દીકરીની દિનચર્યામાં ડિસિપ્લિન જરૂરી છે?

09 September, 2022 07:52 PM IST  |  Mumbai | Sejal Patel

એક વાત છે કે એવરેજ સ્ટુડન્ટ્સ કરતાં હોશિયાર છે. રાતે જાગવું અને દિવસે સૂવું એ તેનું રુટિન છે. મારી ચિંતા સાચી છે કે પછી આ એજમાં ટીનેજર્સ આવું જ કરે? 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

મારી દીકરી ૧૭ વર્ષની છે. બારમા ધોરણમાં ભણે છે. અમે એને કૉલેજનું એક્ઝપોઝર પછીથી આપવા માગતા હોવાથી અત્યારે તેનું બારમું સ્કૂલમાં જ થઈ રહ્યું છે. સવારે સ્કૂલે ન જવાનું હોય તો તે દસ પહેલાં ઊઠે જ નહીં. ઊઠ્યા પછી પણ તરત જ કાનમાં ભૂંગળા ભરાવીને મ્યુઝિક સાંભળતાં-સાંભળતાં જ ઘરમાં ફરે. ઘરના કામમાં તો તેનું ધ્યાન હોય જ નહીં. નાસ્તો કરતાં-કરતાંયે વેબસીરિઝ ચાલતી જ હોય. તેના પપ્પાને આ બધામાં કંઈ ખોટું નથી લાગતું, પણ મને લાગે છે કે જીવનમાં કંઈક ડિસિપ્લિન તો હોવી જોઈએને? રાતે એક વાગ્યા સુધી મોબાઇલ મચેડ્યા કરવાનો અને પછી બહુ થાકી ગઈ એમ કહીને સ્કૂલમાં નહીં જવાનું. જોકે એક વાત છે કે એવરેજ સ્ટુડન્ટ્સ કરતાં હોશિયાર છે. રાતે જાગવું અને દિવસે સૂવું એ તેનું રુટિન છે. મારી ચિંતા સાચી છે કે પછી આ એજમાં ટીનેજર્સ આવું જ કરે? 

 મોટા ભાગના ટીનેજર્સ આવું જ કરે છે, પણ એનો મતલબ એ જરાય નથી કે એ સાચું છે. જીવનમાં ડિસિપ્લિન બહુ જ જરૂરી છે. મન થયું એટલે રાત જાગી લીધી અને સૂરજ માથે ચડે ત્યાં સુધી સૂતા રહ્યા એ આદત ધરમૂળથી જ ખોટી છે. અત્યારે કદાચ તમને લાગી શકે કે તેનો પર્ફોર્મન્સ સારો છે, પણ આ આદતો ટીનેજર્સના મન અને શરીર બન્ને પર બહુ અવળી પડતી હોય છે. સૌથી પહેલાં તો સૂવા-ઊઠવામાં બેદરકારીથી હૉર્મોનલ અસંતુલન થાય છે. એનાથી શરૂમાં કામ પર અસર નથી દેખાતી, પણ જ્યારે શરીરમાં એને કારણે સારીએવી ખાનાખરાબી થઈ જાય, આખી સર્કાડિયન રિધમ ખોરવાઈ જાય એ પછીથી પેદા થતી તકલીફોને સેટલ કરવામાં બહુ લાંબો સમય જાય છે. સવાર પડતાં જ વેબસીરિઝમાં ખોવાઈ જવું એ કોઈ જ રીતે સારી આદત તો નથી જ. દીકરી ૧૭ વર્ષની થઈ ચૂકી છે એટલે હવે નવી આદતો પાડવાનું થોડુંક અઘરું થઈ જશે, પણ જો સમજાવટથી તમે બધા જ એની સાથે હેલ્ધી જીવનચર્યા સેટ કરશો તો વાત કંઈક બનશે. 
અને હા, દીકરીની દિનચર્યા સુધારવા બાબતે સૌથી પહેલાં તમારે અને હસબન્ડે એકમત થવું જરૂરી છે. તેની હાજરીમાં આ બાબતે ચડસાચડસીમાં ઊતરવું યોગ્ય નહીં રહે. સાચી દિનચર્યા કેમ જરૂરી છે એ વાત સૌથી પહેલાં તમારા પતિને સમજાવવી જરૂરી છે અને તો જ તમે બન્ને સાથે મળીને દીકરીને હેલ્પ કરી શકશો.

sex and relationships columnists sejal patel