સોસાયટીમાં રહેતી એ મહિલા સાથે વાત કરવા દિલ તલપાપડ રહે છે

24 March, 2021 11:16 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કોઈ બીજી સ્ત્રી સામે જોઉં તો પણ મને એનો જ ચહેરો દેખાય છે. એ બહુ દેખાવડી છે, ટીવીમાં આવતી ઍક્ટ્રેસ જેવી જ લાગે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર પ૯ વર્ષની છે, ગયા વર્ષે જ હું બૅન્કમાંથી રિટાયર થયો છું. મને અમારી જ સોસાયટીમાં રહેતી એક પરિણીત સ્ત્રી સાથે પ્રેમ થયો છે. એના વિના હું રહી શકતો નથી. કોઈ બીજી સ્ત્રી સામે જોઉં તો પણ મને એનો જ ચહેરો દેખાય છે. એ બહુ દેખાવડી છે, ટીવીમાં આવતી ઍક્ટ્રેસ જેવી જ લાગે. એ સ્ત્રી સાથે વાત કરવાની તક હું શોધતો હોઉં છું, મારી વાઇફ પણ હવે તો આ જાણે છે અને એ આ વાતની મજાક પણ મારી સાથે કરે કે એને જોયા પછી તમે વધારે ગુલાબી મૂડમાં આવી જાઓ છો. મારે શું કરવું જોઈએ, મારી આ લાગણી અકબંધ રાખીને હું એની પાસે માગણી મૂકું? - મલાડના રહેવાસી

તમને જે ઉંમરે પ્રેમ થયો છે અને જે વ્યક્તિ સાથે એટલે કે પરણેલી સ્ત્રી સાથે પ્રેમ થયો છે એ હકીકતમાં પ્રેમ નથી, પણ મોહ છે, એક જાતનું આકર્ષણ માત્ર છે અને આકર્ષણથી બને એટલું દૂર રહેવું જોઈએ. કારણ કે મોહભંગ બહુ ઝડપથી થતો હોય છે. આ એ ઉંમર છે જે ઉંમરમાં બોડીમાં બહુ બધા હોર્મોનલ ફેરફાર ચાલતાં હોય. ઘણી વખત એવું પણ બને ઍન્ડ્રોપોઝ જેવી પ્રક્રિયા શરીરમાં મોડી શરૂ થાય એટલે એને લીધે પણ માણસના સ્વભાવમાં ઘણા ચેન્જિસ દેખાય. મૅનોપોઝ દરમ્યાન સ્ત્રીનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હોય એવું મહત્તમ જોવા મળે છે તો ઍન્ડ્રોપોઝ દરમ્યાન પુરુષ વધારે રોમેન્ટિક થઈ જાય એવું પણ જોવા મળે છે માટે તમે જેને પ્રેમ કહો છો એને પ્રેમ ગણવાનું બંધ કરો અને તમારા મનને સાચી દિશામાં વાળવાનું શરૂ કરો તો અનર્થ સહજ રીતે અટકી જશે.
પ્રેમ એમ સહજતાથી થાય નહીં અને પ્રેમમાં આકર્ષણનું મહત્ત્વ પણ લગીરેય હોતું નથી. પ્રેમમાં ત્યાગ અને સમર્પણની ભાવના બળવત્તર હોય અને એ ભાવના થકી જ પ્રેમ અકબંધ રહે. શૂન્ય પાલનપુરીએ પ્રેમ માટે બહુ સરસ શબ્દો કહ્યા છે.
પ્રેમ એ તો ત્યાગ કેરું નામ છે,
એ સમજવું ક્યાં બધાનું કામ છે.

sex and relationships columnists Dr. Mukul Choksi