ઈન્સ્ટાગ્રામ રીલ્સ માટે સર્જકોને આપી રહ્યું છે ૨૬ લાખ રૂપિયા સુધીની ઓફર

12 November, 2021 07:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઇન્સ્ટાગ્રામે TikTok સાથે સ્પર્ધા કરવા માટે રીલ્સ લોન્ચ કરી છે. ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ છે, પરંતુ અમેરિકામાં ટિકટોક ખૂબ જ લોકપ્રિય છે.

પ્રતિકાત્મક તસવીર

ઇન્સ્ટાગ્રામે TikTok સાથે સ્પર્ધા કરવા માટે રીલ્સ લોન્ચ કરી છે. ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ છે, પરંતુ અમેરિકામાં ટિકટોક ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ તેના નિર્માતાઓને રીલ્સ બનાવવા માટે ઘણા પૈસા ચૂકવી રહ્યું છે.

TechCrunchના એક અહેવાલ અનુસાર, જુલાઈમાં Instagramએ રીલ્સ માટે બોનસ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે “વર્ષ 2022માં કંપની સર્જકોને 1 અબજ ડૉલર આપશે.”

હવે સવાલ એ છે કે રીલ્સ માટે ઇન્સ્ટાગ્રામ યુઝરને વધુમાં વધુ કેટલા પૈસા આપી શકાય. TechCrunchના રિપોર્ટમાં Reddit પોસ્ટને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એક યુઝરને રીલ માટે 35 હજાર ડૉલર (લગભગ રૂા. 26 લાખ)ની ઓફર કરવામાં આવી હતી. જોકે, આ માટે શરત રાખવામાં આવી હતી કે એક મહિનામાં રીલના વ્યૂઝ 58.1 મિલિયન હોવા જોઈએ.

ધ વર્જના અહેવાલ મુજબ, કંપની હવે નાના સર્જકોને પણ રીલ માટે સારા પૈસા ઓફર કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેડી કોર્બીન નામના એક ઇન્સ્ટા યુઝર, જેના ફોલોઅર્સ લગભગ 52 હજાર છે, તેમને 1,000 ડૉલરની ઓફર કરવામાં આવી હતી.

ટેકક્રંચના રિપોર્ટમાં જણાવાયું છે કે “ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ માટે બોનસમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, અન્ય 24 હજાર ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતા સર્જકોને 9.2 મિલિયન વ્યૂઝ માટે 8500 ડૉલર આપવામાં આવી રહ્યા છે.

વર્જે તેના રિપોર્ટમાં કહ્યું છે કે “15,000 ઇન્સ્ટા ફોલોઅર્સ ધરાવતા તેના એક કર્મચારીને પણ એટલી જ રકમ ચૂકવવામાં આવી છે. જોકે, કંપની કોને કેટલા પૈસા આપી રહી છે તે અંગે કોઈ નિર્ધારિત નિયમ નથી. ચૂકવણીનું પ્રમાણ શું છે, કેટલા અનુયાયીઓ હોવા જોઈએ અથવા કેટલા વ્યૂઝ હોવા જોઈએ, તે અત્યારે સ્પષ્ટ નથી.

ઇન્સ્ટાગ્રામે એક અમેરિકન ટેક પોર્ટલને જણાવ્યું છે કે કંપની હાલમાં આ અંગે પ્રારંભિક તબક્કામાં છે. આવનારા સમયમાં કંપની આ અંગે કેટલાક નવા નિયમો લાવી શકે છે.

કંપનીએ એમ પણ કહ્યું છે કે અત્યારે કંપની આ જ રીતે સર્જકોને પૈસા આપીને તેનું પરીક્ષણ કરવાનું ચાલુ રાખશે અને બાદમાં તેનો વ્યાપ વધારી શકાય છે.

technology news tech news