પથારીમાં પડતાં જ કમર અને પગમાં મસાજ થવા લાગે તો કેટલું સારું?

10 April, 2023 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમને પણ રોજ રાતે આવા વિચારો આવતા હોય તો ધ સ્લીપ કંપનીએ સ્માર્ટ અને ઍડ્જસ્ટેબલ બેડ તૈયાર કર્યો છે. એના પર સૂતાં જ મસાજ થવા લાગે છે અને હવામાં તરતા હો એટલી હળવાશ અનુભવાય છે

Elev8 સ્માર્ટ ઍડ્જસ્ટેબલ રિક્લાઇનર બેડ

ક્યાં મળશે : thesleepcompany.com કિંમત : ૪૦,૦૦૦ રૂપિયા

મુંબઈ જેવા શહેરમાં ટ્રેનમાં કલાકો સુધી ઊભા રહીને ટ્રાવેલ કરીને ઘરે પહોંચો ત્યારે થાકીને ઠૂસ થઈ જવાય એ સ્વાભાવિક છે. પથારીમાં પડતાં જ કોઈ પગમાં કે કમરમાં મસાજ કરી આપે તો બહુ સારું એવી ઇચ્છા થાય, પણ રોજ-રોજ તો કોણ એવી સેવા આપે? જોકે તમે જે બેડ પર સૂઓ છો એ જ આ સર્વિસ આપતો હોય તો કેવું? આ ખયાલી પુલાવ નથી, પરંતુ ધ સ્લીપ કંપનીએ તૈયાર કરેલો લેટેસ્ટ સ્માર્ટ બેડ આ ઇચ્છા પૂરી કરી આપે એમ છે એટલું જ નહીં, આ બેડ નાસાના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલો હોવાનો દાવો છે. હવે આમાં નાસાનું શું કામ? એવો સવાલ થવો સ્વાભાવિક છે. કંપની પાસે એનો પણ જવાબ છે. કંપનીનો દાવો છે કે આ બેડ પર ઝીરો ગ્રેવિટી છે. એની પર બેસતાં જ ગુરુત્વાકર્ષણની અસર ઘટી જાય છે અને તમને તમારા શરીરનું વજન હલકુંફૂલકું લાગવા લાગે છે. તમે હવામાં તરતા હો એવી ફીલ આપે છે એટલે ઊંઘ પણ સરસ અને ગહેરી આવે છે. 

આ બેડ સીધો તો છે જ, પણ જો તમને નસકોરાં બોલાવવાની તકલીફ હોય તો એક બટન દબાવતાં જ એ માથાના ભાગેથી ૩૦ ડિગ્રીના ખૂણે ઊંચો અને પગેથી લગભગ ૨૦ ડિગ્રી જેટલો ઊંચો થઈ જશે. એને કારણે નાકના ઍર પૅસેજમાં આવતો અવરોધ હટી જાય છે અને નસકોરાં બોલવાનું આપમેળે બંધ થઈ જાય છે. પગ ઊંચા રહેતા હોવાથી ઘૂંટણની તકલીફ હોય તો એમાં પણ રાહત લાગે છે.

આ પણ વાંચો : બાળકોનો સ્ક્રીન ટાઇમ અને કન્ટેન્ટ ફિક્સ કરવા આટલું ધ્યાનમાં રાખો

 આ બેડની મૅટ્રેસની નીચે ચોક્કસ ઇલેક્ટ્રૉમૅગ્નેટિક સેન્સર્સ મૂકેલાં છે જેને અગેઇન એક બટન દબાવતાં જ ઍક્ટિવેટ કરી શકાય છે, જે તમને હળવો મસાજ આપીને મસલ રિલૅક્સન્ટનું કામ કરે છે. અને હા, આ ડબલ બેડ હોવાથી બે અલગ-અલગ સેન્સર્સ છે અને બન્ને સેપરેટલી ઑપરેટ થાય છે એટલે તમારી નીચેનાં સેન્સર્સની અસર સાથે સૂતેલી પત્નીને ડિસ્ટર્બ પણ નહીં કરે.

Elev8 સ્માર્ટ ઍડ્જસ્ટેબલ રિક્લાઇનર બેડનો તમે સૂવા માટે તો ઉપયોગ કરી જ શકો છો, પણ એના પર રિલૅક્સ્ડ મોડમાં બેસીને ટીવી જોવાનું કે લૅપટૉપ પર કામ કરવાનું પણ ફાવે એવું છે. 

આ બેડની પોઝિશન ચેન્જ કરવાની હોય કે મસાજ મોડ ઑન-ઑફ કરવાનો હોય બધું જ રિમોટથી કન્ટ્રોલ થઈ શકે છે. બેડની સાઇડમાં બે રૉડ્સ પણ આપવામાં આવ્યા છે. જો આ રૉડ્સ સાથે બેડ પરની ચાદર અટૅચ કરી દેવામાં આવે તો તમે ઊભા થાઓ કે પાંચ જ સેકન્ડમાં ચાદર સેટ થઈ જશે. 

columnists technology news tech news