તમને ગમતી અને કામની બધી જ લિન્ક્સ સેવ થઈ શકશે એક જ કલેક્શનમાં

09 February, 2024 08:13 AM IST  |  Mumbai | Harsh Desai

આ ફીચરનો વેબની સાથે ઍન્ડ્રૉઇડ અને આઇઓએસ પર પણ ઉપયોગ કરી શકાય છે. જોકે આ માટે ગૂગલ અકાઉન્ટ હોવું જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

ગૂગલ ફક્ત સર્ચ કરવા માટે ઉપયોગમાં નથી આવતું. ગૂગલની સર્વિસ આજે એટલી વધી ગઈ છે કે ડેઇલી લાઇફમાં ઘણી વસ્તુઓ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આજે ઘણી વસ્તુઓ ઇન્ટરનેટ પર જોવા મળે છે અને એમાંની ઘણી વસ્તુ એવી હોય છે જેને આપણે ભવિષ્યમાં ઉપયોગમાં આવે એ માટે સેવ કરીએ છીએ અથવા તો સમય મળે ત્યારે એ વિશે માહિતી જોઈશું એમ કરીને સેવ કરવામાં આવે છે. આ પ્રકારની સુવિધા ઇન્સ્ટાગ્રામ અને પિન્ટરેસ્ટ આપે છે જેમાં એ ઍપ્લિકેશનની અંદરની વસ્તુને સેવ કરી શકાય. જોકે જનરલ સર્ચમાં સેવ કરવા માટે ગૂગલે એક નવું ફીચર શરૂ કર્યું છે. આ ફીચરને કલેક્શન અથવા તો ઇન્ટરેસ્ટ બન્ને કહી શકાય છે. આ ફીચરનો વેબની સાથે ઍન્ડ્રૉઇડ અને આઇઓએસ પર પણ ઉપયોગ કરી શકાય છે. જોકે આ માટે ગૂગલ અકાઉન્ટ હોવું જરૂરી છે.

શું છે ગૂગલ કલેક્શન? | ગૂગલ કલેક્શન એક ફીચર છે જેને ગૂગલ ઍપમાં આપવામાં આવ્યું છે. જોકે આ ફીચરનો ગૂગલની સાથે ગૂગલ મૅપ્સ, યુટ્યુબ, ક્રોમ અને અન્ય ગૂગલ ઍપ્સમાં ઉપયોગ કરી શકાય છે. ગૂગલ કલેક્શનની મદદથી લિન્ક, પ્લેસિસ, રેસિપી, વિડિયો, શો અથવા ફિલ્મની સાથે પૂરેપૂરા વેબ પેજને પણ એક જગ્યાએ સેવ કરી શકાય છે. આ એક ડિજિટલ સ્ક્રૅપબુક જેવું છે. સર્ચ દરમ્યાન કોઈ લિન્ક અથવા તો ફોટો ગમ્યો હોય તો એને સેવ કરી શકાય છે. ફૂડબ્લૉગરની રેસિપીને સેવ કરી શકાય છે. વિડિયો, શો અથવા તો ફિલ્મને સેવ કરી શકાય છે તેમ જ કોઈ સારી કૅફે અથવા તો રેસ્ટોરાં મળી હોય તો એને પણ એક જ જગ્યાએ સેવ કરી શકાય છે. આ સેવ કરેલું કલેક્શન એકસાથે જેટલા પણ ડિવાઇસ પર લૉગ-ઇન હશે એના પર જોઈ શકાશે.
કલેક્શન ક્રીએટ કરવું | આ કલેક્શન ક્રીએટ કરવા માટે ડિવાઇઝમાં ગૂગલ ઍપ હોવી જરૂરી છે. આ ઍપ્લિકેશનને પ્લેસ્ટોર અથવા તો ઍપ સ્ટોરમાંથી ઇન્સ્ટૉલ કરી શકાય છે. ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કર્યા બાદ એના સેટિંગમાં જઈને ઇન્ટરેસ્ટમાં જવું. ઇન્ટરેસ્ટમાં જઈને સેવ્ડમાં જઈને ત્યાં કલેક્શન ક્રીએટ કરવાનો ઑપ્શન હશે. એના પર ક્લિક કર્યા બાદ એને લિન્ક માટે અથવા તો ઑલ સેવ્ડ આઇટમ્સ માટે અથવા તો બ્લૅન્ક એમ ત્રણ ઑપ્શન આપવામાં આવશે. ત્યાર બાદ એ કલેક્શનનું નામ અને ડિ​સ્ક્રિપ્શન આપ્યા બાદ એને ગ્રીડ અથવા તો લિસ્ટ કઈ રીતે દેખાડવું એ સિલેક્ટ કર્યા બાદ ડન કરતાં કલેક્શન બની જશે.

ક્લેક્શનમાં કન્ટેન્ટ કેવી રીતે એડ કરવી? | ગૂગલ ઍપ પર જ્યારે પણ સર્ચ કરતા હો અથવા તો ક્રોમનો ઉપયોગ કરતા હોય ત્યારે સર્ચ દરમ્યાન ઉપરની સાઇડ બુકમાર્ક સેવનો ઑપ્શન આપ્યો હશે. આ નૉર્મલ બુકમાર્ક સેવ કરવા માટેનો જ ઑપ્શન છે, પરંતુ કલેક્શન ક્રીએટ કર્યા બાદ એના પર ક્લિક કરવાથી દરેક વસ્તુ કલેક્શનમાં સેવ થશે. એ બટન પર ક્લિક કર્યા બાદ થોડી સેકન્ડ માટે નીચે એક નવો ઑપ્શન આવશે. એના પર એડિટ લખ્યું હશે. જો અન્ય કૅટેગરીમાં સેવ કરવું હોય અથવા તો નવું કલેક્શન બનાવવું હોય તો એડિટ પર ક્લિક કરીને બનાવી શકાય છે. નહીંતર એ અગાઉ બનાવેલા કલેક્શનમાં સેવ થશે. આ સાથે જ જો કોઈ અન્ય વ્યક્તિએ લિન્ક અથવા તો ફોટો કે કંઈ પણ મોકલવ્યું હોય અને એને મૅન્યુઅલી સેવ કરવું હોય તો ગૂગલ ઍપના સેટિંગ્સમાં ઇન્ટરેસ્ટમાં જઈને સેવ્ડમાં જઈને કલેક્શન ઓપન કરીને એમાં ઍડનું બટન હશે એના પર ક્લિક કરીને મૅન્યુઅલી પણ કરી શકાશે.

એડિટ, મૅનેજ અને ડિલીટ | ગૂગલ કલેક્શનમાં સેવ કર્યા બાદ એને એડિટ કરવું હોય, મૅનેજ કરવું હોય અને ડિલીટ કરવું હોય તો એ પણ કરી શકાય છે. સૌથી પહેલાં મૅનેજ કરવા એટલે કે રીઑર્ડર કરવા માટે ગૂગલ ઍપના સેટિંગ્સમાં ઇન્ટરેસ્ટમાં જઈને સેવ્ડમાં જઈને કલેક્શન ઓપન કરીને એમાં સેવ્ડમાં સામે જ રીઑર્ડર લખ્યું હશે. આ ફીચર એક કરતાં વધુ કલેક્શન હશે તો દેખાશે. એ રીઑર્ડર પર ક્લિક કર્યા બાદ પ્રાયોરિટી મુજબ એને મૅનેજ કરી શકાય છે. કલેક્શનમાં એડિટ કરવું હોય તો જે-તે કલેક્શનની વિન્ડો પર ત્રણ ડૉટ હશે એના પર ક્લિક કરી એને એડિટ કરી શકાય છે. ડિલીટ કરવા માટે પણ આ ત્રણ ડૉટ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર બાદ એડિટની જગ્યાએ ડિલીટ ઑપ્શન પસંદ કરવાનો રહેશે. એ કર્યા બાદ એ કલેક્શન ડિલીટ થઈ જશે. કલેક્શનની અંદરની વસ્તુને ડિલીટ કરવા માટે પણ આ જ પદ્ધતિ છે.

કોલોબરેટર | આ કલેક્શનને પ્રાઇવેટ પણ રાખી શકાય છે અને એને અન્ય સાથે શૅર પણ કરી શકાય છે. આ શૅર કરવા માટે પણ બે ઑપ્શન આપવામાં આવ્યા છે. પહેલો એ કે ફક્ત જે-તે વ્યક્તિ એને જોઈ શકે છે અને બીજો એ કે એમાં એડિટ અથવા તો ઍડ પણ કરી શકે છે. આ માટે કલેક્શનમાં જઈને શૅર ઑપ્શન પર ક્લિક કરતાં વ્યુ ઓનલી અથવા તો ક​ન્ટ્રિબ્યુટર તરીકે પસંદ કરવાનું રહેશે અને ત્યાર બાદ એને જે-તે યુઝર સાથે પણ શૅર કરી શકાશે.

columnists life and style technology news harsh desai