વૉટ્સઍપમાં રિસીવ નહીં થયેલા કૉન્ફરન્સ કૉલમાં અડધેથી જોડાઈ શકાશે

16 July, 2021 09:31 AM IST  |  Mumbai | Harsh Desai

આ સાથે આ ઍપ્લિકેશનમાં મલ્ટિડિવાઇસ સિન્કનો પણ ઑપ્શન આવી રહ્યો છે જેથી બીજા ડિવાઇસમાં એનો ઉપયોગ કરતી વખતે તમામ ડેટા અને કૉન્ટૅક્ટ-નંબર ઑટોમૅટિકલી સિન્ક થશે અને એ માટે મોબાઇલ ચાલુ રાખવાની પણ જરૂર નથી ફોટો અને વિડિયો ક્વોલિટી પણ હવે યુઝર્સ પસંદ કરી શકશે

પ્રતીકાત્મક તસવીર

વૉટ્સઍપ એક નહીં તો બીજા કારણસર હંમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોર્ટમાં વૉટ્સઍપ મેસેજને એવિડન્સ તરીકે ગણવામાં નહીં આવે. બીજી તરફ ફિશિંગ માર્કેટમાં દુનિયાભરમાં ઇન્ડિયા ત્રીજા ક્રમે છે. વૉટ્સઍપ પર લિન્ક મોકલી છેતરપિંડી થવામાં પહેલા નંબર પર ૪૬ ટકા સાથે રશિયા, બીજા ક્રમે ૧૫ ટકા સાથે બ્રાઝિલ અને ઇન્ડિયા સાત ટકા સાથે ત્રીજા ક્રમે છે. જોકે એક તરફ વૉટ્સઍપ પર જ્યારે સિક્યૉરિટીને લઈને ચર્ચામાં ત્યારે તેઓ તેમની ઍપ્લિકેશનને વધુ સિક્યૉર અને ઇફેક્ટિવ બનાવવાની હોડમાં છે. વૉટ્સઍપ દ્વારા હાલમાં આઇફોન યુઝર્સના બીટા વર્ઝનમાં બે ફીચરનો સમાવેશ કર્યો છે જે બહુ જલદી તમામ આઇફોન યુઝર્સ અને ઍન્ડ્રૉઇડ યુઝર્સ ઉપયોગમાં લઈ શકશે.
અડધેથી કૉન્ફરન્સ કૉલ 
વૉટ્સઍપ પર ગ્રુપ કૉલ અથવા તો કૉન્ફરન્સ કૉલ ફીચર ઉપલબ્ધ છે. જોકે આ કૉલ દરમ્યાન કોઈ ફોન ઉઠાવી ન શકે તો જ્યાં સુધી ફોન પૂરો ન થાય ત્યાં સુધી તે ફરી ફોન કરી નથી શકતો અથવા તો એ કૉલમાં ફરી જૉઇન નથી કરી શકતો. જોકે વૉટ્સઍપ હવે આ ફીચર પર કામ કરી રહ્યું છે. વૉટ્સઍપના આઇઓએસ બીટા વર્ઝનની યુઝર ઇન્ટરફેસને ચેન્જ કરવામાં આવી રહી છે. આ યુઝર ઇન્ટરફેસને હવે આઇફોનના ફેસટાઇમ જેવી બનાવવામાં આવી રહી છે. તેમ  જ એમાં જો કોઈ વ્યક્તિ સમયસર ફોન ન ઉઠાવી શક્યો હોય તો તેના માટે જૉઇન નામનું ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી જે-તે યુઝર અડધેથી જ ગ્રુપ કૉલ અથવા તો કૉન્ફરન્સ કૉલમાં જોડાઈ શકશે. તેમ જ જો કોઈ વ્યક્તિ ફોન ન ઉઠાવે અને કૉલ ચાલુ થઈ ગયો હોત. તો કૉલ પર જેટલા પણ વ્યક્તિ છે તેઓ જે વ્યક્તિ જોડાઈ નથી શક્યો તેને ફરી જૉઇન કરવા માટે પણ બોલાવી શકશે. આ માટે નામની બાજુમાં રિંગ નામનું ફીચર હશે. એના પર ક્લિક કરવાથી તે વ્યક્તિને ફરી કૉલ લાગશે અને તે જોડાઈ શકશે. આમ વૉટ્સઍપ પહેલાં કરતાં વધુ યુઝરફ્રેન્ડ્લી બની રહ્યું છે.  

મલ્ટિડિવાઇસ સિન્ક ફીચર
વૉટ્સઍપ હાલમાં મલ્ટિડિવાઇસ સિંક ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમના મોબાઇલ સિવાય અન્ય ડિવાઇસ પર વૉટ્સઍપનો ઉપયોગ કરી શકશે. વૉટ્સઍપે થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી કે રજિસ્ટર (મેઇન) મોબાઇલ બંધ હોય તો પણ એનો ઉપયોગ કમ્પ્યુટર પર કરી શકશે. જોકે આ માટે તેઓ હવે મલ્ટિડિવાઇસ સિન્ક ફીચરને ટેસ્ટ કરી રહ્યા છે. આ ફીચરમાં એક જ મોબાઇલ ફોન કનેક્ટ થઈ શકશે એટલે કે બીજું ડિવાઇસ કમ્પ્યુટર, લૅપટૉપ અથવા તો વેબ બ્રાઉઝર હોવું જરૂરી છે. જોકે આ દરમ્યાન યુઝર્સનો મોબાઇલ બંધ હશે તો પણ વૉટ્સઍપનો ઉપયોગ તે કરી શકશે. 
આ ફીચરની મદદથી મોબાઇલમાં સ્ટાર કરેલા મેસેજ અથવા તો મેસેજ હિસ્ટરી અથવા તો કૉન્ટૅક્ટ-નંબર દરેક વસ્તુ અન્ય ડિવાઇસમાં જોવા મળશે. આ માટે વૉટ્સઍપ તમારા ડેટાને સ્ટોર કરશે અને એને મલ્ટિડિવાઇસ સિન્ક ફીચર દ્વારા બીજા ડિવાઇસ સુધી પહોંચાડશે. જોકે એમાંના એક પણ ડેટા વૉટ્સઍપ જોઈ શકશે નહીં. આ માટે પેરવાઇઝ ઇન્ક્રિપ્શન સેશનની મદદથી દરેક મેસેજને ઇન્ક્રિપ્ટ કરવામાં આવશે અને જુદા-જુદા ડિવાઇસ પર મોકલવામાં આવશે. આ મેસેજ દરેક ડિવાઇસ પર સેન્ડ થઈ ગયા બાદ એ સર્વર પરથી ડિલીટ થઈ જશે. આ માટે લોકલ મોબાઇલમાં એક કી આપવામાં આવશે અને એ મોબાઇલમાં જ સ્ટોર થશે, સર્વર પર સ્ટોર નહીં થાય. આ કીની મદદથી દરેક ડિવાઇસ પર મેસેજ મોકલવામાં આવશે અને એ દરેક મેસેજની કી દરેક ડિવાઇસ માટે અલગ-અલગ હશે. આથી કોઈ હૅકર એક કીને હૅક કરી લે તો પણ તેને ફક્ત એક જ મેસેજ વાંચવા મળશે. આ મેસેજ પહોંચી ગયા બાદ એ કી નિષ્ક્રિય થઈ જશે અને નવા મસેજ માટે નવી કી બનશે. આ સાથે જ નવા ડિવાઇસને લિન્ક કરવા માટે હવે બારકોડ સ્કૅન કરવાની સાથે બાયોમેટ્રિક પરમિશન પણ આપવી જરૂરી બનશે જેથી વૉટ્સઍપના ડેટા વધુ સિક્યૉર રહે.
ફોટો અને વિડિયો ક્વૉલિટી
વૉટ્સઍપ યુઝર્સ દ્વારા હંમેશાં ફોટો ક્વૉલિટી અને વિડિયો ક્વૉલિટી બગડી ગઈ હોવાની ફરિયાદ કરવામાં આવતી હતી. જોકે હવે વૉટ્સઍપ દ્વારા એ સાંભળી લેવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. આ માટે વૉટ્સઍપ હવે એક ફીચર આપી રહ્યું છે. આ ફીચરમાં ઑટો, બેસ્ટ ક્વૉલિટી અને ડેટા સેવર એમ ત્રણ ઑપ્શન આપવામાં આવશે. બેસ્ટ ક્વૉલિટી માટે વધુ ડેટાનો ઉપયોગ થશે જ્યારે ડેટા સેવર માટે ઓછા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે.

 

technology news harsh desai