દીકરાના મોબાઇલમાં નેકેડ મૉડલની ક્લિપ જોવા મળી, શું કરવું?

19 August, 2022 04:01 PM IST  |  Mumbai | Sejal Patel

તમે તેના મોબાઇલમાં જે જોયું એ બાબતે ખુલીને વાત કરીને તેને એ સમજાવવું જરૂરી છે કે તેં કોઈ ગુનો નથી કર્યો, પણ આ બધું સમજવા માટે તું હજી નાનો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મારો દીકરો ૧૨ વર્ષનો છે. થોડા દિવસ પહેલાં તે સ્કૂલેથી આવ્યો અને દફતર સોફા પર ફેંકીને હાથ-મોં ધોવા ગયો. એવામાં તેનો ફોન વાગતાં મેં દફતરમાંથી મોબાઇલ કાઢ્યો. બહાર કાઢું એ પહેલાં તો ફોન કટ થઈ ગયેલો, પણ ફોનની સ્ક્રીન ખુલ્લી હતી. ઇન્ટરનેટ બ્રાઉઝર પર ઑલમોસ્ટ નેકેડ મૉડલના ચેનચાળા કરી રહી હોય એવો વિડિયો ચાલુ હતો. આ ઉંમરે તે જે જોઈ રહ્યો હતો એ ડરામણું હતું. એ વખતે તો હું કંઈ ન બોલી, પણ મોબાઇલ બહાર જોઈને તે પણ ખચકાયો. તરત જ તેણે મોબાઇલ છીનવી લીધો અને પોતાના રૂમમાં જતો રહ્યો. તેના પપ્પા આવ્યા એટલે અમે બહાનું કરીને તેની પાસેથી સ્માર્ટફોન લઈ લીધો છે. તેને પણ ખબર પડી ગઈ છે કે મેં કેમ ફોન લઈ લીધો છે એટલે તેણે પણ આર્ગ્યુમેન્ટ કરી નથી. જોકે એ પછીથી તે પોતાના રૂમમાં સાવ ગૂમસૂમ રહે છે. 

૧૨ વર્ષની ઉંમરે દીકરાના મોબાઇલમાં જે ચીજ જોવા મળી છે એમાં ચિંતા થાય એ સ્વાભાવિક છે. જોકે આ ઘટનાને પરિપક્વતાપૂર્વક હૅન્ડલ કરવી જરૂરી છે. કુતૂહલને કારણે પ્યુબર્ટી એજનો કિશોર આવું કંઈક કરી બેસે તો એમાં તે ખરાબ નથી બની જતો. તેના શરીરમાં હૉર્મોન્સની ઊથલપાથલ તેને આમ કરાવે છે.

દીકરા સાથે જે શબ્દો વિનાનું કમ્યુનિકેશન થયું છે અને એ પછી જે રીતે વાતાવરણ ભારેખમ થઈ ગયું છે એ બહુ લાંબો સમય ચાલે એ ઠીક નથી. હા, તમે તરત જ આ વાતે તેનો ઊધડો લઈને ઊહાપોહ નથી મચાવ્યો એ સારું જ કર્યું છે, પણ હવે વધુ સાઇલન્સ ઠીક નથી. એ તેને અંદરને અંદર કોરી ખાશે.  

તમારે અને તમારા પતિએ બન્નેએ એક સાથે દીકરા સાથે બેસવું જરૂરી છે. તમે તેના મોબાઇલમાં જે જોયું એ બાબતે ખુલીને વાત કરીને તેને એ સમજાવવું જરૂરી છે કે તેં કોઈ ગુનો નથી કર્યો, પણ આ બધું સમજવા માટે તું હજી નાનો છે. જ્યારે તું થોડો મોટો થઈશ ત્યારે આપણે આ બાબતે વાત કરીશું. થોડાક કડક શબ્દોમાં કહેવું પડે તો ભલે એમ કહો, પણ હવે પછીથી આ પ્રકારનું કંઈ પણ તું મોબાઇલ પર નહીં જુએ એનું પ્રોમિસ લો. આ સાથે તેના મોબાઇલમાં ઇન્ટરનેટના સેટિંગમાં અન્ડર ૧૮ વાળું લૉક સેટ કરવું જરૂરી છે જેથી તેને એ પ્રકારનું સર્ફિંગ કરવા જ ન મળે. 

 

life and style sex and relationships sejal patel