શું નસબંધીથી અંગત લાઇફ ખતમ થઈ જાય?

28 June, 2022 02:11 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

જ્યાં સુધી ફૅમિલી પ્લાનિંગનો નિવેડો ન આવે ત્યાં સુધી ફિઝિકલ નહીં થવાનું અમે નક્કી કર્યું છે. તેમને ડર એ છે કે નસબંધી કરાવ્યા પછી નપુંસક થઈ જશે. શું આ સાચું છે? બીજો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ છે? 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

અમારાં મૅરેજને બાર વર્ષ થયાં છે. બે સંતાનો છે અને હવે પરિવાર વધુ આગળ વધારવા નથી માગતા. થોડા મહિના પહેલાં અનિચ્છાએ પ્રેગ્નન્સી રહેતાં અબૉર્શન કરાવવું પડેલું. કાયમી ફૅમિલી પ્લાનિંગમાં મને રોજેરોજ કૉન્ટ્રાસેપ્શન ટૅબ્લેટ્સ લેવાનું જોખમી લાગે છે. હસબન્ડને હું વૅસેક્ટોમી કરાવી લેવા સમજાવું છું, પણ તેમને લાગે છે કે એ પછી તેમની સેક્સલાઇફ ખતમ થઈ જશે. મને પ્રેગ્નન્સીનો ડર લાગે છે અને તેમને નથી કૉન્ડોમ યુઝ કરવું કે પછી વૅસેક્ટોમી કરાવવી. જ્યાં સુધી ફૅમિલી પ્લાનિંગનો નિવેડો ન આવે ત્યાં સુધી ફિઝિકલ નહીં થવાનું અમે નક્કી કર્યું છે. તેમને ડર એ છે કે નસબંધી કરાવ્યા પછી નપુંસક થઈ જશે. શું આ સાચું છે? બીજો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ છે? 
કાંદિવલી

વૅસેક્ટોમી એટલે કે નસબંધી કરાવવા માત્રથી વ્યક્તિની સેક્સ્યુઅલ ડિઝાયર કે કામશક્તિ ઘટી જાય એવું નથી હોતું. આ બાબતે સર્જરી પહેલાં જેવી જ સ્થિતિ રહે છે. ઈવન સીમૅનની ક્વૉન્ટિટી પણ લગભગ સરખી જ રહે છે. આ પ્રક્રિયાથી શરીરની હૉર્મોન-વ્યવસ્થામાં પણ કોઈ ફરક પડતો નથી એટલે કામેચ્છા પણ યથાવત્ જ રહે છે. એટલે એ માનવું ભૂલભરેલું છે કે નસબંધી કરાવવાથી નપુંસકતા આવે છે. આ વાતમાં કોઈ તર્કસંગતતા નથી, માત્ર ને માત્ર ભ્રમ છે. વૅસેક્ટોમી હકીકતમાં તો પુરુષોના સ્ટરિલાઇઝેશનની પ્રક્રિયા છે. એમાં માત્ર સ્પર્મનું વહન કરતી નળીને સીમૅનમાં ભળી ન શકે એ રીતે બ્લૉક કરી દેવામાં આવે છે. 
આ સર્જરી ખૂબ જ સરળ અને અસરકારક છે એટલે તમારા પતિને આ સર્જરી માટે ન માનવા પાછળ કોઈ કારણ નથી. એમ છતાં જો તેમને મનથી એ મંજૂર ન હોય તો પરાણે કોઈ વિચાર લાદવો ન જોઈએ. ફૅમિલી પ્લાનિંગ માટે તમે હંમેશાં કૉન્ડોમનો ઉપયોગ કરવાનું રાખો એ પણ એટલું જ અસરકારક રહેશે. જોકે યાદ રહે કે હંમેશાં એનો ઉપયોગ થવો જોઈએ. તમે કહો છો કે તમારા હસબન્ડને એના વપરાશથી પણ પરેજ છે. આ પરેજનું કારણ જાણવું જોઈએ. છેલ્લા એક દશકમાં કૉન્ડોમનાં લેવલ પર પણ ઘણાં ઇનોવેશન થયાં છે એટલે બને કે લેટેસ્ટ કૉન્ડોમના વપરાશમાં તેમને કોઈ તકલીફ ન પડે. કૉન્ડોમ સેફ-સેક્સ માટેનો બેસ્ટ ઑપ્શન છે. જો તમને ફીમૅલ કૉન્ડોમ ફાવે તો તમે એ પણ વાપરી શકો છો.

sex and relationships columnists