ઘરની બહાર જવાતું નથી એટલે ડિપ્રેશન આવે છે, શું કરું?

31 March, 2021 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને લાગે છે કે આખો દિવસ ઘરમાં ગોંધાઈ રહીશ તો નહીં જીવી શકું. શું કરું નથી સમજાતું.

GMD Logo

હું ૭૫ વર્ષનો છું. ગયું આખું વર્ષ મેં ખૂબ અકળામણ ભોગવી. લૉકડાઉનમાં ઘરમાં રહીને જેમ-તેમ ચલાવ્યું. પછી મને લાગતું હતું કે કંઈ પણ કરીને હવે બહાર જઈએ. મને હતું કે મને કંઈ નહીં થાય. હું બૅન્કના કામે, વસ્તુઓ લેવા અને વૉક કરવા બહાર જતો. એ દરમ્યાન મને કોરોના થઈ ગયો. જોકે એમાં મને ખાસ તકલીફ ન પડી. હવે જ્યારે કોરોના ફરી ખૂબ ફેલાઈ રહ્યો છે ત્યારે ઘરમાં જ રહેવાનાં સૂચનો બાળકો કરી રહ્યાં છે એ મને ગમતું નથી. મને લાગે છે કે આખો દિવસ ઘરમાં ગોંધાઈ રહીશ તો નહીં જીવી શકું. શું કરું નથી સમજાતું.

તમારી અકળામણ સમજી શકાય એવી છે. આ સમય જ એવો છે. કોરોનાથી બચવા, શારીરિક હેલ્થ સારી રાખવા ઘરમાં ભરાયેલા લોકોની માનસિક હેલ્થ બગડી છે. છેલ્લા એક વર્ષમાં જોકે આપણે ઘરમાં રહીને પણ સારી રીતે જીવતાં શીખી લીધું છે, પરંતુ વચ્ચે-વચ્ચે મન પાછું વિચલિત થાય એ સ્વાભાવિક છે. આ મહામારીમાં આપણે કેટલા પણ વિચલિત થઈએ, પરિસ્થિતિ કહે છે કે જેટલું બની શકે એટલું ઘરમાં રહેવું અનિવાર્ય છે. જ્યાં સુધી ચાલી શકે ત્યાં સુધી બહાર ન જ જવું હિતાવહ છે. 
પરંતુ પ્રશ્ન એ આવે છે કે ઘરમાં રહીને પણ માનસિક સ્વસ્થતા કેમ રાખવી? એના માટે અમુક સજેશન્સ આપું છું. ઘરમાં રહીને પણ કંઈક નવું કરવું જરૂરી છે. આજે આખી દુનિયા ઑનલાઇન થઈ ગઈ છે ત્યારે તમે પણ ઑનલાઇન સત્સંગ, ગેમ્સ, ટૉક્સ, પ્રવચન; તમને જે ગમે એ વસ્તુમાં ભાગ લો. નવા માણસોને મળવાનો અને લાઇફને નૉર્મલ કરવાનો આ એક રસ્તો છે. આ સિવાય છત પર કે ગ્રાઉન્ડમાં જ્યારે લોકો ઓછા હોય એટલે કે એકદમ વહેલી સવારે વૉક કરો. યોગ અને પ્રાણાયામ પણ કરો, એનાથી મેન્ટલ હેલ્થ સારી રહેશે. આ સિવાય ડાયરી લખવાની આદત રાખો. રોજિંદા ઘટનાક્રમ,  ઇમોશન્સ કે તમારા જીવન વિશે, તમારા અનુભવો વિશે લખો. એ તમારાં બાળકો અને ગ્રૅન્ડ ચિલ્ડ્રનને ઘણું ઉપયોગી થશે. આ સિવાયનો સમય તમારા રહી ગયેલા શોખ પૂરા કરવામાં વિતાવો. રૂટીનમાં તો તમે રહેતા જ હશો. રૂટીનમાં કંઈક નવીનતા લાવવાની કોશિશ કરશો તો થોડી મજા આવશે.

columnists sex and relationships