27 November, 2026 08:07 AM IST | International | Gujarati Mid-day Correspondent
વૉટ્સઍપ નવું ફીચર
વર્ષોની માગણી બાદ વૉટ્સઍપે આખરે વ્યક્તિગત અને ગ્રુપ-ચૅટમાં મેસેજ શેડ્યુલ કરવાનું ફીચર રોલઆઉટ કર્યું છે. બુધવારે ૨૫ નવેમ્બરે કંપનીએ જાહેરાત કરી કે આઇફોન ઑપરેટિંગ સિસ્ટમ (iOS) અને ઍન્ડ્રૉઇડ યુઝર્સ માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. એ ઉપલબ્ધ થયા બાદ યુઝર્સ મેસેજ ટાઇપ કરીને સેન્ડ બટન દબાવી રાખીને એને શેડ્યુલ કરી શકશે.
વૉટ્સઍપે એક બ્લૉગ-પોસ્ટમાં જણાવ્યું હતું કે કેટલાક મેસેજ થોડા સમય પછી મોકલવા વધુ યોગ્ય હોય છે. નવા ફીચર હેઠળ મોકલનાર વ્યક્તિ ૧૦ મિનિટથી લઈને ૧૪ દિવસ ઍડ્વાન્સમાં મેસેજ શેડ્યુલ કરી શકે છે. દાખલા તરીકે રાત્રે ૧૧ વાગ્યે કોઈને બીજા દિવસે સવારની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવવાનું યાદ આવે અથવા મિત્રના ટાઇમ-ઝોન મુજબ મધરાતે જન્મદિવસનો સંદેશ મોકલવો હોય તો આ સુવિધા ઉપયોગી થશે. આ ફીચર માત્ર ટેક્સ્ટ પૂરતું મર્યાદિત નથી; યુઝર્સ ફોટો અને વિડિયો પણ શેડ્યુલ કરી શકશે.
કઈ રીતે મેસેજ શેડ્યુલ કરવો?
મેસેજ શેડ્યુલ કરવા ચૅટ ખોલીને મેસેજ લખવો, સેન્ડ બટન દબાવી રાખવું અને તારીખ તથા સમય પસંદ કરીને પુષ્ટિ કરવી. જો ફોન સ્વિચ્ડ ઑફ હશે તો પણ નિર્ધારિત સમયે સામેની વ્યક્તિને મેસેજ મળી જશે. અન્ય મેસેજની જેમ એ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે. જો યુઝર પોતાનો વિચાર બદલે તો તે કતારમાં રહેલા મેસેજ જોઈને ડિલિવરી પહેલાં એને ડિલીટ પણ કરી શકે છે.