બહેનને બહુ જ લાડ લડાવવા છતાં તે બીજાને બ્લેમ કરે છે

15 October, 2021 07:04 PM IST  |  Mumbai | Sejal Patel

ઘણા લોકો હોય છે જે હાથે કરીને જીવન ખરાબ કરે છે, દુખી થાય છે અને પોતે કેટલા દુખી છે એના ગાણાં ગાઈને જ જીવન વ્યતીત કરે છે

પ્રતીકાત્મક તસવીર

દરેકની લાઇફમાં પ્રૉબ્લેમ્સ આવતા જ હોય છે, પણ મને ક્યારેક લાગે છે કે મારી સિસ્ટરને વગરકારણે દયામણા બનવાની આદત પડી ગઈ છે. તે મારાથી પાંચ વર્ષ નાની છે અને તેને આખો પરિવાર હાથમાં ને હાથમાં રાખે છે. માત્ર મારા જ નહીં, કાકા-ફોઈના પરિવારમાં પણ એક જ ‌દીકરી હોવાથી તેને ખૂબ લાડ લડાવાયાં છે અને છતાં તે બીજાને જ બ્લેમ કરતી હોય છે. તેની કૉલેજના અસાઇન્મેન્ટમાં પણ ભૂલ થાય તો એમાં મમ્મીનો વાંક. બહેનપણીઓ પણ બહુ ઝાઝું ટકતી નથી. દર વર્ષે નવી બહેનપણીઓ બદલાય. તેને સંગીતનો શોખ છે પણ એમાં તે આગળ નથી વધી શકી એ માટે પણ તે બીજાને જ બ્લેમ કરે છે. તેને સાથે લઈને ફરવા જાઓ તો ત્યાં પણ તેણે કોઈક ઇશ્યુ ખડા કર્યા જ હોય અને ન લઈ જાઓ તો તેને બધા અવૉઇડ કરે છે એનાં રોદણાં રડવાનું શરૂ કરી દે. અમે બધા જ તેને ખુશ રાખવાની ગમેએટલી કોશિશ કરીએ તેને જાણે હૅપી રહેવું જ નથી. દરેક વાતે પાણીમાંથી પોરાં કાઢવાં જ છે. આવામાં અમારે શું કરવું?

 

ઘણા લોકો હોય છે જે હાથે કરીને જીવન ખરાબ કરે છે, દુખી થાય છે અને પોતે કેટલા દુખી છે એના ગાણાં ગાઈને જ જીવન વ્યતીત કરે છે. એ જ તેમની જીવનશૈલી હોય છે. સામાન્ય રીતે આવી વ્યક્તિઓનો જીવન પ્રત્યેનો અભિગમ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી આપણે તેમને સુખી નથી કરી શકતા. ચાહીએ અને પ્રયત્ન કરીએ તો પણ નહીં.

તમે જેટલાં વધુ લાડથી સમજાવશો એટલું વધુ રોદણાં રડવાનું વધશે. બહેનને ખોટી સહાનુભૂતિ કે આળપંપાળ કરતા હો તો સદંતર બંધ કરવી. 

ઇન ફૅક્ટ, તેને જવાબદાર બનાવવાનું કામ પરિવારજનો નહીં, પણ પારકી વ્યક્તિ જ કરી શકશે. ગુજરાતીમાં કહેવત છે પારકી મા જ કાન વીંધે. વાંધાવચકા કાઢવામાંથી ઊંચા ન આવતા લોકોને જો એક રુટિન કામમાં પળોટી દેવામાં આવે તો તેમની એનર્જી બીજે ખર્ચાતી અટકે છે. નકારાત્મક વિચારો કરવાની શક્તિ ન બચે એટલો થાક લાગવા લાગે ત્યારે બાદ જ તમે વ્યક્તિમાં પૉઝિટિવ થિન્કિંગની સરવાણી શરૂ કરી શકો છો. તેને જવાબદારી સ્વતંત્રપણે ઊઠાવવી જ પડે એવા કામમાં પળોટો તો જ કંઈક વાત બનશે.

columnists sejal patel