આમ તો છોકરી ખરાબ સ્પર્શ ઓળખી જાય, પણ એવું બન્યું નહીં

24 November, 2021 04:01 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આમ તો ખરાબ ઇરાદે થતો સ્પર્શ છોકરીઓ તરત જ ઓળખી જાય તો મારું પૂછવું એ છે કે મારો ઇરાદો ખરાબ નહોતો તો પણ પેલી છોકરીને એવું કેમ લાગ્યું હશે? શું મારે ખરાબ કિસ્સો ગણીને વાત ભૂલી જવી જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

હું રિટાયર્ડ વ્યક્તિ છું અને મારી ઉંમર ૬૨ વર્ષની છે. પહેલેથી જૉલી-માઇન્ડેડ છું. મારા જીવનની આ જ ફિલોસૉફી છે કે ખુશ રહો અને ખુશ રાખો. મારા આ સ્વભાવને લીધે કેટલીયે વાર જોખમ પણ ઊભું થઈ જાય છે. હમણાં જ એવું બન્યું. હસીમજાક કરતાં અમારી સોસાયટીમાં રહેતી એક છોકરીને એવું લાગ્યું કે હું અડપલાં કરું છું. તેણે પોતાના ઘરે ફરિયાદ કરી અને મહામુશ્કેલીએ મેં વાત તેમને સમજાવી. પણ આ ઘટનાની ઑલમોસ્ટ સોસાયટી આખીમાં ખબર પડી ગઈ. આમ તો ખરાબ ઇરાદે થતો સ્પર્શ છોકરીઓ તરત જ ઓળખી જાય તો મારું પૂછવું એ છે કે મારો ઇરાદો ખરાબ નહોતો તો પણ પેલી છોકરીને એવું કેમ લાગ્યું હશે? શું મારે ખરાબ કિસ્સો ગણીને વાત ભૂલી જવી જોઈએ?
દહિસરના રહેવાસી

જરા પણ નહીં. ખરાબ કિસ્સો ગણીને વાત ભૂલવાની કોશિશ બિલકુલ નહીં કરતા. જો પહેલાં આવી કોઈ ઘટના ઘટી ગઈ હોત અને તમને કોઈએ આ પ્રકારે ધ્યાન દોરવી દીધું હોત તો તમારે આ ઉંમરે સ્પષ્ટતાઓ અને ખુલાસાઓ કરવા ન પડ્યા હોત. બીજું, તમારી આ આદત તમારે છોડવી જ જોઈએ. મેં જ લખેલી દીર્ઘ ગઝલ ‘સજનવા’ની એક પંક્તિ અત્યારે યાદ આવે છે... 
હવે શબ્દને બદલે સ્પર્શ બોલશે સજનવા. 
તમારા કિસ્સામાં આ વાતને તમારે અવળી કરવાની છે અને એવું જ હોવું જોઈએ. સ્પર્શની પરિભાષા સૌથી સારી રીતે ઓળખી શકતી હોય તો એ નારી જાતિ છે. સ્પર્શમાં અનેક પ્રકારના સંબંધો સમાયેલા હોય છે. કયો સ્પર્શ ભાઈની લાગણી દર્શાવે છે અને કયો સ્પર્શ પિતાનો ભાવ દેખાડે છે એ સ્પર્શ પરથી સહજ રીતે સ્ત્રી પામી લેતી હોય છે. ભાગ્યે જ એવું બને કે સ્પર્શની પરિભાષા કોઈ સન્નારી પામી ન શકે. તમારી જે દુવિધા છે એ દુવિધાનો જવાબ આપું. જે યુવતીએ તમારા માટે ફરિયાદ કરી એવી ફરિયાદ તે બધા માટે કરતી હોય તો એનો પ્રૉબ્લેમ, પણ જો એવું ન હોય તો સ્પર્શ કરીને વાત કરવાની તમારી આ આદતમાં પ્રૉબ્લેમ. આપણે બીજાને શીખવવાનું કામ ન કરીએ, પણ જાતને સુધારવાનું કામ તો થઈ જ શકે.

sex and relationships columnists