વારંવાર મેલ પાર્ટનર સાથે સૂવાથી ગે થઈ જવાતું હશે?

22 August, 2022 04:55 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સૌથી પહેલી વાત સમજી લેવી જોઈએ કે અજાણ્યા અને મલ્ટિપલ પાર્ટનર્સ સાથે કોઈ પ્રકારના જાતીય સંબંધોમાં ઊતરવાનું ખતરાથી ખાલી નથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૩૨ વર્ષનો છું. મૂળ સુરતનો છું, પણ કામ માટે મુંબઈમાં સેટલ થયો છું. જોકે ફૅમિલી સુરતમાં રહે છે એટલે સેક્સની બાબતમાં સમસ્યા સર્જાય છે. હું જ્યાં રહું છું ત્યાં મારા જેવા જ અન્ય પુરુષો રહે છે જે મને ઓરલ સેક્સમાં ઇન્ટરેસ્ટ લેવા માટે પ્રેશર કરે છે. છએક મહિના પહેલાં મેં એક પુરુષને ઓરલ સેક્સ કરી આપેલું અને કરાવેલું. જોકે મેં તમારી કૉલમમાં વાંચ્યું કે ગે સંબંધોમાં જાતીય રોગો ફેલાવાની શક્યતા વધારે હોય છે એટલે મેં ધરાર ના પાડી દીધી. પછી બે વખત મેં એચઆઇવી ટેસ્ટ કરાવી જે નેગેટિવ આવી છે. સંતોષ માટે હું સજાતીય ઓરલ સેક્સ માણી શકું? મને લાગે છે કે ધંધાદારી પાસે જવા કરતાં આવા ઘરઘરાઉ સજાતીય સંબંધો શું ખોટા? આવા સંજોગોમાં અમે એકબીજાની મદદ લઈએ તો ન ચાલે? મારી સાથે રહેતા પુરુષો પરિણીત હોવા છતાં સજાતીય સંબંધો બાંધે છે. મારે એ જાણવું છે કે અહીં વારંવાર સજાતીય સંબંધો બાંધ્યા પછી હું પૂરેપૂરો ગે થઈ જાઉં એવું બને? મીરા રોડ

સૌથી પહેલી વાત સમજી લેવી જોઈએ કે અજાણ્યા અને મલ્ટિપલ પાર્ટનર્સ સાથે કોઈ પ્રકારના જાતીય સંબંધોમાં ઊતરવાનું ખતરાથી ખાલી નથી. તમે એક વ્યક્તિ સાથે ઓરલ સેક્સ માણ્યું અને ચેપ ન લાગ્યો એનો મતલબ એ નથી કે પછી તમે અન્ય સાથે આ સંબંધો બાંધશો છતાં તમને કંઈ નહીં થાય. એમાં પણ તમે જેની સાથે સંબંધ બાંધી રહ્યા છો તેમને મલ્ટિપલ પાર્ટનર્સ છે. આવા સંજોગોમાં તેમને ખબર ન હોય એ રીતે તેમને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ હોવાની શક્યતાઓ છે. તમે રિલેશન બાંધ્યા પછી ટેસ્ટ કરાવી અને એ નેગેટિવ આવે એટલે ખુશ થઈ જાઓ એ ન ચાલે. વિચારો કે એક વાર એ રિપોર્ટ પૉઝિટિવ આવી ગયો અને એઇડ્સ જેવી બીમારી આવી તો એની ચુંગાલમાંથી છૂટવું લગભગ અશક્ય છે. ક્યારેય ભૂલવું નહીં કે ગે કે લેસ્બિયન રિલેશનશિપ એ નૅચરલ ચીજ છે. સંજોગવશાત્ સજાતીય સંબંધો પેદા કરવાની વાત કરો છો જે અકુદરતી છે. વ્યક્તિએ કઈ રીતે જાતીય સંતોષ મેળવવો એ વ્યક્તિગત પસંદગીની વાત છે, પણ કુદરતી સેક્સ્યુઅલ પ્રેફરન્સને મચડવાની કોશિશ ન કરવી બહેતર છે. જાતીય સંતોષ માટે મૅસ્ટરબેશન સૌથી સેફ અને ઇનોશન્ટ ઑપ્શન છે.

columnists sex and relationships relationships lesbian gay bisexual transgender