પપ્પા કહે છે જૉબમાંથી બ્રેક લઈ લે, શું કરું?

08 April, 2022 04:59 PM IST  |  Mumbai | Sejal Patel

સવાલ એ છે કે જો મારે આ નથી કરવું તો બીજું શું કરવું છે? મારા પેરન્ટ્સ કહે છે કે જૉબમાંથી બ્રેક લઈ લે. પણ જો બ્રેક લઈશ તો અત્યાર સુધી મેં જૉબમાં જે પ્રમોશન મેળવ્યું એ પણ એળે જશે? 

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં સાત વર્ષથી હું એકધારું મારી જૉબમાં આગળ વધવા માટે મથી રહ્યો છું. સમસ્યા એ છે કે આપણે ત્યાં સપોર્ટ કરનારા ઓછા અને ટાંટિયાંખેંચ કરનારા લોકો વધુ છે. જૉબની સાથે હું ભણી રહ્યો છું, પણ જૉબના સ્ટ્રેસને કારણે એમાં પૂરતું ધ્યાન નથી આપી શકતો. ૨૧ વર્ષનો થયો ત્યારથી નોકરીએ જોડાયો છું, પણ જોઈએ એટલું વળતર કે પ્રમોશન મેળવી શક્યો નથી. હું માર્કેટિંગ ફીલ્ડ માટે બન્યો જ નથી. હું ખોટું બોલીને સ્કીમ લોકોને ભટકાડી શકતો નથી. સવાલ એ છે કે જો મારે આ નથી કરવું તો બીજું શું કરવું છે? મારા પેરન્ટ્સ કહે છે કે જૉબમાંથી બ્રેક લઈ લે. પણ જો બ્રેક લઈશ તો અત્યાર સુધી મેં જૉબમાં જે પ્રમોશન મેળવ્યું એ પણ એળે જશે? 

જ્યારે પણ જીવનમાં તમારે ક્યાં પહોંચવું છે એની સ્પષ્ટતા ન હોય ત્યારે રોકાઈ જવું એ જ સૌથી પહેલું ડગલું છે. હું રોકાઈ જઈશ તો પાછળ પડી જઈશ એવું તમે વિચારો છો, પણ જો તમે ખોટી દિશામાં વધુ આગળ દોડી ગયા તો શું કરશો? તમારા પપ્પા બ્રેક લઈને થોભવાની સલાહ આપે છે એ એકદમ યોગ્ય છે. ઇન ફૅક્ટ, જ્યારે પેરન્ટ્સ તરફથી આટલો સપોર્ટ હોય ત્યારે તો તમારે શાંત થઈને તમારી અંદર ઝાંકવા માટેનો થોડોક સમય મેળવી લેવો જરૂરી છે. તમારી ઉંમર લગભગ ૨૭ વર્ષની છે અને અત્યારે જ દિશા નક્કી કરવાનો યોગ્ય સમય છે. હજી પાંચ-દસ વર્ષ આમ જ આંખ બંધ કરીને દોડ્યા પછી જ્યારે થાકશો અને પોરો ખાવા બેસશો ત્યારે ખબર પડશે કે આના કરતાં તો તમારે બીજું કંઈક કરવું હતું તો? 
એક તો મારી મંઝિલ સ્પષ્ટ નથી અને બીજું તમને પોતાનામાં આત્મવિશ્વાસ નથી. તમે પોતે તમારા કામ અને પર્ફોર્મન્સથી ખુશ નથી. બીજા ટાંટિયાં ખેંચે છે એટલા માત્રથી જો તમે વિચારતા હો કે આ ફીલ્ડ તમારા માટે નથી તો એ ખોટી વિચારધારા છે. તમે કોઈ પણ ફીલ્ડમાં જાઓ, તમારી પીઠ પાછળ તમને પાછળ પાડવા માટે મથતા લોકો તમને મળશે જ. તમારે શું નથી કરવું, તમને કોણ હેરાન કરે છે, સામે કેવી અડચણો છે એના વિશે વિચારવાને બદલે તમારે શું કરવું છે, કોણ તમને એમાં મદદ કરી શકે, ક્યાંથી એની તૈયારી થઈ શકે, કેવી રીતે એ થઈ શકે એ બધા વિશે વિચારવાનું શરૂ કરો. 
મંઝિલ નક્કી કરવા માટે થોભી જવામાં કંઈ જ ખાટુંમોળું નથી થવાનું.

sex and relationships sejal patel columnists