કૉલેજમાં અબૉર્શન કરાવ્યું હતું, હવે પ્રેગ્નન્સી નથી રહેતી

02 November, 2021 06:50 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

એકવાર અબૉર્શન કરાવીએ એટલે બીજી વાર પ્રેગ્નન્સીમાં તકલીફ પડે એ વાતમાં કોઈ તથ્ય નથી,

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૦ વર્ષ છે. મૅરેજને ચાર વર્ષ થયાં છે. અમે બાળક માટે પ્રયત્ન કરીએ છીએ પણ પ્રેગ્નન્સી રહેતી નથી. હું જ્યારે કૉલેજમાં હતી ત્યારે મને પ્રેગ્નન્સી રહી ગઈ હતી અને બે મહિના પછી મેં અબૉર્શન કરાવી લીધેલું. જોકે આ વાત મારા બૉયફ્રેન્ડ સિવાય કોઈને ખબર નથી. અત્યાર સુધી અમે ફૅમિલી પ્લાનિંગ કરતા હતા, પણ હવે અમારે બાળક જોઈએ છે અને છેલ્લા આઠેક મહિનાથી અમે કોઈ સેફ્ટી પ્રોડક્ટ નથી વાપરતાં છતાં પ્રેગ્નન્સી રહેતી નથી. એવું બને ખરું કે એકવાર અબૉર્શન કરાવ્યા પછી બીજી પ્રેગ્નન્સીમાં તકલીફ પડે? શું મારા પતિમાં કોઈ ખામી હોઈ શકે? ચેકઅપ કરાવવાનું આવે તો ક્યાંક જૂની વાતો ઉખેળાશે એ વાતની પણ બીક રહ્યા કરે છે.
બોરીવલીના રહેવાસી

એકવાર અબૉર્શન કરાવીએ એટલે બીજી વાર પ્રેગ્નન્સીમાં તકલીફ પડે એ વાતમાં કોઈ તથ્ય નથી, પણ હા અબૉર્શન દરમ્યાન જો ગર્ભાશય બરાબર ક્લિનિંગ ન થયું હોય તો મૃત ગર્ભના કોષ અંદર જ રહીને સડે અને એને લીધે ઇન્ફેક્શન થાય તો ફર્ટિલિટી પર એની આડઅસર પડે છે, પણ એવું ભાગ્યે જ બનતું હોય છે. આશા રાખું કે તમે અબૉર્શન ઑથેન્ટિક સેન્ટરમાં અને અનુભવી ગાયનૅક પાસે કરાવ્યું હશે.

આ શંકા એટલા માટે કે એ સમયે તમે કૉલેજમાં હતાં અને છુપાઈને અબૉર્શન કરાવ્યું હતું. જોકે હવે એના પર વધારે વિચારવાને બદલે તમે ગાયનૅકને મળીને ચેકઅપ કરાવી લેશો તો નિદાન થશે. જે વાત તમે છુપાવવા માગો છો એ તેને અંગત રીતે કહેશો તો એ તમારી વાતનો ફેલાવો નહીં કરે એવી ધારણા પણ રાખી શકાય.
પ્રેગ્નન્સી રહે એ માટે પિરિયડ્સ પછીના પહેલા સાત દિવસ (એક સપ્તાહ) છોડીને આઠમા દિવસથી એકવીસમા દિવસ (બીજું અને ત્રીજું સપ્તાહ) સુધીમાં જો વધુ સમાગમ થાય તો પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધી જાય છે. મનમાં ટેન્શન નહીં રાખો. ટેન્શન અને સ્ટ્રેસ પણ પ્રેગ્નન્સી માટે વિલન સમાન છે. હળવા મને આગળ વધો. એ પછી પણ જો સફળતા ન મળે તો એકવાર હસબન્ડના સ્પર્મની ચકાસણી કરાવી લેવી.

sex and relationships columnists