નાના ભાઈનું વર્તન વિચિત્ર છે, શું તેને ઑટિઝમ હોઈ શકે?

09 April, 2021 02:11 PM IST  |  Mumbai | Dr. Neelu Desai

બાળક બોલવાનું મોડું શીખે એટલે કે લગભગ ૩ વર્ષની ઉંમર સુધી પણ જો તે ભાંગ્યું-તૂટ્યું બોલતું હોય, જો બાળક તમે જે કહો છો એ બરાબર સમજતું નથી એમ તમને લાગે અથવા તમારી લાગણીનો તે પ્રતિસાદ નથી આપતું એમ તમને લાગે તો રિસ્ક છે

પ્રતીકાત્મક તસવીર

હું કૉલેજમાં ભણું છું. મારો નાનો ભાઈ પાંચ વર્ષનો છે. અમારી વચ્ચે ૧૫ વર્ષનો ફરક છે. અમારા પપ્પા નથી એટલે હું જ તેના માટે ફાધર ફિગર છું. મારા ભાઈનું અમુક પ્રકારનું વર્તન સાવ નૉર્મલ નથી. તે ખૂબ જ ધૂની છે. કોઈ સાથે નજર મેળવીને વાત નથી કરતો. બોલવામાં પણ થોડો ખચકાય છે. જો તેની વાત ન માનો તો ગુસ્સે થઈને બરાડા પાડે છે. પહેલાં અમને લાગતું કે એ એવો જ છે. હમણાં કૉલેજમાં ઑટિઝમ પર એક શેરી નાટક જોયું. શું મારા ભાઈને ઑટિઝમ હોઈ શકે? એવાં કયાં લક્ષણો હોય જેના પરથી તેને માનસિક સમસ્યા છે  મને કઈ રીતે ખબર પડે કે આ તેની નૉર્મલ આદતો છે કે કોઈ તકલીફ?

 

આપણે ત્યાં હજી પણ ઑટિઝમ વિશે પૂરતી જાગૃતિ ન હોવાથી ઘણાં બાળકો નિદાન વગરનાં રહી જાય છે, જેને લીધે તેમના વિકાસ પર ઘણી અસર થાય છે. આદર્શ રીતે બાળક એકથી દોઢ વર્ષનું હોય ત્યાં સુધીમાં તેનું નિદાન થઈ જવું જોઈએ. તમે જે લક્ષણો કહ્યાં એ મુજબ શક્યતા છે કે તેને ઑટિઝમ હોય. પરંતુ જરૂરી નથી કે હોય જ. એટલે તેનું યોગ્ય નિદાન કરવું જરૂરી છે. જોકે જાણીને એ વાતનો આનંદ થયો કે ઑટિઝમ જાગૃતિ માટે શેરી નાટકો થઈ રહ્યાં છે.

બાળક બોલવાનું મોડું શીખે એટલે કે લગભગ ૩ વર્ષની ઉંમર સુધી પણ જો તે ભાંગ્યું-તૂટ્યું બોલતું હોય, જો બાળક તમે જે કહો છો એ બરાબર સમજતું નથી એમ તમને લાગે અથવા તમારી લાગણીનો તે પ્રતિસાદ નથી આપતું એમ તમને લાગે તો રિસ્ક છે. જો બાળક આંખમાં આંખ નાખીને વાત ન કરી શકતું હોય, તમે હાથ હલાવો કે તાળી પાડો તો એવી સાદી ઍક્શન પણ તે કૉપી ન કરતું હોય તો રિસ્ક છે. નાનાં બાળકો જલદી તેમના ઘરની વ્યક્તિથી કે ખાસ કરીને મમ્મીથી અલગ થતી વખતે રડે છે; પરંતુ જો બાળક મમ્મીથી અલગ પડતી વખતે ડર નથી અનુભવતું, રડતું નથી અથવા તો અજાણી વસ્તુ કે વ્યક્તિથી પણ તેને કોઈ ડર લાગતો નથી તો તે બાળકને ઑટિઝમ હોઈ શકે છે. બાળક જો કોઈ અવાજ, સ્પર્શ, દૃશ્ય, ગંધ કે સ્વાદથી ચીડ અનુભવે અથવા ખૂબ જ અન્કમ્ફર્ટેબલ થઈ જાય તો તેને આ રોગ હોવાની શક્યતા છે. 

columnists