ઓવરવેઇટ છું, શું વજન ઉતારું તો આપોઆપ સેક્સલાઇફ સુધરશે?

15 June, 2022 08:00 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારા એક અનુભવી વડીલે રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ નિચોવીને લેવાનું કહ્યું છે. શું એનાથી પચીસ કિલો વજન ઊતરે? શું વજન ઊતર્યા પછી વાયેગ્રા લેવાની જરૂર નહીં પડે? 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારી ઉંમર ૪૬ વર્ષ છે. છેલ્લા કેટલાક વખતથી બ્લડ-પ્રેશર વધારે રહે છે અને ઉત્તેજના આવવામાં તકલીફ પડે છે. ડૉક્ટરનું કહેવું છે કે વજન વધી જવાને કારણે આમ થયું છે. ઓછામાં ઓછું પચીસ કિલો વજન ઉતારવાનું છે. મને ડાયાબિટીઝ નથી, પણ કૉલેસ્ટરોલ રહે છે. કૉલેસ્ટરોલ અને બ્લડ-પ્રેશરને કારણે ઉત્તેજનામાં પણ તકલીફ આવે છે. હું કડક ડાયટ કરી શકતો નથી, પણ દવાઓ લઈ શકીશ. મારા એક અનુભવી વડીલે રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ નિચોવીને લેવાનું કહ્યું છે. શું એનાથી પચીસ કિલો વજન ઊતરે? શું વજન ઊતર્યા પછી વાયેગ્રા લેવાની જરૂર નહીં પડે? 
બોરીવલી

રોજ સવારે નરણા કોઠે લીંબુ-પાણી લેવાનું હેલ્ધી છે. એનાથી પાચનતંત્ર સાફ રહે છે. સવારે મધ અને પાણી લેવાથી શરીરનો વધારાનો મેદ ઓગળી જાય છે. જોકે તમે ગરમ પાણીમાં મધ લેવું આયુર્વેદની દૃષ્ટિએ ખોટું છે. મધને ક્યારેય ગરમ ચીજો સાથે ન લેવાય એવું કહેવામાં આવ્યું છે, કેમ કે મધની તાસીર ગરમ છે. ગરમ ચીજો સાથે લેવાથી એ પિત્ત પેદા કરે છે. માટે રોજ સવારે નરણા કોઠે સાદા પાણીમાં એક ચમચી ચોખ્ખું મધ મેળવીને પીવું જોઈએ. બીજું, આજકાલ મધમાં ગોળ અને ખાંડની ચાસણી મેળવેલી હોય છે અને ઍન્ટિ-બૅક્ટેરિયલ દવાઓનું મિશ્રણ પણ મધમાં થતું હોય છે. આયુર્વેદ કહે છે કે એક વર્ષથી વધુ જૂના શુદ્ધ મધનું નિયમિત સેવન કરવાથી લોહી પાતળું બને છે, શરીરની આંતરિક અને બાહ્ય ચરબી ઓછી થાય છે અને ચોક-અપ થયેલી લોહીની નળીઓ ધીમેથી ખૂલી જાય છે. જો લોહીની નળીઓ વધારે મોટી હોય અને લોહી પાતળું હોય તો આખા શરીરમાં અને ખાસ કરીને ઇન્દ્રિયમાં લોહીનો પ્રવાહ વધુ ઝડપથી, વેગથી અને વધુ સારો થશે. પરિણામે લાંબા ગાળે ઇન્દ્રિયનું ઉત્થાન વધુ સારું થવાની શક્યતા આપમેળે નિર્માણ થશે.
વજન ઘટાડવા માટે તમે ખાંડ લેવાનું બિલકુલ બંધ કરશો તો બેથી ચાર મહિનામાં જ ફરક જોવા મળશે. ભૂખ્યા રહી ન શકો તો ચાલે, પણ તમે એક્સરસાઇઝ અને દરરોજ ૪૫ મિનિટની વૉક લઈ શકો છો જેનો સીધો બેનિફિટ સેક્સલાઇફ પર જોવા મળશે.

sex and relationships columnists