બેસ્ટ ફ્રેન્ડ મારા ઘરેથી મોંઘી ચીજોની ચોરી કરે છે, મારે શું કરવું જોઈએ?

21 January, 2022 02:26 PM IST  |  Mumbai | Sejal Patel

મારે તો એક ઘાએ બે કટકા કરીને દોસ્તી તોડી દેવી છે, પણ મારો એક દોસ્ત કહે છે ધીમે-ધીમે તેને ખબર પણ ન પડે એ રીતે દોસ્તી ઘટાડી નાખ, પણ મને ગુસ્સો આવે છે મારે શું કરવું?   

પ્રતીકાત્મક તસવીર

ચાર વર્ષથી જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે એની સાથેના સંબંધો મારે ચાલુ રાખવા કે નહીં એની મૂંઝવણ છે. વાત એમ છે કે તે મિડલ-ક્લાસ અને ઑર્થોડોક્સ પરિવારમાંથી આવે છે. એને કારણે તેનું બિહેવિયર થોડુંક વિયર્ડ હોય છે. આમ તે બહુ જ કરકસર કરતી હોય એવું દેખાય, પણ ક્યારેક તે મારા ઘરે આવે ત્યારે તેને કોઈ ચીજ ગમી જાય તો એ પોતાના પર્સમાં સરકાવી લે. બે વાર મેં મારી નજરે આ જોયું છે. મેં એક વાર આડકતરી રીતે તેને કહ્યું કે તને કોઈ ચીજની જરૂર હોય તો માગી લેવી, મને ખરાબ નહીં લાગે. જોકે એ વખતે તે બહુ સ્વાભિમાની હોય એવું બતાવે. વારંવાર તે મારી પીઠ પાછળ ખરાબ બોલે છે એવું દોસ્તો કહેતા, પણ તેની વાત હું હસવામાં ઉડાવી દીધી. જોકે આ વખતે થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં બધા કૉમન ફ્રેન્ડ્સ ભેગા થયેલા ત્યારે મેં મારા કાને તેને મારી મજાક ઉડાવતી જોઈ. તેણે જે શબ્દો મારા માટે વાપર્યા એ સાંભળીને હું હાડોહાડ સળગી ગયો. મને સમજાતું નથી કે મારે તેની આ બિહેવિયર માટે કેવી રીતે રીઍક્ટ કરવું? મારે તો એક ઘાએ બે કટકા કરીને દોસ્તી તોડી દેવી છે, પણ મારો એક દોસ્ત કહે છે ધીમે-ધીમે તેને ખબર પણ ન પડે એ રીતે દોસ્તી ઘટાડી નાખ, પણ મને ગુસ્સો આવે છે મારે શું કરવું?   

તમારા દોસ્તનું કદાચ માનવું છે કે જો સીધો ઝઘડો વહોરવાને બદલે ટાઢા પાણીએ ખસ જતી હોય તો સારું. જોકે આ તમારી કોઈ સાદી દોસ્ત નહીં, બેસ્ટ ફ્રેન્ડ છે. મતલબ કે બીજા દોસ્તો કરતાં તે વધુ સારી મિત્ર છે. તમે કોઈ જ રાઇટ કમ્યુનિકેશન વિના સંબંધ ઘટાડી દો તો એમાં પણ કંઈ ખોટું નથી. પણ એટલું જરૂર કહીશ કે જો તમે તેને એક સમયે બેસ્ટ ફ્રેન્ડ કહેતા હતા તો એ દોસ્તી માટે થઈને પણ તમારી વચ્ચે પારદર્શિતા રહે એ જરૂરી છે. હા, ચાર વર્ષથી તે તમારી પીઠ પાછળ ચોરી અને બીચિંગ કરતી આવી છે અને એની તમને ખબર હતી અને છતાં તમે ચૂપ રહ્યા એ વાત તેને જણાવવી જરૂરી છે. આ જ કારણોસર તમે હવે દોસ્તી નથી રાખવા માગતા એ પણ એટલું જ સ્પષ્ટ કહી દેવું જરૂરી છે. 

sejal patel columnists sex and relationships