માઇક્રોસૉફ્ટની ટીમ્સ ઍપ્લિકેશન હવે લાવી છે વધુ પ્રોફેશનલ ફીચર્સ

23 June, 2023 05:15 PM IST  |  Mumbai | Harsh Desai

ખરા અર્થમાં ઑનલાઇન ટીમવર્કને સરળ બનાવતી આ એપ્લિકેશન પર હવે ઑનલાઇન મીટિંગ્સને વધુ સરળ અને સિક્યૉર બનાવવામાં આવી છે જે વાપરવામાં સરળ પણ છે અને પ્રાઇવસી પણ જાળવે છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોના ગયોને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ એમ છતાં ઘણી એવી વસ્તુઓ છે જે એ દરમ્યાન શરૂ થઈ હતી અને આજે પણ એ જ રીતે ચાલી રહી છે. એમાં ઑનલાઇન મીટિંગ્સનો પણ સમાવેશ થાય છે. કોરોના દરમ્યાન મોટા ભાગની કૉર્પોરેટ ઑફિસ વિડિયો કૉન્ફરન્સ દ્વારા મીટિંગ્સ કરતી હતી. આ મીટિંગ્સ સફળ પણ રહી છે. ઘણી કંપનીઓને હજી પણ ઇન-ઑફિસ મીટિંગ્સ કરતાં વિડિયો કૉન્ફરન્સ વધુ સરળ લાગે છે. તેમ જ એક કરતાં વધુ બ્રાન્ચમાં કામ કરતા કર્મચારીઓ માટે મીટિંગ્સ માટે મળવું અને લૉજિસ્ટિક્સને જોતાં ઑનલાઇન મીટિંગ્સ વધુ સરળ છે. તેમ જ એ માટે ઝીરો બજેટની જરૂર પડે છે. આ માટે સ્કાઇપ, ઝૂમ કૉલ જેવી ઘણી ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે વિડિયો કૉન્ફરન્સ માટે માઇક્રોસૉફ્ટની ટીમ્સ ઍપ્લિકેશન પણ ખૂબ જ પૉપ્યુલર છે. આ ઍપ્લિકેશનમાં કેટલાંક નવાં ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે જે આ મીટિંગ્સને વધુ પ્રોફેશનલ અને સરળ અને સિક્યૉર બનાવે છે.

ક્લાઉડ ઇન્ટેલિફ્રેમ |

માઇક્રોસૉફ્ટ દ્વારા ક્લાઉડ ઇન્ટેલિફ્રેમ ફીચરને લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર હાલમાં માઇક્રોસૉફ્ટ ટીમ પ્રો લાઇસન્સ વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ ફીચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ઉપયોગી છે. કોઈ પણ મીટિંગ રૂમમાં ઇન્ટેલિજન્ટ કૅમેરા અથવા તો સ્માર્ટ કૅમેરા ન હોય ત્યાં આ ફીચરની મદદથી રૂમમાં જેટલા પણ લોકો હશે એની અલગ-અલગ ફ્રેમ બનશે. ઉદાહરણ તરીકે એક સેન્ટર ટેબલ પર પાંચ વ્યક્તિ બેસીને અન્ય ટીમ મેમ્બર્સ સાથે મીટિંગ કરી રહ્યા હોય. અત્યાર સુધી આ સમયે આ પાંચે વ્યક્તિ એક જ ફ્રેમમાં જોવા મળતા હતા. જોકે હવે નવા ફીચરની મદદથી આ પાંચે વ્યક્તિની અલગ-અલગ ફ્રેમ જોવા મળશે. આથી પાંચે વ્યક્તિને દરેક જોઈ શકશે અને તેઓ શું બોલે છે એ પણ બરાબર સાંભળી શકાશે.

ફ્રન્ટ રૉ |

 આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ વિડિયો મીટિંગને વધુ પ્રોફેશનલ બનાવવાનો છે. કોરોના દરમ્યાન  લોકો મીટિંગ ગમે ત્યાંથી કરતા હતા. એ દરમ્યાન મીટિંગમાં તેમના ઘરમાં અથવા તો તેમની આસપાસ શું થઈ રહ્યું છે એની પણ જાણ મીટિંગમાં થતી હતી. જોકે હવે આ ફીચર દ્વારા મીટિંગને અને જે-તે વ્યક્તિની લાઇફને વધુ સિક્યૉર બનાવવામાં આવી છે. આ ફીચરની મદદથી દરેક વ્યક્તિ જાણે ફ્રન્ટ રૉમાં જાણે કે પૅનલિસ્ટ તરીકે બેઠા હોય એવું લાગશે એટલું જ નહીં, દરેક વ્યક્તિના બૅકગ્રાઉન્ડને ચેન્જ કરવામાં આવશે એટલે કે વ્યક્તિ જાણે બ્લૅક સ્ક્રીનની સામે બેસીને મીટિંગ કરી રહ્યો હોય એવું લાગશે. આ દરેક વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ બદલાઈ જશે અને એ શૅર્ડ બૅકગ્રાઉન્ડ હશે. એટલે કે દરેકનું બૅકગ્રાઉન્ડ એકસરખું હશે. આ સાથે જ યુઝર ભલે કૅમેરાથી ગમે એટલો દૂર બેઠો હશે, પરંતુ દરેકની આઉટપુટ સાઇઝ એકસરખી જ દેખાડવામાં આવશે.

સ્પેશલ ઑડિયો |

આ ફીચરમાં ઑડિયોમાં ખૂબ જ ઇમ્પ્રોવાઇઝેશન કરવામાં આવ્યું છે. આપણે ફિઝિકલ મીટિંગમાં કોઈ વ્યક્તિ રાઇટમાં બેઠી હોય તો રાઇટથી અવાજ આવે છે અને લેફ્ટમાં બેઠી હોય તો લેફ્ટથી અવાજ આવે છે. આથી એ વસ્તુને ધ્યાનમાં રાખીને માઇક્રોસૉફ્ટ ટીમમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. હવે આ મીટિંગ્સમાં જે પણ વ્યક્તિ જે સાઇડ બેઠી હશે એ સાઇડથી અવાજ આવશે. આથી અન્ય વ્યક્તિની નજર એ બાજુ એ વ્યક્તિના ચહેરા તરફ તરત જ જશે અને કોણ શું કહી રહ્યું છે એ શોધવામાં સમય નહીં લાગે. ઍપલ દ્વારા તેમના મ્યુઝિકમાં આ ફીચર આપવામાં આવ્યું હતું ત્યાર બાદથી ઘણી ઍપ્લિકેશન હવે એનો ઉપયોગ કરી રહી છે.

કોલૅબરેટિવ નોટ્સ |

માઇક્રોસૉફ્ટ દ્વારા તેમની ટીમ્સને વધુ ઇન્ટરૅક્ટિવ બનાવવામાં આવી છે. વિડિયો કૉન્ફરન્સની સાથે હવે એમાં નોટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મીટિંગને લીડ કરનાર કોઈ નોટ્સ બનાવવા માગતું હોય અથવા તો મીટિંગનો કોઈ પણ વ્યક્તિ કોઈ આઇડિયા આપે અથવા તો કોઈ એજન્ડા બનાવવામાં આવે તો હવે એની નોટ્સ તરત જ બનાવી શકાય છે. આ નોટ્સને કોઈ પણ વ્યક્તિ કો-ક્રીએટ અથવા તો કોલૅબરેટિવ બનાવી શકે છે. આ ફીચર દ્વારા ટીમના દરેક વ્યક્તિ એને જોઈ અને એમાં જરૂર લાગે ત્યાં એડિટ કરી એ માટે સૂચન આપી શકે છે. આ નોટ્સ બનાવ્યા બાદ એને સિન્ક, કૉપી અથવા તો કોઈને પણ ઈ-મેઇલ કરી શકાય છે. આ એનો પ્લસ પૉઇન્ટ છે.

harsh desai technology news tech news microsoft columnists