15 December, 2025 01:43 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
આજકાલ નવા યુગના જે સ્માર્ટ વજનકાંટા છે એમાં મેટાબોલિક એજ એટલે કે તમારા ચયાપચયની ઉંમર ખબર પડે છે. સાદી ભાષામાં સમજીએ તો શરીરની કામ કરવાની જે સિસ્ટમ છે એ કેટલી વૃદ્ધ થઈ ગઈ છે એ સમજી શકાય છે. તમે ભલે ૨૫ વર્ષના હો પણ જો તમારી લાઇફસ્ટાઇલ ખરાબ હોય તો તમારી મેટાબોલિક એજ ૩૫ની હોઈ શકે છે. મેટાબોલિક એજ વધુ હોવાનો અર્થ શું અને એ કઈ રીતે હેલ્થ પર અસર કરે છે એ આજે સમજીએ.
હેલ્થ સારી હોવી એ એક પ્રાથમિકતા છે જેના માટે દરરોજ નવી જાણકારી બહાર પડતી રહે છે. હેલ્થ માટે નવી-નવી ટેક્નૉલૉજી દરરોજ માર્કેટમાં આવી રહી છે અને આપણને આપણા શરીર વિશે જે ખબર નથી એવી માહિતીઓ આપી શકવાની ક્ષમતા ધરાવે છે. આપણા હૃદયના ધબકારાથી લઈને આપણે કેટલું ચાલીએ છીએ એ જાણવા માટે આપણી પાસે હવે મશીન છે. આજકાલ વેઇટલૉસ ઇન્ડસ્ટ્રીમાં એક મશીન આવ્યું છે જે ઘરે-ઘરે લોકો વસાવી રહ્યા છે એ છે સ્માર્ટ વેઇંગ સ્કેલ એટલે કે સ્માર્ટ વજનકાંટો. એક સમય હતો કે તમારું વજન કેટલું છે એ વ્યક્તિને રેલવે-સ્ટેશન જઈને અથવા તો મેળામાં જઈને ખબર પડતી, કારણ કે એ જગ્યાઓએ મોટા-મોટા વજનકાંટા રાખવામાં આવતા. એ સમયે ડૉક્ટર્સ પાસે પણ વજનકાંટા નહોતા. એ પછી ઘરોમાં સાદા વજનકાંટા લોકો વસાવવા માંડ્યા. જેના ઉપર ચડો તો કાંટો ખસે અને વજન ખબર પડે. એ પછી ડિજિટલ વજનકાંટા આવવા લાગ્યા જે ઘરે-ઘરે લોકો વસાવતા. એ વજનકાંટા પર વજન કરીને જ્યારે તમે ડૉક્ટર પાસે કે ખાસ કરીને ડાયટિશ્યન પાસે જતા ત્યારે તેમની પાસે એક સ્પેશ્યલ સ્કેલ હતો જેમાં ખબર પડતી કે બૉડીનું કમ્પોઝિશન શું છે. એટલે કે શરીરમાં ફૅટની માત્રા કેટલી છે અને કેટલી નહીં અને બીજી ઘણીબધી બાબતો જે ન્યુટ્રિશન-સાયન્સની દૃષ્ટિએ સમજાવી જરૂરી છે. આ સ્કેલ ન્યુટ્રિશનિસ્ટ પાસે એટલે રહેતો કે વ્યક્તિની હેલ્થને વધુ બારીકાઈથી સમજી શકે, પરંતુ હવે આ સ્કેલ ઘરે-ઘરે પહોંચી ગયા છે. ઑનલાઇન જાહેરખબરો જોઈ-જોઈને ૧૦૦૦-૧૨૦૦ રૂપિયાની કિંમતમાં મળતો વજનકાંટો લોકો ઘરે લાવવા લાગ્યા છે. બધાને એમ છે કે પોતાની હેલ્થ વિશે વધુ ખબર પડતી હોય તો શું ખોટું? પણ તકલીફ એ છે કે એ સ્કેલને મોબાઇલ સાથે કનેક્ટ કરીને જે આકલન આપણને મળે છે એનો અર્થ શું છે એ ખબર નથી પડતી. એમાં ઘણુંબધું લખેલું મળે છે. ગ્રાફ હોય, ચાર્ટ હોય, લાલ-લીલાં નિશાન લોકો જોઈ લે છે. થોડું વધુ અને થોડું ઓછું એવું સમજી શકાય એવું સમજી લે છે. આપણે ન્યુટ્રિશન-સાયન્સ ભણ્યા નથી એટલે એ સ્કેલ પર આવેલા આંકડાઓ સમજવા મુશ્કેલ લાગે છે પણ આજે કોશિશ કરીએ એને સરળ રીતે સમજવાની.
આ સ્કેલ્સ પર શું ખબર પડે?
આ સ્માર્ટ સ્કેલમાં એટલે કે આ પ્રકારના વજનકાંટામાં સૌથી પહેલાં ખબર પડે બૉડી કમ્પોઝિશન. બૉડી કમ્પોઝિશનમાં શરીરનાં જરૂરી તત્ત્વો જેમ કે ફૅટ માસ, લીન માસ, મસલ માસ અને બોન માસ કેટલા છે એટલે કે એનું પ્રમાણ કેટલું છે એ ખબર પડે છે. આ સિવાય ફૅટ શરીરમાં અલગ-અલગ પ્રકારની હોય છે. જેમ કે સબક્યુટેનસ ફૅટ, વિસરલ ફૅટ વગેરે. આ ઉપરાંત એમાં બૉડી ફૅટ પર્સન્ટેજ પણ જાણવા મળે છે. એમાં બીજી એક મહત્ત્વની વસ્તુ જાણવા મળે છે એ છે મેટાબોલિક એજ. તમારી ઉંમર અને તમારા શરીરની અતિ મહત્ત્વની સિસ્ટમ ચયાપચયની ઉંમર બન્નેમાં તફાવત હોઈ શકે છે. જેમ કે તમે ભલે ૩૦ વર્ષના હો પરંતુ તમારા શરીરને ચલાવનારી સિસ્ટમની ઉંમર ૪૦ વર્ષ હોઈ શકે છે. આ સ્કેલ પર ચડો એટલે તમને તમારી મેટાબોલિક એજ ખબર પડે છે. આ પૅરામીટરને આજે આપણે સમજવાની કોશિશ કરીએ.
મેટાબોલિક એજ એટલે શું?
મેટાબોલિક એજ એટલે શું એ સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘શરીર એક એવું યંત્ર છે જે આરામ કરતું હોય ત્યારે પણ એને શક્તિની જરૂર પડે છે. એ દરમિયાન વપરાતી કૅલરી દ્વારા ખબર પડે છે કે તમારા શરીરનો બેઝલ મેટાબોલિક રેટ (BMR) શું છે. દરેક વ્યક્તિની ઉંમર પ્રમાણે એક આદર્શ BMR નક્કી થાય છે. સ્કેલ પર તમારો જે BMR હોય એને એની સાથે સરખાવવામાં આવે છે અને એ મુજબ સ્કેલ તમારી મેટાબોલિક ઉંમર બતાવે છે. મૂળભૂત રીતે તમારા શરીરમાં કેટલા સ્નાયુઓ છે અને કેટલી ફૅટ છે એના આધારે એ નક્કી થતું હોય છે. જેના શરીરમાં ફૅટ વધુ એનો અર્થ એમ કે જ્યારે શરીર આરામ કરે છે ત્યારે કૅલરી ઓછી બળે છે એટલે કે તેમનો BMR ઓછો હોય અને જેનો BMR ઓછો હોય તેની મેટાબોલિક એજ વધુ હોય છે.’
કેટલી હોવી જોઈએ?
મેટાબોલિક એજ કેટલી હોવી જોઈએ એ પ્રશ્નનો જવાબ આપતાં ધ્વનિ શાહ કહે છે, ‘જો તમે ૩૦ વર્ષના હો તો આદર્શ રીતે તમારી મેટાબોલિક એજ ૩૦ વર્ષની તો હોવી જ જોઈએ. એનાથી વધુ ન જ હોવી જોઈએ. પરંતુ આજની પરિસ્થિતિ જોતાં કહી શકાય કે તમારી ઉંમર છે એનાથી ઓછી મેટાબોલિક એજ હોય તો વધુ સારું કારણ કે આજકાલ ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ-ડિસીઝ જેવા મેટાબોલિક સિન્ડ્રૉમ વધુ જોવા મળી રહ્યા છે. નાની ઉંમરે હાર્ટ-ડિસીઝ થઈ રહ્યા છે. જો તમે જિનેટિકલી આ રોગ થવાની શક્યતા ધરાવતા હો તો કોશિશ એ જ હોવી જોઈએ કે તમારી મેટાબોલિક એજ તમારી વાસ્તવિક ઉંમર કરતાં નાની હોય. આ રીતે તમે એ રિસ્ક-ફૅક્ટર ઓછું કરી શકો છો.’
કોની વધારે હોય?
જે વ્યક્તિ જાડી છે તેની મેટાબોલિક એજ વધુ હોય એ મૂળભૂત રીતે તો સમજી જ શકાય, પરંતુ એને વધુ સારી રીતે સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘જેને પેટ પર ચરબી હોય, જે વ્યક્તિ એક્સરસાઇઝ ન કરતી હોય, જેની લાઇફસ્ટાઇલ ખરાબ હોય તેની મેટાબોલિક એજ વધુ હોય છે. મેટાબોલિઝમને ઘણા લોકો પાચન સમજતા હોય છે પણ મેટાબોલિક એજને પાચન સાથે સીધો સંબંધ નથી. એટલે કે જેનું પાચન ખરાબ હોય તેની આ એજ વધુ હોય એમ ન સમજી શકાય, કારણ કે એક વજનકાંટો ન સમજી શકે કે તમારું પાચન સારું છે કે નહીં. એના માટે તમને કબજિયાત છે કે નહીં, તમને ખોરાક વ્યવસ્થિત પચે છે કે નહીં એ જાણવા માટે તમને તપાસવા પડે. જો એ એજ ઓછી આવે તો એમ ન સમજતા કે તમારું પાચન સારું છે. એ સમજવાનું છે કે તમે હેલ્ધી છો.’
શું ધ્યાન રાખવું?
મેટાબોલિક એજ વધુ આવે તો જે મૂળભૂત નિયમો છે એ જ ધ્યાન રાખવાના હોય છે. એ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘તમારે પેટની ચરબી દૂર કરવી. એક્સરસાઇઝ રેગ્યુલર કરવી. ખાસ કરીને વેઇટ-ટ્રેઇનિંગ કરવી જરૂરી છે. દરરોજ ૮ કલાકની સારી ઊંઘ કરવી. સ્ટ્રેસને મૅનેજ કરતાં શીખવું અને પોષણયુક્ત ખોરાક લેવો. હેલ્થનાં પૅરામીટર્સ કોઈ પણ રીતે બગડે તો એને ઠીક કરવા માટે આ જ નિયમો છે. એનાથી બહારના કોઈ નિયમ નથી જે તમારી હેલ્થને ઠીક કરી શકે. કોઈ પણ વસ્તુને જાણવાની જિજ્ઞાસા સારી છે. આજકાલ લોકો હેલ્થ બાબતે જાગૃત થયા છે એટલે વધુ ને વધુ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે. એ સારું છે પણ ખરી રીતે જો મૂળભૂત બાબતો જાળવીને શિસ્તબદ્ધ જીવન જીવવા પર ફોકસ કરીએ તો હેલ્થ અચીવ કરવી અઘરી નથી.’
તો તમે હેલ્ધી છો
આજકાલ જાતજાતની ઍપ્સ અને સ્કેલ પર ખુદની હેલ્થ ચકાસવાને બદલે આ પૅરામીટર્સ પણ ચકાસી જુઓ. કોઈ પણ મશીન કરતાં તમારી સમજ તમને વધુ સારી રીતે કહી શકશે કે તમે હેલ્ધી છો કે નહીં. આ પૅરામીટર્સ શું છે એ જાણીએ ધ્વનિ શાહ પાસેથી.
જ્યારે તમને ઊઠવા માટે ૪-૫ અલાર્મની જરૂર ન પડે કે સ્નૂઝ પર અલાર્મ મૂકી દેવું એ તમારી આદત ન હોય.
કોઈ વાર જાગવું પડે કે વધુ કામ કરવું પડે તો પણ ચા-કૉફીના મારા વગર તમે ૪-૫ કલાક કામ ખેંચી શકતા હો.
વર્કઆઉટ કર્યા પછી કે વધુ મહેનત કરી હોય એ દિવસ પછી તમારી રિકવરી ઘણી જલદી આવી જાય. ઘણા લોકોને એક દિવસ વધુ મહેનત કરે અને ૪ દિવસ આરામ કરે એવી હાલત હોય છે. પણ જે હેલ્ધી છે તે બીજા દિવસે પોતાના રૂટીનમાં સેટ થઈ જતા હોય છે.
તમારું પાચન એકદમ સરસ હોય. કોઈ પણ અલગ વસ્તુ જે તમે રૂટીનમાં ન ખાતા હો એ ખાવાથી તમને તરત બ્લોટિંગ થઈ જાય, ગૅસ થઈ જાય કે ઍસિડિટીની બળતરા ચાલુ થઈ જાય એવું ન થાય.
તમે એક ગાઢ ઊંઘ લઈ શકતા હો અને ઊઠો ત્યારે એકદમ ફ્રેશ હો.
કોઈ પણ કામમાં તમે ફોકસ રહીને કામ કરી શકતા હો. વારંવાર તમારું ધ્યાન ભટકતું ન હોય.
જ્યારે તમે ભરપૂર સ્ટ્રેસમાં હો ત્યારે ભાગ્યે જ તમને શુગરનું કે જન્કનું ક્રેવિંગ થાય. અહીં ઇચ્છા નથી કહ્યું, ખૂબ વધુ ક્રેવિંગ જેમાં તે ખાધા વગર રહી ન શકાય એની વાત થાય છે.
તમને મૂડ-સ્વિંગ ભાગ્યે જ થતા હોય. પલ મેં તોલા પલ મેં માશા જેવી હાલત ન હોય.
ઘરમાં બેલ વાગે તો તાત્કાલિક ઊઠીને દરવાજો ખોલવાનું મન થાય. જો તમે આજુબાજુ ઑપ્શન જોતા હો કે કોઈ ખોલી દે તો સારું એનો અર્થ એ છે કે તમે હેલ્ધી નથી.