બેબી બહુ પૂછે છે કે હું ક્યાંથી આવી? મારે શું જવાબ આપવો?

01 June, 2021 12:15 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હવે એ આ જ સવાલ પપ્પાને પૂછે છે. ખબર નથી પડતી કે હવે એના મનમાં આવેલી આ વાતને કેવી રીતે દૂર કરું. આપની શું સલાહ છે, આ સવાલનો કેવો  જવાબ આપવો અમારે અમારી દીકરીને?

GMD Logo

મારા લગ્ન થઈ ગયાં છે અને ત્રણ વર્ષનું બાળક છે. અમે અત્યારે બીજા બાળકનું પ્લાનિંગ કરીએ છીએ, પણ મારું પહેલું બાળક જે દીકરી છે એ ઘણીવાર મને પ્રશ્ન પૂછે કે હું ક્યાંથી આવી છું. શરૂઆતમાં તો મેં વાત હસવામાં કાઢી નાખી પણ પછી એ બહુ પૂછવા માંડી એટલે મેં તેને કહી દીધું કે ભગવાને તને ઉપરથી મોકલી છે. આ જ વાત તેણે દાદીને પૂછી તો દાદીએ જવાબ આપ્યો કે તું જંગલમાં જતી હતી ત્યાંથી તને તારાં મમ્મી-પપ્પા અહીં લાવ્યાં. હવે એ આ જ સવાલ પપ્પાને પૂછે છે. ખબર નથી પડતી કે હવે એના મનમાં આવેલી આ વાતને કેવી રીતે દૂર કરું. આપની શું સલાહ છે, આ સવાલનો કેવો  જવાબ આપવો અમારે અમારી દીકરીને?
અંધેરીના રહેવાસી

 તને જંગલમાંથી લાવ્યાં કે પછી ભગવાને તને મોકલી એવા જવાબોથી કામચલાઉ રસ્તાઓ નીકળશે પણ લાંબા ગાળે બાળકને સંતોષ નથી થવાનો એ પહેલી હકીકત છે અને એટલે જ બાળક ફરી-ફરીને આ પ્રશ્ન લઈને તમારી પાસે આવશે. આ પ્રકારના જવાબોથી બાળકના મનમાં એક એવી ઇમેજ પણ ઊભી થઈ શકે કે તમે દરેક પ્રશ્નના સાચા જવાબ આપો એની કોઈ ખાતરી નહીં. આપણે જ્યારે બાળકની પાસેથી સાચું બોલવાની અપેક્ષા રાખતાં હોઈએ ત્યારે આપણે પણ એ વાતને ફોલો કરવી જોઈએ. બાકી એવું બને કે સમય જતાં બાળક પેરન્ટ્સને શંકાની નજરે જોતું થઈ જાય. 
બાળક પૂછે કે હું ક્યાંથી આવ્યો તો તમે તેને સાલિનતા સાથે જવાબ આપી શકો અને કહી શકો કે મમ્મીના પેટમાં એક ખાસ ઑર્ગન છે, જેને ગર્ભાશય કહે, તું એમાંથી આવી છો. જરૂરી છે કે બાળકને સંપૂર્ણ ખાતરી થઈ જાય કે તમે તેના પ્રશ્નના સાચાં, નિખાલસપૂર્ણ અને મૈત્રીપૂર્ણ ઉત્તર આપો છો. જો આ વિશ્વાસ આવી જશે તો તેનામાં માબાપ માટે અદ્ભુત વિશ્વાસ ઊભો થશે. કોઈ પણ વિષય વિશેની વિગતવાર માહિતી માબાપે જ બાળકને તેની ઉંમર અને શારીરિક વિકાસની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને જ આપવી જોઈએ, પણ અસત્યનો ઉપયોગ ન કરવો એવી અંગત સલાહ છે.

sex and relationships columnists dr. mukul choksi