હું પ્રેગ્નન્ટ નથી તો પણ મને બ્રેસ્ટ-મિલ્ક આવે છે

16 August, 2022 03:49 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

પ્રેગ્નન્સી અને ડિલિવરી વિના બ્રેસ્ટમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળવું એ સાવ નૉર્મલ લક્ષણ તો નથી જ.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૨૬ વર્ષ છે. બૉયફ્રેન્ડ સાથે ફિઝિકલ રિલેશન છે. શરૂઆતમાં અમે પુલ-આઉટ સાથે સેક્સ કરતાં, પણ એ પછી અમે કૉન્ડોમ વાપરવાનું શરૂ કર્યું. હમણાં ૧૫ દિવસ પહેલાં અમે ઇન્ટિમેટ થતાં હતાં ત્યારે હાર્ડ પુશિંગ દરમ્યાન મારી નિપલમાંથી સફેદ પાતળું પાણી જેવું પ્રવાહી નીકળ્યું, જે મારા બૉયફ્રેન્ડે રીતસર ટેસ્ટ કર્યું. તેનું કહેવું છે કે એ બ્રેસ્ટ-મિલ્ક જેવું હતું. મને પ્રેગ્નન્સી જ ન રહી હોય છતાં બ્રેસ્ટ-મિલ્ક નીકળે એવું કેવી રીતે શક્ય છે? પિરિયડ્સ પહેલેથી જ અનિયમિત રહે છે. અમે છેલ્લે ઇન્ટરકોર્સ કર્યો એ પછી પિરિયડ્સ આવી ગયા છે. તો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાની જરૂર ખરી? મને બ્રેસ્ટમાં દબાવવાથી ક્યાંય ગાંઠ કે કડકપણું નથી લાગતું. હા, ક્યારેક હેવીનેસ ફીલ થાય છે, પણ પિરિયડ્સ પછી હેવીનેસ ચાલી જાય છે. બ્રેસ્ટ-કૅન્સરમાં આવું થાય? 

પ્રેગ્નન્સી અને ડિલિવરી વિના બ્રેસ્ટમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળવું એ સાવ નૉર્મલ લક્ષણ તો નથી જ. એનું કારણ શું છે એનું ચોક્કસ નિદાન થવું જરૂરી છે. અલબત્ત, તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એ કૅન્સરનાં છે એવું ધારીને ડરવું નહીં. હા, આપણે એ બાબતમાં ખોટી રીતે બેદરકારી પણ ન રાખવી જોઈએ.

તમારા પિરિયડ્સ અનિયમિત છે જે બતાવે છે કે શરીરમાં હૉમોર્નલ અસંતુલન છે. પ્રોલેક્ટિન હૉર્મોન્સનું પ્રમાણ નૉર્મલ કરતાં વધી જાય ત્યારે આવું થઈ શકે છે. આ હૉર્મોન્સનું પ્રમાણ ડિલિવરી દરમ્યાન વધે છે અને બ્રેસ્ટમાં મિલ્ક બનાવવાની પ્રક્રિયા ગતિમાન કરે છે. ઘણી વાર પ્રેગ્નન્સી સિવાય પણ હૉર્મોન્સ વધી જાય છે જે ઍબ્નૉર્મલ લક્ષણો પેદા કરે છે. આ હૉર્મોન્સ વધુ માત્રામાં હોય તો પ્રેગ્નન્સી રહેવામાં પણ તકલીફ પડી શકે છે તો રૅર કેસમાં એવું પણ બને કે બ્રેસ્ટ-મિલ્ક પ્રોડ્યુસ કરે. જોકે એ રૅર કેસમાં બને અને એ પણ બે-ચાર ડ્રૉપ્સ પૂરતું જ લાગુ પડે છે. અલબત્ત, આ બધી વાતો આમ જ કરવાને બદલે બહેતર છે કે ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. 

હૉર્મોન્સનું પરીક્ષણ તેમ જ બ્રેસ્ટનું ફિઝિકલ ચેક-અપ કરાવો. કેટલીક હૉર્મોનલ ટેસ્ટ કરાવવી જરૂરી છે અને જો ડૉક્ટરને જરૂરી લાગશે તો બ્રેસ્ટ-કૅન્સરના નિદાન માટે મેમોગ્રાફી કરાવવાનું સૂચવી શકે. તમારા પિરિયડ્સ નિયમિત થાય એ માટે પણ આ કન્સલ્ટેશન જરૂરી છે.

columnists sex and relationships