સ્પર્મ ડોનેટ કરવાથી મને બાળકમાં પ્રૉબ્લેમ થશે?

26 December, 2022 06:15 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સ્પર્મકાઉન્ટ જળવાઈ રહે એવું ઇચ્છતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો :

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આમ હું તમારા જ સુરત શહેરનો છું, પણ પોસ્ટ-ગ્રૅજ્યુએશન માટે મુંબઈ આવ્યો છું. હું પાર્ટટાઇમ જૉબ પણ કરું છું અને સાઇડ ઇન્કમ માટે હું છ-સાત મહિને એકાદ વાર સ્પર્મ ડોનેટ કરું છું. અત્યાર સુધીમાં મેં ચારેક વાર આવું કર્યું છે. એક સ્પર્મ-બૅન્ક મારા એકૅડેમિક બૅકગ્રાઉન્ડના કારણે મને એનું પેમેન્ટ આપે છે. ફ્રીક્વન્સી વધારવાથી મને વધુ પૈસા મળી શકે છે, પણ મને ચિંતા એ છે કે અત્યારે પૈસા કમાવા માટે હું એવું કરી લઉં અને પછી જ્યારે મારાં મૅરેજ થાય ત્યારે પોતાનું બાળક મેળવવામાં તકલીફ થાય તો? મારા સ્પર્મકાઉન્ટ જળવાઈ રહે એ માટે શું કરવું જોઈએ? હજુ પાંચેક વર્ષ મૅરેજ નથી કરવાં. ડોનેશનને કારણે મારા સ્પર્મકાઉન્ટ પર કોઈ માઠી અસર નહીં પડેને? કાંદિવલી

તમે તમારી ઉંમર જણાવી નથી. સામાન્ય રીતે ૩૦ વર્ષ પછી સ્પર્મની ક્વૉલિટી અને ક્વૉન્ટિટીમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. અત્યારે સ્પર્મ ડોનેટ કરો છો એટલે તમારા બાળક માટે એ સ્પર્મનો ક્વોટા ખૂટી જાય એવું નથી. સ્ત્રીઓની ઓવરીમાંથી લિમિટેડ એગ જનરેટ થાય છે, પણ સ્પર્મનું એવું નથી. સ્પર્મ સતત બનતું જ રહે છે પણ હા, ખોટી લાઇફસ્ટાઇલ, એજ અને અચાનક હૉમોર્નલ અસંતુલનને કારણે ક્યારેક સ્પર્મકાઉન્ટમાં અચાનક ઘટાડો જોવા મળે છે. જોકે તમે અત્યારે સ્પર્મ ડોનેટ ન કરો તો પણ થવાની શક્યતા એટલી જ છે. 

સ્પર્મકાઉન્ટ જળવાઈ રહે એવું ઇચ્છતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો :

ટાઇટ જીન્સ પહેરવાનું ટાળો. લાંબો સમય સાઇક્લિંગ કે મોટરબાઇક રાઇડિંગ કરવાનું ટાળો. જો કરવું જ પડે તો લેધરની સીટ પર કપડાનું કવર ચડાવેલું રાખો. સ્મોકિંગ, લિક્યોર, ટોબૅકો અને સ્ટ્રેસથી દૂર રહો. આયુર્વદેમાં કેટલાક એવા નુસખા દેખાડ્યા છે જેનાથી સ્પર્મકાઉન્ટ વધે. અઠવાડિયામાં એક વાર લસણ-હિંગ નાખેલી અડદની દાળ ખાવાનું રાખો. ગાયનું ઘી અને ગાયનું દૂધ નિયમિત લેવાનું રાખો. તીખું, તળેલું અને જન્ક-ફૂડ ખાવાનું ઓછું રાખવું. નિયમિત અડધોથી પોણો કલાકની એક્સરસાઇઝ કરવાની.

ઉંમરના આગળના પડાવ પર સ્પર્મકાઉન્ટ ઘટવાની શક્યતાથી બચવું હોય તો જે બૅન્કમાં તમે સ્પર્મ ડોનેટ કરો છો ત્યાં જ તમે તમારા પોતાના માટે સ્પર્મ પ્રિઝર્વ કરાવીને રાખી શકો છો, જેના વિશે વધારે માહિતી એ જ આપશે.

columnists sex and relationships life and style health tips