મેં મૅરેજ કરીને ભૂલ કરી છે, મારે બ્રહ્મચર્ય પાળવા માટે શું કરવું જોઈએ?

27 June, 2022 07:34 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારાથી એકાંતમાં ક્યારેક મૅસ્ટરબેટ થઈ જાય છે અને પછી મને ખૂબ ગિલ્ટ થાય છે. પ્રાયશ્ચિત્તરૂપે હું મારી વાઇફની પાસે આ વાત કબૂલી પણ લઉં છું, પણ એ પછી તેને બહુ ગુસ્સો આવે છે.

પ્રતીકાત્મક તસવીર

હું ૩૧ વર્ષનો છું. દસ વર્ષ પહેલાં કૉલેજમાં એક છોકરી સાથે પ્રેમ થયો અને મેં મૅરેજ કરી લીધાં, પણ મને હવે એ મૅરેજનો અફસોસ થાય છે. પાંચેક વર્ષથી હું ચુસ્તપણે ધર્મ તરફ વળ્યો છું. અમારા ધર્મગુરુઓના કહેવા મુજબ શારીરિક આનંદમાં રાચીને આપણે આધ્યાત્મિક વિકાસને અવરોધીએ છીએ. મને પણ હવે લાગવા માંડ્યું છે કે મેં મૅરેજ કરીને બહુ મોટી ભૂલ કરી છે. વાત મારા મનમાં દૃઢ થતાં મેં મારી વાઇફને થોડા સમય માટે બ્રહ્મચર્ય પાળવા સમજાવી છે. શરૂઆતમાં તેની ફરિયાદો વર્તનમાં બહાર આવતી, પણ હવે તેના તરફથી કોઈ ફરિયાદ નથી. પ્રૉબ્લેમ મારા પક્ષે છે. મને બધું સત્ય સમજાતું હોવા છતાં ફૅન્ટસી પર કન્ટ્રોલ નથી રહેતો. મારાથી એકાંતમાં ક્યારેક મૅસ્ટરબેટ થઈ જાય છે અને પછી મને ખૂબ ગિલ્ટ થાય છે. પ્રાયશ્ચિત્તરૂપે હું મારી વાઇફની પાસે આ વાત કબૂલી પણ લઉં છું, પણ એ પછી તેને બહુ ગુસ્સો આવે છે. મારે વિચારો અને વર્તનથી સેક્સલાઇફ પર લગામ મૂકવા શું કરવું? 
બોરીવલી

તમારો પ્રશ્ન, તમારી મૂંઝવણ અને તમારી જે માનસિકતા છે એની સાથે હું ડૉક્ટર તરીકે સહમત થવા રાજી નથી. તમે જે પણ ધર્મ પાળતા હો અને એમાં જે કોઈ પણ સમજણ આપવામાં આવતી હોય એની સાથે પણ મેડિકલ એક્સપર્ટ તરીકે સહમત થવું અઘરું છે. ફિઝિકલ રિક્વાયરમેન્ટ કે પછી ફિઝિકલ એક્સાઇટમેન્ટ્સને દબાવવાથી કે અટકાવવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય એવું નથી હોતું. તમે મૅરેજ કરીને જીવનની નવી જવાબદારીઓ સ્વીકારી છે ત્યારે તમારે સમજવું જોઈએ કે એ જવાબદારી સાથે બીજી પણ અનેક જવાબદારીઓ તમારા પર આવે છે અને તમારે એ નિભાવવાની છે. હૅટ્સ ઑફ તમારી વાઇફને કે તેણે તમારી વાતને સન્માન આપીને પોતે પણ બ્રહ્મચર્યના સિદ્ધાંતો અપનાવવાનું સ્વીકાર્યું, પણ જો તેની જગ્યાએ કોઈ બીજી હોય તો તે ચોક્કસ કોર્ટમાં જઈને તમારાથી ડિવૉર્સ માગે અને બીજી જ મિનિટે તેને મળી પણ જાય. 
સાઇકિયાટ્રિસ્ટ તરીકે તમને એક વાત કહીશ કે મનના આવેગોને જેટલા વધુ દબાવવામાં આવે એટલા જ એ સ્પ્રિંગની જેમ ઊછળતા હોય છે. જાતીય ભાવનાઓને પણ આ જ વાત લાગુ પડે છે. એને ક્યારેય દબાવવી ન જોઈએ.

sex and relationships columnists