નોકરી વખતે કેટલું નેગોશિએટ કરવું જેથી વાત તણાઈને તૂટે નહીં?

05 August, 2022 07:37 PM IST  |  Mumbai | Sejal Patel

તમને તમારા કામ પર કેટલો કૉન્ફિડન્સ છે એના આધારે પૅકેજ માટે ચર્ચા કરવી જોઈએ. બની શકે કે પેલી અમેરિકાના કલ્ચરની વાત કરતી હોય, ભારતમાં એવું સંભવ ન હોય એવું બની શકે?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

એન્જિનિયરિંગમાં એક્સ્ટ્રા સ્પેશ્યલાઇઝેશન કર્યા પછી હવે જૉબ કરું છું. પરિવારની સ્થિતિ મધ્યમ હોવાથી મોટી યુનિવર્સિટીમાં જઈને ભણવું હતું એ થઈ શક્યું નહોતું. હું બીજી નોકરીની તલાશમાં છું અને પૈસા માટે વધુ નિગોશિએટ કરવું કે નહીં એની અવઢવમાં છું. મારા એક ફ્રેન્ડે પૈસા બાબતે વધુ તાણ કરવા જતાં બહુ સારી ઑપોર્ચ્યુનિટી ગુમાવી હતી. જ્યારે મારી એક ફ્રેન્ડ જે અમેરિકામાં છે તેનું કહેવું છે કે પહેલી જ વારમાં તમે કેટલું નિગોશિએટ કરી શકો છો એ જ તમારા ભલામાં છે. તમને તમારા કામ પર કેટલો કૉન્ફિડન્સ છે એના આધારે પૅકેજ માટે ચર્ચા કરવી જોઈએ. બની શકે કે પેલી અમેરિકાના કલ્ચરની વાત કરતી હોય, ભારતમાં એવું સંભવ ન હોય એવું બની શકે? નિગોશિએશન માટેના બેસિક રુલ્સ શું ધ્યાનમાં રાખવા જોઈએ?

સાદી ભાષામાં નિગોશિએશન એટલે ભાવતાલ કરવો. મૅનેજમેન્ટની દૃષ્ટિએ નિગોશિએશન બહુ મહત્ત્વનું છે. ભાવતાલ કરવાની બાબતમાં ઘણા લોકો એવું માને છે કે તમારી વાતને ખેંચ્યા કરો અને સામે વાળાને તમે જે નક્કી કર્યું છે એના પર લાવવાની કોશિશ કરો. આ બહુ જ ભ્રામક માન્યતા છે.
‘સેવન હૅબિટ્સ ઑફ હાઇલી ઇફેક્ટિવ પીપલ’ નામની મૅનેજમેન્ટની ગીતા કહી શકાય એવી બુકમાં લેખક સ્ટીફન કવીની વાત માનીએ તો નિગોશિએશન સફળ ત્યારે જ થાય જ્યારે ચર્ચા દરમ્યાન બન્ને પક્ષે વિન-વિન સિચુએશન હોય એવી વાત થતી હોય. ઘણી વાર સામેવાળાની મજબૂરીનો લાભ ઉઠાવીને આપણે ભાવતાલ કરવા બેસીએ છીએ ત્યારે ટેમ્પરરી ધોરણે આપણને ‘લાભ’ થાય છે. આવી સ્થિતિને વિન-લૂઝ કહેવાય. એમાં મારી જીત હોય પણ સામેવાળાની હાર હોય. આ લાભ ટૂંકાગાળાનો હોવાથી એ વનટાઇમ રહી જાય છે. હંમેશાં બન્ને પક્ષને શું ફાયદો થાય છે એને ધ્યાનમાં રાખીને બૅલૅન્સ કેળવવાની અને મારી પણ જીત હોય અને તમારી પણ જીત હોય એવો મધ્યમ માર્ગ મેળવવાની કોશિશ થાય ત્યારે નિગોશિએશન સફળ થાય. અમેરિકામાં વધુ વાટાઘાટો થઈ શકે અને ભારતમાં નહીં, એવું જરાય નથી. તમે કઈ બાબતે, કેટલું, કેવી રીતે અને સામેવાળાને થતા ફાયદા-નુકસાનની વાતને કન્સીડર કરીને તમારી રજૂઆત કરો છો એ મહત્ત્વનું છે. 

sex and relationships sejal patel columnists