ક્યારેય એવું બને ખરાં કે ઉંમર પહેલાં જ મેનોપૉઝ આવી જાય?

03 November, 2021 02:40 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મને તો મેનોપૉઝની સંભાવના લાગે છે, પણ ડૉક્ટર માસિક ડિલે કરવાની દવા લેવાનું કહે છે એ સમજાતું નથી. 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૭ વર્ષ છે. મને હમણાં-હમણાંથી માસિકના સમયમાં ડિલે થઈ જાય છે. આમ તો મોટા ભાગે મહિના પછી આઠથી દસ દિવસમાં પિરિયડ ચાલુ થઈ જતા હોય છે પણ ગયા મહિના મેં જોયું છે કે મહિનો પૂરો થયા પછી વીસેક દિવસ ઉપર ચડી ગયા એટલે નેચરલી ટેન્શન થયું અને મેં બે વાર હોમ-પ્રેગ્નન્સી ટેસ્ટ કરી. મારા ત્રણેય વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા, પછી ફૅમિલી ડોક્ટરની એડવાઇઝથી સોનોગ્રાફી કરાવી જેના રિપોર્ટમાં આવ્યું કે ગર્ભાશયની દીવાલ જાડી થઈ ગઈ છે. મારા ડૉક્ટરનું કહેવું છે કે તમે માસિક ડિલે કરવાની ગોળીઓ લેશો તો થોડાક દિવસમાં માસિક આવી જશે. જો એ પછી પણ માસિક ન આવે તો ગર્ભાશયની ત્વચા કાઢીને એની ટેસ્ટ કરવી પડશે. મને તો મેનોપૉઝની સંભાવના લાગે છે, પણ ડૉક્ટર માસિક ડિલે કરવાની દવા લેવાનું કહે છે એ સમજાતું નથી. 
અંધેરીના રહેવાસી

તમારી શંકા વાજબી છે. સામાન્ય રીતે પચાસ પછી મેનોપૉઝ આવતું હોય છે પણ છેલ્લા થોડાં સમયમાં જોવા મળ્યું છે કે એ પિસ્તાલીસ વર્ષે પણ અમુક મહિલાઓમાં જોવા મળે છે. તમારા કેસમાં પણ કદાચ સંભવ પણ છે પણ એ અનુમાન પર બેસી રહેવાને બદલે મેનોપૉઝ નજીક છે કે નહીં એ તપાસવા માટે કેટલાંક હૉર્મોન્સની ટેસ્ટ કરવામાં આવે છે. બીજું, અત્યારે તમારી જે સમસ્યા છે એ માસિકચક્રમાં ગરબડ થયું હોવાનું સૂચવે છે એ કદાચ મેનોપૉઝ હોવાની શરૂઆત પણ હોઈ શકે છે અથવા તો હૉર્મોનલ ડિસ્ટર્બન્સ પણ હોઈ શકે, જે ટેમ્પરરી હોય એવું બની શકે. 
ડૉક્ટર તમને માસિક ડિલે કરવાની દવા લેવાનું કહે છે એ પણ હકીકતમાં તમારા શરીરની હૉર્મોનલ સાઇકલને કન્ટ્રોલ કરવા માટે છે. એક વાર માસિક આવી જાય એ પછી ફરી એક વાર સોનોગ્રાફી કરાવી લો જેથી ગર્ભાશયની ત્વચાની જાડાઈ કેટલી છે એ જાણવા મળે. જો પીરિયડ્સ પછી પણ એ સ્કીનની જાડાઈ વધુ હોય તો તમારે એ ત્વચા કઢાવીને આગળની ટેસ્ટ કરાવવાની રહેશે. બાકી તમે ડૉક્ટરની એડવાઇઝ મુજબ આગળ ચાલો અને જરૂર લાગે તો સીનિયર ડૉક્ટરને પણ દેખાડી દો.

sex and relationships columnists