હસબન્ડને સેક્સમાં કોઈ રસ જ નથી રહ્યો

22 June, 2022 07:14 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

તેમને મારામાં રસ રહ્યો નથી એવું લાગે છે. જ્યારે તેમને આ વાત પૂછું અને છૂટા પડવાની ઇચ્છા વિશે પૂછું તો તરત ના પાડી દે છે અને કહે છે કે હું તને પ્રેમ કરું છું.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારી ઉંમર ૫૪ વર્ષ છે અને મારા હસબન્ડની ઉંમર પણ સેમ છે. અમારા બન્નેનાં આ બીજાં લગ્ન છે અને હજી બે વર્ષ પહેલાં જ અમે લગ્ન કર્યાં છે. લગ્ન પછીના ૬ મહિના અમે સમાગમ માણ્યો. જોકે એ વખતે પણ ૧૫-૨૦ દિવસે એકાદ વખત અમે સંબંધ બાંધતા. છેલ્લા એકાદ વર્ષથી તેમને જાણે સેક્સમાંથી રસ ઊડી ગયો હોય એવું લાગે છે. તેઓ કદી સામેથી પહેલ નથી કરતા. હું પહેલ કરું તો થાક લાગ્યો છે, આજે નહીં, બહારગામ જઈશું ત્યારે એવાં બહાનાં કરતા રહે છે. મુખમૈથુનથી તેમને ઉત્તેજના આવે, પણ જેવું યોનિપ્રવેશ કરાવવા જાય ત્યારે ગરબડ થાય. તેઓ મુખમૈથુન કરાવીને આનંદ આપવાની કોશિશ કરે છે, પણ મને લાગે છે કે તેમના મનમાં કંઈક બીજું જ છે. તેમને મારામાં રસ રહ્યો નથી એવું લાગે છે. જ્યારે તેમને આ વાત પૂછું અને છૂટા પડવાની ઇચ્છા વિશે પૂછું તો તરત ના પાડી દે છે અને કહે છે કે હું તને પ્રેમ કરું છું.
કાંદિવલી

યોનિપ્રવેશ થાય એટલું કડકપણું ન આવે એવી સમસ્યા મોટી ઉંમરે જોવા મળે એ સ્વાભાવિક છે. તમે જે વર્ણન કર્યું છે એ બતાવે છે કે તેમને શિશ્નોત્થાનમાં તકલીફ પડે છે. મુખમૈથુનથી પણ એટલી ઉત્તેજના નથી આવતી જેથી યોનિપ્રવેશ શક્ય બને. શિશ્નોત્થાનની સમસ્યા શરૂ થવાનાં અનેક કારણો હોઈ શકે છે. શું તેમને ડાયાબિટીઝ કે બ્લડપ્રેશરની તકલીફ છે? કૉલેસ્ટરોલ વધારે છે કે નહીં? જો આ બધાની તપાસ ન કરાવી હોય તો એક વાર કરાવી લેવી જોઈએ. જો એમાંની કોઈ પણ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ રેગ્યુલર દવા લઈને શુગર અને પ્રેશર નિયંત્રણમાં રાખવું જોઈએ.
બીજું, ઘણી વાર પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટીને કારણે પણ આવું થઈ શકે છે. એક, બે, ત્રણ વખત કોઈક કારણસર ઉત્તેજના આવવામાં તકલીફ પડી હોય તો પછી મનમાં ગ્રંથિ ઘર કરી જાય છે કે હવે ઉત્તેજના નહીં આવે તો શું? આ જે મૂંઝવણ છે એ તમારા હસબન્ડની ઉંમરના પુરુષો મોટા ભાગે મનમાં જ રાખે છે અને મનમાં રાખેલો આ પ્રશ્ન તેમને વધારે હેરાન કરે છે. તમે તમારા હસબન્ડને એક્સાઇટ કરવાના પ્રયાસ કરો અને પ્રેમ-હૂંફ સાથે તમારી માગણી મૂકો. જો એવું બનશે તો તે પણ તમારી સાથે સરળતા સાથે આગળ વધે એવું બની શકે છે.

sex and relationships columnists