વૉટ્સઍપથી બદલી શકાશે તમારા ફેસબુકની સ્ટોરી

05 May, 2023 05:23 PM IST  |  Mumbai | Harsh Desai

મેટા કંપની હાલમાં વૉટ્સઍપ અને ફેસબુક બન્નેને મર્જ કરવાની કોશિશ કરી રહી છે આથી એક પ્લૅટફૉર્મ પર સ્ટોરી મૂકવામાં આવતાં એને બીજા પ્લૅટફૉર્મ પર પણ જોઈ શકાશે : ટેલિગ્રામ જેવું જ ચૅનલ ફીચર પણ જોવા મળશે વૉટ્સઍપમાં

પ્રતીકાત્મક તસવીર

વૉટ્સઍપ દ્વારા હાલમાં જ મલ્ટિ-ડિવાઇસ લૉગિંગ ફીચરને લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી એકસાથે ચાર ડિવાઇસમાં એક જ નંબરનો ઉપયોગ કરી શકાય છે તેમ જ દરેક ડિવાઇસમાં રિયલ-ટાઇમમાં મેસેજ પણ સિન્ક થાય છે. જોકે આટલું જ નહીં, વૉટ્સઍપ આ સાથે અન્ય ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે. વૉટ્સઍપના બીટા અપડેટમાં કેટલાંક ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર્સની મદદથી યુઝર્સ માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો સરળ બનશે. તેમ જ માહિતી મેળવવી કે પછી સિક્યૉરિટીને લગતી બાબતો પર પણ ફોકસ કરવામાં આવ્યું છે. વૉટ્સઍપ દ્વારા હાલમાં જે નવાં ફીચર્સ પર કામ કરવામાં આવી રહ્યું છે એ વિશે જોઈએ.

શૅર સ્ટોરી

વૉટ્સઍપ સ્ટોરીમાં થોડા સમય પહેલાં જ નવા અપડેટ દ્વારા ઑડિયો સ્ટેટસ મૂકવાનું પણ શક્ય કરવામાં આવ્યું હતું. જોકે હવે લેટેસ્ટ અપડેટમાં આ સ્ટેટસને સીધુ ફેસબુકની સ્ટોરીમાં શૅર કરવાનું પણ શક્ય કરવામાં આવશે. અત્યારે ફેસબુક પર સ્ટોરી મૂકવામાં આવે તો એ ઇન્સ્ટાગ્રામ પર ઑટોમૅટિક શૅર થાય છે અને ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવે તો એને ફેસબુક પર શૅર કરી શકાય છે. આ માટે અકાઉન્ટ મર્જ કરવાં પડે છે. જોકે મેટા કંપની હવે તેમની ત્રીજી કંપનીને પણ એમાં જૉઇન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ માટે યુઝર્સના વૉટ્સઍપમાં એક ફીચર આપવામાં આવશે. એ ફીચર હશે ‘ઓલ્વેઝ શૅર ટુ ફેસબુક સ્ટોરી’. આ ફીચરને ઑન કરવામાં આવતાં વૉટ્સઍપના સ્ટેટસમાં જે સ્ટોરી મૂકી હશે એને સીધી ફેસબુકની સ્ટોરીમાં શૅર કરી શકાશે. આ સ્ટોરી ત્યાંથી ઇન્સ્ટાગ્રામ પર પણ જશે કે કેમ એ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. જોકે એક વાર ફેસબુક પર આવી ગયું તો ઇન્સ્ટાગ્રામ માટે પણ આ ફીચર આપવામાં વાર નહીં લાગે. આ માટે ફેસબુક અને વૉટ્સઍપના મોબાઇલ નંબરને સિન્ક કરવા જરૂરી રહેશે. એટલે કે ફેસબુકમાં એ જ નંબર હોવો જોઈશે જે વૉટ્સઍપનો નંબર હોય.

પ્રાઇવસી ચેકઅપ

વૉટ્સઍપ દ્વારા હાલમાં જ તેમના બીટા વર્ઝનમાં પ્રાઇવસી ચેકઅપ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વૉટ્સઍપમાં ફક્ત પ્રાઇવસી સેટિંગ્સ જ હતું. જોકે આ ચેકઅપ દ્વારા યુઝર્સને હવે દરેક ટૂલનો ઉપયોગ શું થશે અને કઈ રીતે કરી શકાશે એ વિશે જણાવવામાં આવશે. વૉટ્સઍપ પર હાલમાં દરેક વ્યક્તિ જેની પાસે નંબર હોય એ કૉન્ટૅક્ટ કરી શકે છે. જોકે હવે કોણ કૉન્ટૅક્ટ કરી શકે એને કન્ટ્રોલ કરવાની સાથે યુઝર્સની પર્સનલ ઇન્ફર્મેશનને પણ કન્ટ્રોલ કરી શકાશે. ચૅટમાં પ્રાઇવસીમાં વધારાની સાથે અકાઉન્ટને વધુ પ્રોટેક્ટ કરવા માટે પણ આ ટૂલ મદદ કરશે. વૉટ્સઍપ અત્યારે પ્રાઇવસી અને પ્રોટેક્શન પર વધુ ફોકસ કરી રહ્યું છે, જેથી અકાઉન્ટને હૅક ન કરી શકાય.

આ પણ વાંચો :  ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આવ્યું અદ્ભુત અપડેટ, હવે પ્રોફાઇલ બનશે વધુ આકર્ષક

ચૅનલ ફીચર

ટેલિગ્રામમાં હાલમાં ચૅનલ ફીચર આવે છે અને એવું જ ફીચર હવે વૉટ્સઍપમાં પણ આવી રહ્યું છે. વૉટ્સઍપ દ્વારા કમ્યુનિટી ફીચર પણ બનાવવામાં આવ્યું હતું. પરંતુ એ એટલી હિટ નથી રહ્યું અને એનો ઉપયોગ કરનારા પણ ઓછા છે. જોકે વૉટ્સઍપ દ્વારા હવે ચૅનલ ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર હાલ પૂરતું આઇઓસ બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ છે. એક રીતે જોવા જઈએ તો આ એક ન્યુઝલેટર તરીકે જ કામ કરે છે. અથવા તો કહી શકાય કે બ્રૉડકાસ્ટ કરવામાં મદદરૂપ થાય છે. આ ચૅનલ ફીચરમાં યુઝર્સ ધારો કે ‘મિડ-ડે’ની ચૅનલને ફૉલો કરશે તો તેમને આ ન્યુઝપેપર દ્વારા આપવામાં આવતા ન્યુઝની અપડેટ મળતી રહેશે. એના પર કમેન્ટ કે લાઇક કે જવાબ નહીં આપી શકાય, ફક્ત અને ફક્ત મેસેજ મેળવી શકાશે. કોઈ ગ્રુપમાં જે રીતે ઍડ‍્મિન સિવાય અન્યને મેસેજ કરવાની પરવાનગી ન આપવામાં આવી હોય એવું જ આમાં પણ હશે. જોકે ગ્રુપમાં એક લિમિટ હોય છે અને ચૅનલમાં ફૉલોઅર્સની લિમિટ નથી હોતી.

સ્ટેટસ બનશે અપડેટ્સ

વૉટ્સઍપમાં હાલમાં જે સ્ટેટસ ટૅબ છે એને હવે રીવૅમ્પ કરવામાં આવી રહી છે. વૉટ્સઍપ દ્વારા આ ટૅબને હવે અપડેટ્સ નામ આપવામાં આવશે એવી ચર્ચા છે. વૉટ્સઍપ દ્વારા ફેસબુક પર પણ હવે સ્ટોરી શૅર કરી શકાતી હોવાથી આ ટૅબ ફક્ત સ્ટોરીની જગ્યાએ અન્ય પ્લૅટફૉર્મને અપડેટ રાખવાનું પણ કામ કરતી હોવાથી એને હવે અપડેટ્સ ટૅબ નામ આપવામાં આવી રહ્યું છે. આ ફીચર પણ એક વાર ઑનલાઇન થયા બાદ એને પણ ઍન્ડ્રૉઇડમાં આપવામાં આવશે.

columnists harsh desai technology news tech news whatsapp facebook