યોગથી ડરશે કોરોના

10 September, 2020 11:36 AM IST  |  Mumbai | Ruchita Shah

યોગથી ડરશે કોરોના

યોગ સાયન્સ ઑફ માઇન્ડ છે. તમારા મગજનું વિજ્ઞાન.

એવું કોરોના સર્વાઇવરો કહે છે. એવા લોકો જેમણે  આ વાઇરસનાં વિવિધ લક્ષણોને યોગ-પ્રાણાયામ દ્વારા  પણ માત આપી છે. પોતાના અનુભવોને શૅર કરતી વખતે આ સર્વાઇવરોએ  શું - શું કહ્યું એ વાંચો...

શ્રદ્ધાથી પથ્થરની મૂર્તિમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય છે, પરંતુ શ્રદ્ધા અને વિજ્ઞાન જ્યારે સાથે મળી જાય પછી તો પૂછવું જ શું. વિજ્ઞાનમાં શ્રદ્ધાથી એની અસરમાં ફરક પડે જ છે. એટલે જ મેડિકલ ફીલ્ડમાં પ્લેસિબો ઇફેક્ટનો જન્મ થયો હશે. કૅલ્શિયમની ગોળી પેઇન કિલર સમજીને ખાઓ અને ખરેખર પેઇન કિલ થઈ જાય એ શ્રદ્ધાને કારણે સર્જાયેલો ચમત્કાર છે. આપણા માઇન્ડની ક્ષમતાઓ અકલ્પીય અને શબ્દાતીત છે જેની ગુથ્થીઓ ઉકેલવામાં માનવજાત હજી અબજો વર્ષ કામ કરશે તો પણ ઓછાં પડશે. અને યોગ સાયન્સ ઑફ માઇન્ડ છે. તમારા મગજનું વિજ્ઞાન. કોરોનાના કઠિન સમયમાં યોગને કારણે તન, મન અને ધન એમ ત્રણેયનું જતન શક્ય બન્યું છે એવું કોરોના સામે જંગ જીતેલા કેટલાક લોકો પોતાના અનુભવોને આધારે કહે છે. શું છે તેમની વાત એ જાણીએ તેમની જ પાસેથી.

હજી પણ રિપોર્ટ પૉઝિટિવ, પણ કોરોનાનો ડર યોગને કારણે ભાગી ગયો છે


ગોરેગામમાં રહેતી અને જ્વેલરી ફર્મમાં કામ કરતી સુરુચિ નાગડાના પરિવારના પાંચ સભ્યોમાંથી અત્યારે ચાર સભ્યોને કોરોના છે, જેમાં તેમની પાંચ વર્ષની દીકરી પણ છે. આજે તેમની ટેસ્ટ થયાને દસમો દિવસ છે. કોરોના ડિટેક્ટ થયાના લગભગ ત્રણેક દિવસ બાદ સુરુચિ અને તેના હસબન્ડે પ્રાણાયામ અને બ્રીધિંગ એક્સરસાઇઝ શરૂ કરી દીધી હતી. સુરુચિ કહે છે, ‘મારા યોગ ટીચર દેવાંગ શાહ પાસે અમે ઑનલાઇન ક્લાસ ચાલુ રાખ્યા છે અને ડેફિનેટલી યોગ, પ્રાણાયામ અને મેડિટેશનથી મને મારી મેન્ટલ સ્ટેટમાં અને બ્રીધિંગમાં બહુ જ ફરક દેખાય છે. યોગ અને હર્બલ ટી આ બે જ ઇલાજ ચાલુ છે અને હવે સિમ્પટમ્સ ઓછાં થઈ ગયાં છે એટલે ડેફિનેટલી અમારા નેક્સ્ટ રિપોર્ટ નેગેટિવ જ આવશે. સૌથી પહેલાં મારા હસબન્ડને તાવ આવ્યો હતો. પછી મને, મારી દીકરીને અને મારા સસરાને માથું દુખવું, માઇલ્ડ તાવ, ખાંસી જેવાં અમુક લક્ષણો દેખાયાં. સાચું કહું તો નાનું બાળક હોવાને કારણે હું ખૂબ જ ડરી ગઈ હતી. ખૂબ જ ઍન્ગ્ઝાયટી થઈ રહી હતી જેમાં યોગે ભરપૂર સપોર્ટ આપ્યો છે. માનસિક રીતે મને પ્રાણાયામ અને મેડિટેશનને કારણે ખૂબ હિંમત મળી છે. અત્યારે ઑફિશ્યલી હું કોરોના પૉઝિટિવ છું અને મારા પરિવારના બીજા ત્રણ સભ્યો પણ એમાં છે. છતાં હવે શું થશે એનો ડર નથી. જાણે અમે જંગ જીતી ગયાં છીએ એવો આત્મવિશ્વાસ અને હકારાત્મકતા જગાડવામાં મારી દૃષ્ટિએ યોગનો બહુ મોટો રોલ છે.’

યોગ અને કાઢો આ સિવાયની કોઈ અન્ય દવા વિના ઘરના અડધો ડઝન લોકો કોરોના સામે જંગ જીત્યા છે


ઘાટકોપરમાં રહેતી હિના ઠક્કરે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હવે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે. જોકે બે મહિના પહેલાં હિના અને તેના પિરવારે જબરી તકલીફોનો સામનો કરી લીધો છે. હિના, તેના હસબન્ડ, તેના દિયર, સાસુ-સસરાનો કોવિડ પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આખો પરિવાર કોવિડયુક્ત અને અત્યારે બધાં જ સ્વસ્થ છે. પૂરા આત્મવિશ્વાસ સાથે હિના બધી જ ક્રેડિટ યોગને આપે છે. તે કહે છે, ‘મને આમ પણ યોગનો ક્રેઝ પહેલાંથી જ છે, પરંતુ આ વખતે મેં એની રિયલ ટાઇમ ઇફેક્ટ જોઈ છે. કોરોના પૉઝિટિવ આવ્યા પછી કોઈ પ્રાણાયામમાં શ્વાસ રોકવાનો હોય તો પહેલી વાર પાંચ સેકન્ડ પણ શ્વાસ રોકાતો નહોતો. ખૂબ વીકનેસ આવી ગઈ હતી. પ્રાણાયામ કરતાં અમે થાકી જતાં હતાં. પરિવારમાં બધાં એકબીજાને હિંમત આપીને મોટિવેટ કરીને અમારી પ્રૅક્ટિસમાં બ્રેક ન પડે એનું ધ્યાન રાખતાં હતાં. રોજ સવાથી દોઢ કલાકમાં યોગ પ્રૅક્ટિસનું જ પરિણામ છે કે માત્ર બે કે ત્રણ દિવસમાં અમને અમારાં લક્ષણોમાં નોંધનીય ફેરફાર દેખાયો હતો. કોઈ જ દવા નહીં. મારા હસબન્ડે બે વાર માત્ર ક્રૉસિન લીધી હતી. યોગ અને સવારે કાઢો આ બે વસ્તુએ અમને ખૂબ મદદ કરી. શરૂઆતમાં કદાચ નહીં થાય, થાક લાગશે અને સૂઈ રહેવાનું મન થશે પરંતુ છતાંય હિંમત નહીં હારતા અને કરજો જ. ધીમે-ધીમે તમને તમારો સ્ટૅમિના વધતો દેખાશે. ઇમ્યુનિટી, ઑક્સિજન લેવલ, બ્લડ-સર્ક્યુલેશન વધશે. લંગ્સની કૅપેસિટી સુધરેલી જણાશે. અમે શરૂઆત એક સૂર્ય નમસ્કારથી અને થોડીક બ્રીધિંગ એક્સરસાઇઝ અને પ્રાણાયામથી કરી હતી. અમને કપાલભાતિ કરવામાં તકલીફ નહોતી પડતી, કારણ કે એમાં શ્વાસ લેવાનો નથી હોતો; પણ છોડવાનો હોય છે. પરંતુ ભસ્ત્રિકામાં થોડીક તકલીફ પડી રહી હતી જે પણ ત્રણ-ચાર દિવસમાં દૂર થઈ જશે. યોગ તમારી ફિઝિકલ અને મેન્ટલ બન્ને હેલ્થને ખૂબ જ ઇફેક્ટિવ રીતે સુધારે છે અને આ વાત હું મારા પરિવારના અને અન્ય પણ કેટલાક લોકોના અનુભવ પરથી કહી રહી છું.’

ક્યારેય નહોતા કર્યા એ યોગની ડાયરેક્ટ ઇફેક્ટ જોઈ લીધી


નવજીવન સોસાયટીમાં રહેતા અને લાઇટિંગનું કામ કરતા ૫૮ વર્ષના અતુલ શાહને ક્યારે મલેરિયામાંથી કોરોનાએ ભરડામાં લઈ લીધા એની ખબર જ ન પડી. ભયંકર વીકનેસ અને શ્વસનમાં તકલીફ, ખાંસી જેવાં લક્ષણો હતા. ડાયાબિટીઝ અને હાઈ બીપી પછી પણ તેમણે કોરોનાને માત આપી છે એની પાછળના કારણ વિશે અતુલભાઈ કહે છે, ‘યોગ વિશે સાંભળ્યું હતું, પણ કરવાનું ક્યારેય મન નહોતું થયું. જોકે મલેરિયામાંની ટ્રીટમેન્ટ હજી ચાલુ જ હતી ત્યાં મારો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યા. ડર તો હતો. ખૂબ કફ નીકળતો હતો. લગભગ ત્રણ દિવસ હૉસ્પિટલની દવા લઈ લીધી હતી. તાવ નહોતો. હૉસ્પિટલમાંથી મને રજા આપવામાં આવી. ઘરે આવ્યા પછી શરદી અને ખાંસી માટે મેં યોગ ચાલુ કર્યા. પ્રાણાયામ જોઈ-જોઈને કરતો. ગરદનની કસરત કરતો. શરૂઆતમાં કરવામાં તકલીફ પડતી, પરંતુ પછી ખૂબ જ સારું લાગે. પ્રાણાયામ અને યોગનાં અમુક આસનો કર્યા પછી પહેલા ત્રણ કલાક તો જાણે કફ હતો જ નહીં એવા જાય. પછી ધીમે-ધીમે કફ પાછો છૂટો પડે. પહેલા તો હું એક વાક્ય આખું બોલી ન શકું. હાંફ ચડે અને ખાંસી ચાલુ થઈ જાય. હવે એમાંથી છુટકારો મળી ગયો છે. રોજનો અડધો કલાક હું યોગ-પ્રાણાયામ કરું છું. આની પહેલાં જીવનમાં આ બધું ક્યારેય નહોતું કર્યું, પરંતુ હવે ફાયદો થઈ રહ્યો છે એટલે કરવાનું મન પણ થાય છે.’

૭૫ વર્ષે કોરોના સામે જંગ જીતવા પાછળ પ્રાણાયામ જ જવાબદાર


કાંદિવલીમાં રહેતા કાંતિલાલ સાલવી આ દૃઢતાપૂર્વક માને છે. તેમની દૃષ્ટિએ વર્ષોથી જે યોગ કર્યા છે એને કારણે શરીરનો રેઝિસ્ટન્સ પાવર એવો વધી ગયો કે કોરોના શું કોરોનાના બાપુજી આવે તોય ટકી ન શકે. કાંતિલાલભાઈ કહે છે, ‘આમ તો હું કૉલેજ ટાઇમથી યોગ કરું છું પરંતુ વચ્ચે-વચ્ચે ક્યારેક રહી જતું. મને હકીકતમાં થોડાક સમય પહેલાં જ ડાયાબિટીઝ ડિટેક્ટ થયો અને સાથે પેટમાં પણ થોડીક ગરબડ ચાલી રહી હતી. ટ્રીટમેન્ટ દરમ્યાન ડૉક્ટરે જ સલાહ આપી કે તમારી કોરોના ટેસ્ટ એક વાર કરાવી નાખો. ટેસ્ટ કરાવી. બીજે દિવસે બીએમસીમાંથી ફોન આવ્યો કે તમારા રિપોર્ટ પૉઝિટિવ છે. મને ખાસ કોઈ લક્ષણો નહોતાં. મારે આઇસોલેશન સેન્ટરમાં જવું પડ્યું. નિયમ પ્રમાણે દસ દિવસ રહ્યો અને હજી હમણા જ ડિસ્ચાર્જ લઈ ઘરે આવ્યો છું. રોજ સવારે એકથી દોઢ કલાક અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરતો હતો. થોડાંક લક્ષણો દેખાયાં અને ક્યાં ગાયબ થઈ ગયાં એની મને પણ ખબર નથી પડી. ગરમ પાણી અને ત્રણ દિવસ ડૉક્ટરની દવા અને યોગ રોજ. એને કારણે મારામાં હિંમત ખૂબ વધી. આ ઉંમરે પણ હું દોડી શકું છું એ યોગની જ દેન છે.’

યોગ એટલે એક કલાક જીવનને રીચાર્જ કરવાનો સમય


મીરા રોડમાં રહેતા પરિમલ શાહ અત્યારે કોરોના સર્વાઇવર તરીકે ઘણાખરાને એક્સપર્ટ ઍડ્વાઇઝ આપી રહ્યા છે. શૅરબજારનું કામ કરતા ૪૬ વર્ષના પરિમલભાઈ છેલ્લા પંદર દિવસમાં કોરોના થયા પછી તેને હરાવીને બરાબર જંગ જીતી ગયા છે. પરિમલભાઈ કહે છે, ‘ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છું એ માટે પોતાને નસીબદાર ગણું છું. આપણી ખાણીપીણીની આદતો, યોગ અને ધ્યાન જેવી બાબતોએ કોરોના સામેના જંગમાં ખૂબ મોટો સપોર્ટ આપ્યો છે. સાચું કહું તો હું કંઈ એવો યોગનો ફૅન ક્યારેય નહોતો. જોકે આ વખતે આઇસોલેશન સેન્ટરમાં કરવા જેવું કંઈ જ નહોતું અને જલદી સાજા થવાની ઝંખનાને કારણે જે સૂઝ્યું એ બધું જ કર્યું. એમાં જ મને એની પ્રભાવકતા સમજાઈ. વીકનેસ, તાવ અને શ્વસનમાં તકલીફ જેવાં સામાન્ય લક્ષણોમાં બ્રીધિંગ એક્સરસાઇઝ અને પ્રાણાયામ ખૂબ હેલ્પ કરે છે. મારી પર્સનલ વાત કરું તો કપાલભાતિ, અનુલોમ-વિલોમ અને ભસ્ત્રિકાએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે. લંગ્સ ઇન્ફેક્શનમાં આ પ્રૅક્ટિસ બાદ સીધી અસર હું અનુભવી શકતો હતો. અત્યારે લગભગ વીસથી પચીસ મિનિટ હું પ્રૅક્ટિસ નિયમિત કરું છું. કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાથે પૂરતી સાવધાનીઓ રાખવી પણ એટલું જ જરૂરી છે.’

health tips yoga ruchita shah