ધ્યાન કરવાની આદત કેળવવી હોય તો આટલી બાબતો ચોક્કસ જાણો

20 August, 2021 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જો તમે એમ નક્કી કર્યું હોય કે તમે તમારા શરીર અને મનનું વધારે સારી રીતે ધ્યાન રાખવાના છો તો આવું વિચારનારા તમે એકલાં નથી. ઘણા યોગ અને હોમ વર્કઆઉટ્સ કરી રહ્યા છે અને આ સાથે ધ્યાનને પણ ઘણી પૉપ્યુલારીટી મળી રહી છે

પ્રતીકાત્મક તસવીર - આઇ સ્ટૉક

જો તમે એમ નક્કી કર્યું હોય કે તમે તમારા શરીર અને મનનું વધારે સારી રીતે ધ્યાન રાખવાના છો તો આવું વિચારનારા તમે એકલાં નથી. ઘણા યોગ અને હોમ વર્કઆઉટ્સ કરી રહ્યા છે અને આ સાથે ધ્યાનને પણ ઘણી પૉપ્યુલારીટી મળી રહી છે. છતાં પણ જેમણે પહેલાં ક્યારેય ધ્યાન નથી કર્યુ તેવા લોકોને સતત સવાલ રહે છે કે તેની શરૂઆત કેવી રીતે કરવી અને અનુભવ કેવો હશે.ધ્યાન એક એવી પદ્ધતિ છે જેનાથી આપણે કોઇપણ વધારાના સંઘર્ષને જતો કરતાં શીખીએ તથા જાત સાથે ફરી જોડાઇએ જેમાં પ્રેમ, આનંદ અને શાંતિ છે.“ધ્યાન તમને પુરેપુરી રીતે રિલેક્સ કરે છે અને તે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે અનિવાર્ય છે. તેનાથી તાણનું પ્રમાણ પણ ઘટે છે. આમ તો તે શ્વાચ્છોશ્વાસની સાદી પ્રક્રિયા છે. તે એક એવી પ્રવૃત્તિ છે જે તમારા રોજેરોજના રૂટિનમાં લાવવું સહેલું છે.”
ધ્યાન શીખવું સહેલું છે અને તેમાં કેટલીક બહુ જ સીધી સરળ ટેકનિક હોય છે. ધ્યાન શરૂ કરતાં પહેલાં આટલી બાબત સમજવી જરૂરી છે.

પ્રાથમિક બાબતો 

વર્તમાન સમયમાં રોજરોજ ધ્યાન કરવું – ધ્યાન ધરવું કોઇ લક્ઝરી નથી પણ અનિવાર્યતા છે. આપણે ધ્યાનની શક્તિનો ઉપયોગ કરવો જોઇએ જેથી આપણને ખુશહાલ માનસ મળે તથા મનની શાંતિ પ્રાપ્ત થાય. તેનો ધ્યેય છે તમને શાંતિ તથા સ્થિરતા આપવાં, તાણ મુક્ત બનાવવા, કોઇપણ પીડાથી મુક્તિ અપાવવી અને તમારી લાગણીઓની સ્વસ્થતા પણ જાળવવી. કોઇપણ પ્રકારની માનસિક જાગૃતિ મેળવવા માટે પણ ધ્યાન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ધ્યાનને આત્માના ખોરાક તરીકે ઓળખવામાં આવે છે.
ધ્યાન એકાગ્રતા વધારે છે અને તમને વર્તમાન ક્ષણને લઇને વધુ અવેર, સજાગ થાવ છો. જો તમે ધ્યાન આપશો તો મોટે ભાગે માણસનું મન આવતીકાલ અને ગઇકાલ વચ્ચે ઝોલા ખાતું હોય છે.
 આદત કેળવો 
રોજેરોજ ધ્યાન કરવાની આદત  કેળવો, બને તો શરૂઆતમાં અઠવાડિયાના અમુક દિવસો નક્કી કરો. દસકે પંદર મિનીટ ધ્યાન ધરવાથી શરૂઆત કરો. નક્કી કરો કે તમે ક્યાં બેસશો અને તે સ્થળ એવું હોવું જોઇએ કે કોઇ તમને ડિસ્ટર્બ ન કરે, હળવું સંગીત વગાડો જેથી તમને વધુ આનંદમય લાગે. પહેલાં તો શિસ્ત અને સાતત્યની જરૂર પડશે પણ આદત પડી ગયા પછી તમને આ સેલ્ફ લવ પ્રેક્ટિસ તરીકે પણ આ કરવાનું ગમશે
 
મનને શાતા આપે તેવી સુગંધ પસંદ કરો

ધ્યાન માટીનો માહોલ ખડો કરવા માટે તમે ધૂપસળી કે ફ્રેગરન્સ વાળી મિણબત્તીનો ઉપયોગ કરી શકો છે જે મૂડને બહેતર બનાવે છે. કપૂરની પણ એવી સુગંધ હોય છે જે તમારા મૂડને એક નવા સ્તર પર લઇ જાય. ઐતિહાસિક સમયથી કપૂરની ઔષધિય ખૂબીનું મહત્વ રહ્યું છે. આયુર્વેદમાં ધૂપનું મહત્વ રહ્યું છે. કપૂરવાળી ધૂપસળીથી હકારાત્મક માહોલ સર્જાય છે અને મનની તાણ ઘટે છે, ચિંતાનું દબાણ ઓછું થાય છે.

 તમારા શ્વાસને અનુભવો

તમારા શ્વાચ્છોશ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરો. તમારું મન શરૂઆતમાં આઘું પાછું થઇ શકે છે પણ થોડી ક્ષણો પછી તમે તમારા શ્વાસ પર ફરી ધ્યાન લાવો. તમને ખ્યાલ આવશે કે ધ્યાન ધરવાને વિચારો બંધ કરવા સાથે સંબંધ નથી, તમારું મન અચાનક જ વિચારવાનુ બંધ નહીં કરી શકે અને અચાનક જ વિચારોથી મુક્ત નહીં થઇ જાય. તેને બદલે ધ્યાન ધરવાથી તમે તમારા વિચારો પ્રત્યે વધુ સજાગ બનશો અને સમયાંતરે તેની પર નિયંત્રણ પણ લાવી શકશો.

એક વાર શરૂ કર્યા પછી છોડી ન દેશો 

કશું પણ નવું શરૂ કરવું સહેલું હોય છે જેમ કે નવું ડાયેટ, નવી એક્સર્સાઇઝ કે નવી હોબી પણ તેમાં સાતત્ય જાળવવું સહેલું નથી હોતું. તેમાં સાતત્ય જળવાય તે માટે તમે શા માટે ધ્યાન કરવાનું શરૂ કરી રહ્યા છો તેની સ્પષ્ટતા રાખો. તમે તમારા ધ્યાનના સેશનમાં આ સ્પષ્ટતા લાવશો તો તેમાંથી શું મેળવશો તેનો પણ તમને ખ્યાલ આવશે. તેમાંથી તમને ખુશી મળી શકે છે, શાંતિ અનુભવી શકાય છે, એકાગ્રતા વધે છે અને કામને મામલે તમે વધુ પ્રોડક્ટિવ થઇ શકો છો.

 

health tips