનમાં આ વાત સ્પષ્ટ થઈ અને તમે શ્વાસ પર ફોકસ કરવા માંડ્યા. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જેટલું ધ્યાન તમે તમારા પ્રાઇવેટ પાર્ટ પર ફોકસ કરશો એટલી વાર એમાં ઉત્તેજના નહીં આવે અને જેટલી વાર બેફિકર રહેશો એટલી વાર એ આપોઆપ ઉત્થાન દેખાડશે. મૅસ્ટરબેશન સારી રીતે કરી શકો છો એ જ પુરવાર કરે છે કે ફિઝિકલ રિલેશન પણ તમે સારી રીતે માણી શકશો. પ્રાઇવેટ પાર્ટની સાઇઝમાં ક્યારેય ઘટાડો-વધારો ન થાય. શાંત અવસ્થામાં પ્રાઇવેટ પાર્ટની સાઇઝ નાની જ હોય, કારણ કે એ અવસ્થામાં માત્ર કુદરતી હાજતે જ જવાનું હોય, સેક્સ માણવાનું ન હોય. તમારું ટેન્શન માનસિક છે, એને મન પરથી હટાવી દો.

columnists sex and relationships