તમારા સંબંધમાં વાતોનું સ્થાન મૌને લઈ લીધું છે?

06 July, 2026 02:41 PM IST  |  Mumbai | Jigisha Jain

આ બદલાવ પાછળનાં કારણો સમજવાની કોશિશ કરીએ

પ્રતીકાત્મક તસવીર

રિલેશનશિપમાં પહેલાં કલાકો વાતો કરતા લોકો વર્ષો વીતતાં મૂંગા કેમ થઈ જાય છે? કપલ્સ જ્યારે મળે છે ત્યારે શરૂઆતનાં વર્ષોમાં કલાકોના કલાકો એકબીજા જોડે વાતો કરતાં હોય છે. ધીમે-ધીમે એ અતરંગી વાતોનું સ્થાન કામની વાતો લઈ લે છે અને કામની વાતોનું સ્થાન સમય જતાં કામ પૂરતી વાતોમાં પરિણમે છે. આ બદલાવ પાછળનાં કારણો સમજવાની કોશિશ કરીએ...

રવિ અને નિશા બન્ને કૉલેજ સમયનાં મિત્રો હતાં. બન્નેને એકબીજા સાથે ખૂબ ફાવતું. કૉલેજની કૅન્ટીનમાં બેઠાં-બેઠાં કલાકો વાતોમાં ક્યાં નીકળી જતા એ સમજાતું નહીં. વાતોના ટેકે  મિત્રતા પ્રેમમાં ક્યારે પરિણમી એ બન્નેને ખબર નથી, પણ એકબીજા સાથે વાત કર્યા વગર તેમને ચાલતું જ નહીં. નિશા બૅન્ગલોર આગળનું ભણવા ગઈ ત્યારે રવિને સવારે ઑફિસ હોય અને નિશાને કૉલેજ છતાં પણ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી તેમની વાતો ચાલે. નિશાની રૂમમેટ તેને પૂછતી કે ભાઈ, આટલી વાતો શું હોય છે તમારી પાસે? રવિવારે તો બન્નેને રજા હોય ત્યારે સવારથી લઈને રાત સુધી ફોન ચાલુ જ હોય. રવિના મિત્રો તેને કહેતા કે તને આ છોકરીઓની ટક-ટક કઈ રીતે ગમે છે? રવિ કહેતો કે અમારી વાતો જ અમને જોડે છે. આ વાતોની મજબૂતાઈએ જ તો મુંબઈ-બૅન્ગલોરની લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ પણ બે વર્ષ એકદમ સ્ટ્રૉન્ગ રહી. નિશા મુંબઈ પાછી આવી, જૉબ શરૂ કરી અને ૬ મહિનાની અંદર બન્નેએ નક્કી કર્યું કે લગ્ન કરી લઈએ. તેમનાં લગ્નને આજે ૧૦ વર્ષ થઈ ગયાં છે. એક દીકરી પણ છે. બન્ને મૅરેજ કાઉન્સેલરની ઑફિસમાં બેઠાં છે અને જાત-જાતની ફરિયાદો કરી રહ્યાં છે. બન્નેને લાગે છે કે તેમના જીવનમાં પહેલાં જેવી ખુશી નથી. બન્ને એકસાથે એક છત નીચે રહે છે, પણ હવે એ વાતો થતી જ નથી. ટોળામાં ન હોય અને બન્ને એકલાં હોય ત્યારે સ્થિતિ એટલી ઑક્વર્ડ થઈ જાય છે કે શું વાત કરવી એ સમજાતું નથી એટલે બન્ને ફોનમાં ઘૂસી જાય છે. કાઉન્સેલર સામે બન્ને કબૂલે છે કે અમારી પાસે એકબીજાને કહેવા માટે હવે કશું બચ્યું જ નથી. ઘરની કે પરિવારની વાતો થાય છે. ઑફિસનો ક્લેશ અમે ઘરે લાવતાં નથી એટલે જાણે કશું વાત કરવા માટે છે જ નહીં. જે વાતો અમને જોડતી હતી એ કડી મિસિંગ છે. તે બન્નેને સમજાતું નથી કે આપણે કલાકો વાતો કરનારાં કપલ આજે કેમ મૂંગાં થઈ ગયાં છીએ? આપણી વાતો ખૂટી ગઈ કે એકબીજામાંથી રસ ખૂટી ગયો?

આવું એક નહીં અનેક કપલ્સ સાથે થાય છે. દરેક કપલના સંબંધની શરૂઆતમાં ભરપૂર વાતો થતી જ હોય છે. એનું કારણ સમજાવતાં રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ નેહા મોદી કહે છે, ‘કપલ્સ વચ્ચે સંબંધની શરૂઆત એકદમ ક્યુરિયૉસિટી સાથે થાય છે. એકબીજાને જાણવા, સમજવા માટે બન્ને વચ્ચે અઢળક વાતો થતી રહે છે. આ વાતો બન્ને વચ્ચે સેતુનું કામ કરે છે. આ સંબંધનો પહેલો પડાવ છે જેમાં વ્યક્તિને શું ગમે છે એ જણાવવાની બન્ને પક્ષે તાલાવેલી હોય છે. જીવનમાં શું-શું કર્યું અને શું કરવાની ઇચ્છા છે એ એકબીજાને જણાવવું ખૂબ ગમે છે, પણ પછી જીવનમાં શરૂ થાય છે સેકન્ડ ફેઝ. જ્યારે સહજીવન શરૂ થાય ત્યારે જવાબદારીઓ વધે છે. નોકરી, ખર્ચા, ઘરનાં સેંકડો કામ, સંબંધીઓ, વ્યવહાર જેવી અઢળક વસ્તુઓ જીવનમાં પ્રાધાન્ય ધરાવતી થઈ જાય છે. ત્યારે કઈ રીતે બે છેડા પૂરા કરવા, ૨૪ કલાકની અંદર આવેલી અઢળક જવાબદારીઓ પૂરી કરવી એ મુખ્ય પ્રશ્ન થઈ જાય છે. ત્યારે ભલે ગમે એટલું ગમતું હોય, પણ સાથે અમુક ગણ્યાગાંઠ્યા કલાકો જ મળી શકે છે જેમાં વાતો તો થાય છે પણ એના ટૉપિક ઘણા જુદા હોય છે. દેખીતી રીતે એ કામની વાતો જ હોય છે. એટલે એવું લાગવા માંડે છે કે ૨૪ કલાક મેકૅનિકલી પસાર થઈ રહ્યા છે. આવું જીવન કપલ્સ ઇચ્છતાં નથી, પણ પ્રૅક્ટિકલી આવું થવું સહજ છે.’

વાતોનું મહત્ત્વ

ઘણાં કપલ્સ એ રીતે જીવતાં હોય છે કે આટલાં વર્ષો પછી કોઈ વાતો નથી હોતી એ સ્વીકારી લે છે, પણ સમાજમાં તમે જોશો કે જે કપલ્સ વર્ષો પછી પણ અત્યંત ખુશ છે તેઓ હજી પણ એકબીજા સાથે એક સુંદર તાદાત્મ્ય ધરાવે છે. વાતો જ નહીં, મસ્તીભરી વાતો પણ કરતાં હોય છે, એકબીજાની મજાક ઉડાડતાં હોય છે. આટલાં વર્ષે પણ બધું જ એકબીજા સાથે શૅર કરતાં હોય છે જેને લીધે તે બન્ને ખરેખર ખૂબ જ સુખી દામ્પત્ય જીવતાં હોય છે. તે બન્ને વચ્ચે ખરું પૂછો તો એકબીજાને જાણવા માટે કશું નવું બચ્યું નથી હોતું. એકબીજાને તો તેઓ ખૂબ જ સારી રીતે જાણે છે. અમુક વાતો તો કહેવી પણ નથી પડતી, બસ આંખોથી સમજી જાય છે. છતાં નાની-નાની બાબતો એકબીજાને બોલવા માટે જોઈએ છે. બે વ્યક્તિઓ વચ્ચે વાતોનું મહત્ત્વ સમજાવતાં નેહા મોદી કહે છે, ‘માણસની જરૂરિયાત રોટી, કપડા, મકાન જેટલી સીમિત નથી હોતી. માણસની ઇમોશનલ જરૂરિયાત ઘણી મહત્ત્વની હોય છે. તેને વ્યક્ત થવું હોય છે. એ વ્યક્ત થવા માટે તેને પોતાનું કોઈ આપ્તજન હોય એ જરૂરી છે. જીવનસાથી જે અતિ પ્રેમ કરે તેની પાસે વ્યક્ત થવાનું, તેને કહેવાનું, તેને સાંભળવાનું અને તેની સાથે એ પળ જીવવાથી વ્યક્તિની લાગણીકીય જરૂરિયાતો પૂરી થાય છે. લગ્નનું આ મહત્ત્વ છે જે જાળવી રાખવાથી જીવન જીવવાનો એક જુદો સંતોષ મળે છે.’ 

આ લક્ષણોને સમજો

સંબંધની શરૂઆત વાતોથી થાય છે, પણ ધીમે-ધીમે જેમ સમય પસાર થાય છે એમ આવતા બદલાવ તરફ ધ્યાન આપવું જરૂરી છે એમ સમજાવતાં નેહા મોદી કહે છે, ‘જ્યારે જીવનસાથી તમારી આંખમાં આંખ નાખીને વાત ન કરે ત્યારે સમજવું કે તેને વાતમાંથી રસ ઊડી રહ્યો છે. ઘણા લોકો એવા છે જે પાર્ટનર વાત કરે ત્યારે સ્ક્રોલ કરતા હોય છે કે મોબાઇલમાં મેસેજ જોતા હોય છે. તેનું આ વર્તન જ સમજાવે છે કે તેને વાતોમાં રસ નથી. સમય નથી એ તકલીફ પણ સંબંધોમાં ભારે પડે છે. ઘણા લોકોને વાતો કરવી હોય છે, પાર્ટનર સાથે રહેવું છે; પણ તેમના જીવનમાં કામ જ એટલું હોય છે કે તેઓ આવો સમય કાઢી શકતા નથી. તેમના સંબંધો સમય જતાં ફિક્કા થવા લાગે છે. આ સિવાય વાતો બંધ થવાનાં કારણોમાં એક પાર્ટનર બીજા પાર્ટનરની વાતો સાંભળીને તેને સતત જજ કર્યા કરે, મહેણાં-ટોણાં સંભળાવે કે તેને ખુલ્લા મનથી ન સાંભળે ત્યારે સામેવાળી વ્યક્તિને તેની સાથે વાત કરવાનો કોઈ સંતોષ થતો નથી. ઊલટું તેને લાગે છે કે આને બોલાવવાનો કોઈ ફાયદો જ નથી.’

વિવાદ ચાલશે, પણ સંવાદ બંધ ન થવો જોઈએ

પતિ-પત્ની એકબીજા સાથે પ્રેમથી રહે, વાતો કરે, ક્યારેક ઝઘડા પણ કરે એ ઇચ્છનીય છે. પાર્ટનર એકબીજાને ફરિયાદો કરે, ગુસ્સે થાય કે રિસાઈ જાય તો પણ ચાલે; પણ બેમાંથી કોઈ એક કે બન્ને સાવ ચૂપ થઈ જાય, બન્ને વચ્ચે સંવાદ જેવું કંઈ જ ન બચે તો તકલીફ તો થવાની. એનાથી કશું જ ખરાબ ન હોઈ શકે. ચૂપ થઈ જવાનો અર્થ એ છે કે કપલ એકબીજાથી અને આ સંબંધથી બધી જ આશા છોડી બેઠાં છે. એ વિશે નેહા મોદી કહે છે, ‘સંબંધમાં ચુપ્પી દુઃખથી નથી આવતી, નિરાશાથી આવે છે. જ્યારે વ્યક્તિ પોતાના બધા પ્રયત્નો કરી ચૂકી હોય છે અને પછી છેલ્લે તેને લાગે છે કે કંઈ અર્થ સરે એમ નથી તો તે મૂંગી થઈ જાય છે. જેવું છે, જે છે એનો સ્વીકાર તે કરી ચૂકી હોય છે, પણ એ સ્વીકારમાં પ્રેમ નથી હોતો. આ કક્ષાએ સંબંધ ન પહોંચે એનું ધ્યાન બન્નેએ સાથે મળીને રાખવું જોઈએ.’

તમારા સંબંધોમાં વાતોનું મહત્ત્વ ઘટી રહ્યું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ એ જાણીએ નેહા મોદી પાસેથી

એક સમય પછી પતિ-પત્ની એકબીજાને ‘ટેકન ફૉર ગ્રાન્ટેડ’ લઈ લે છે. તે વ્યક્તિ તમારી જ છે, જીવનભર માટે તમારી સાથે જોડાયેલી છે; પણ એ વાતને માની લઈને તેની જ અવગણના કરશો તો એ યોગ્ય નથી.

તમારા મનમાં તમારા પાર્ટનર માટે જેટલો પ્રેમ અને માન હોય એને છુપાવવાની કે ન જતાવવાની ભૂલ ન કરશો. એ માટે દિવસમાં ૧૦ વાર આઇ લવ યુ બોલવાની જરાય જરૂર નથી. તમારા દરેક કામમાં એ પ્રેમ છલકી જશે આપોઆપ. જો તેને બે પળ નજર ભરીને જોઈ લેશો તો પણ એ પ્રેમની આપ-લે થઈ જશે. એ માટે વધુ કંઈ કરવાની જરૂર નથી હોતી.

જો તમને લાગતું હોય કે તમને તમારા પાર્ટનર વિશે બધી જ ખબર છે તો ભલે રહી, પણ સતત બદલાતા સમય અને બદલાતી દુનિયામાં તમારા પાર્ટનર વિશે જાણવા માટે સતત ઉત્સાહી રહો અને એ ચાર્મ ગુમાવો નહીં.

શરીરની જેમ સંબંધોમાં પણ અંદરથી સતત ખરાબી આવતી રહે છે. એને દરરોજનું રિપેરવર્ક જરૂરી છે. આજે ડૅમેજ થયું અને એને તમે તાત્કાલિક રિપેર નહીં કરો તો એ ડૅમેજ બીમારી બનીને વર્ષો પછી સામે આવશે એ યાદ રાખો.

દરરોજ વધુ નહીં તો ૨૦ મિનિટ એકબીજા સાથે મતલબ વગર વિતાવો. આ સમય દરમ્યાન કોઈ પણ કામની વાત નહીં કરવાની. ફિઝિકલ ઇન્ટિમસીની લોકોને વધુ પરવા હોય છે, પણ ઇમોશનલ ઇન્ટિમસી પણ અત્યંત જરૂરી બાબત છે એ ધ્યાનમાં રાખો.

relationships sex and relationships life and style lifestyle news columnists exclusive Jigisha Jain