01 August, 2025 09:24 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ChatGPT અને સૅમ ઓલ્ટમેન ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
જો તમે પણ ChatGPT પર તમારા દિલની વાત શૅર કરો છો, તો સાવધાન રહો. આ ચેતવણી તમને ChatGPT ની પેરેન્ટ કંપની OpenAI ના CEO એ પોતે આપી છે. હકીકતમાં, એક ઇન્ટરવ્યુમાં, સૅમ ઓલ્ટમેન (Sam Altman) એ કહ્યું છે કે "લોકો ChatGPT પર ખુલ્લેઆમ પોતાની ખાનગી વાતો શૅર કરે છે પરંતુ હાલમાં AI (Artificial Intelligence) કોઈની પણ પ્રાઈવાસીની જવાબદારી લેવા સક્ષમ નથી." આવી સ્થિતિમાં, ChatGPT ને તમારી ખાનગી વાતો જણાવવી કે થેરાપી, કાનૂની સલાહ લેવી વગેરે ખતરનાક બની શકે છે. ચાલો વિગતવાર જાણીએ કે આખો મામલો શું છે?
સૅમ ઓલ્ટમેને શું કહ્યું
હાસ્ય કલાકાર થિયો વોનના શો ધીસ પાસ્ટ વીકેન્ડમાં, ઓલ્ટમેને કહ્યું કે "લોકો ચેટજીપીટી દ્વારા તેમના જીવનની સૌથી અંગત બાબતો શૅર કરે છે. ખાસ કરીને યુવાનો તેનો ઉપયોગ થેરાપિસ્ટ, લાઇફ કોચ અથવા રિલેશનશિપ એક્સપર્ટ તરીકે કરે છે." તેમણે કહ્યું કે આવું કરવું બિલકુલ યોગ્ય નથી. ઓલ્ટમેનના મતે, "જો તમે કોઈપણ મુદ્દા પર થેરાપિસ્ટ અથવા વકીલની સલાહ લો છો, તો તમારી વાતચીત કાયદેસર રીતે ખાનગી માનવામાં આવે છે. જો કે, ચેટજીપીટી એવું બિલકુલ નથી. અમને હાલમાં આનો કોઈ ઉકેલ મળ્યો નથી."
ઓલ્ટમેન શું ચેતવણી આપી રહ્યા છે
તેમના ઇન્ટરવ્યુમાં, સૅમ ઓલ્ટમેને એવા લોકોને ચેતવણી આપી છે જેઓ ચેટજીપીટી (ChatGPT) ને પોતાનો મિત્ર, ચિકિત્સક, વકીલ અથવા તો ડૉક્ટર માને છે. એકંદરે, ઓપનએઆઈ તમે ચેટજીપીટી સાથે જે પણ વાત કરો છો તેની પ્રાઈવાસીની જવાબદારી લેતું નથી. આનું મુખ્ય કારણ એ છે કે અમેરિકામાં એઆઈ અંગે હજી પણ કોઈ સ્પષ્ટ કાયદો નથી. અમેરિકાના કેટલાક રાજ્યોમાં પ્રાઈવાસી અંગે નિયમો છે પરંતુ જ્યારે એઆઈની વાત આવે છે, ત્યારે કાયદાની ભાષામાં કંઈ સ્પષ્ટ નથી.
ChatGPT ચેટ્સ સ્ટોર કરી રહ્યું છે
તમને જણાવી દઈએ કે ChatGPT તમે સેવ કરેલી ચેટ્સ સ્ટોર કરે છે. આ પાછળનું મુખ્ય કારણ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ (The New York Times) સાથે ચાલી રહેલ એક કોર્ટ કેસ છે. જેમાં કોર્ટે OpenAI ને ચેટ્સ સેવ રાખવા કહ્યું છે. OpenAI આ નિર્ણયને પડકારી રહ્યું છે, પરંતુ ત્યાં સુધી ડેટા સ્ટોર કરવો ફરજિયાત છે. આવી સ્થિતિમાં, તમે સમજી શકો છો કે ChatGPT સાથે આ રીતે વાત કરવી તમારી પ્રાઈવાસી માટે યોગ્ય રહેશે નહીં. ખાસ કરીને જ્યારે કંપનીના CEO પોતે આવી માહિતી આપી રહ્યા હોય. આવનારા સમયમાં, જ્યારે દેશોમાં AI વિશે સ્પષ્ટ કાયદા બનાવવામાં આવશે, ત્યારે કદાચ લોકોની પ્રાઈવાસી વધુ સારી રીતે સુરક્ષિત રહેશે.