04 March, 2026 01:23 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
ખૂબ જ ઝડપથી વધી રહેલો ઓબેસિટીનો વ્યાપ આપણા માટે અતિ વિકટ પ્રશ્ન સાબિત થઈ રહ્યો છે ત્યારે સમજવાની કોશિશ કરીએ કે ભારતમાં ઓબેસિટીનું પ્રમાણ વધવા પાછળ કયાં કારણો જવાબદાર છે. આમ તો શરીરમાં કોઈ પણ જગ્યાએ જમા થતી ફૅટ હાનિકારક જ છે, પરંતુ ભારતીયો ખાસ કરીને સેન્ટ્રલ ઓબેસિટીના શિકાર થઈ રહ્યા છે. પેટ પર જમા થતી ફૅટ આપણને જુદા-જુદા રોગો તરફ ધકેલે છે. આજે વર્લ્ડ ઓબેસિટી દિવસ નિમિત્તે સમજીએ કે ઓબેસિટી કયા પ્રકારની ચૅલેન્જિસ લઈને આપણી સામે ઊભી છે અને એ માટે આપણે શું કરી શકીએ...
દુનિયામાં ૧૦૦ કરોડ લોકો આજે ઓબેસિટીના શિકાર છે. આંકડાઓ કહે છે કે ૨૦૩૫ સુધીમાં અડધું વિશ્વ ઓબેસિટીનું શિકાર હશે. આજે વિશ્વમાં ૮ બિલ્યન એટલે કે ૮૦૦ કરોડ લોકોની વસ્તી છે. ફક્ત ૯-૧૦ વર્ષની અંદર ૪૦૦ કરોડ લોકો ઓબીસ હશે. જે હરણફાળે ઓબેસિટીની માત્રા વધી રહી છે એ સૌથી વધુ ચિંતાજનક છે. જો દસ વર્ષમાં સો કરોડના ચારસો કરોડ થઈ જતા હોય તો બીજાં દસ વર્ષમાં શું આખી પૃથ્વી ઓબેસિટીની શિકાર બની જશે? આ આંકડાઓ અને પરિસ્થિતિ આપણે ધારીએ એના કરતાં ઘણી વધુ ગંભીર છે. આ વર્ષે આજના દિવસે ઓબેસિટી દિવસ ઊજવાઈ રહ્યો છે એની થીમ છે, ‘ઓબેસિટી પર ઍક્શન લેવા માટેનાં ૮ બિલ્યન કારણો.’ પૃથ્વી પર રહેતી દરેક વ્યક્તિ પર જ્યારે આ રિસ્ક તોળાઈ રહ્યું છે તો એ દરેક વ્યક્તિ જ પોતે કારણ છે કે આપણે આ રોગ સામે લડીએ. આજે સમજવાની કોશિશ કરીએ કે કેમ આ રોગ આપણને બધાને સામૂહિક રીતે ભરડામાં લઈ રહ્યો છે.
આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં ભારતમાં ઓબેસિટી કોઈ મોટો પ્રશ્ન હતો જ નહીં, ઊલટું આપણે માનતા હતા કે આપણો દેશ તો ગરીબ છે. અહીં કુપોષણ એક મોટો પ્રશ્ન છે. જ્યાં લોકોને ખાવાનું પૂરતું મળતું નથી ત્યાં ઓબેસિટી જેવો તો પ્રશ્ન જન્મતો જ નથી. એ સમયે અમેરિકામાં ઓબેસિટી એક મુખ્ય પ્રશ્ન હતો. પરંતુ સમય બદલાયો અને ખૂબ ઝડપથી બદલાયો. આપણું જીવન અને એ જીવનને જીવવાની શૈલી બધું પાશ્ચાત્ય બનતું ચાલ્યું એટલે આપણને પણ ત્યાંના રોગોએ ભરડો લીધો. એ લીધો તો ખરો પરંતુ વધુ આક્રમકતા સાથે લીધો. આવું કેમ થયું એ સમજાવતાં ‘હાર્ટસ્ટ્રૉન્ગ’ પુસ્તકના લેખક અને કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. કૌશલ છત્રપતિ કહે છે, ‘શરીર એક એવું યંત્ર છે જે બાહ્ય પરિસ્થિતિ સાથે બદલાતું રહે છે અને પોતાને એમાં ઢાળતું રહે છે. ભારતમાં એક સમયે ભૂખમરો હતો અને દુષ્કાળ સામે આપણે ઝઝૂમતા રહેતા હતા. ત્યારે શરીરને એ ખબર પડી કે મને જ્યારે જોઈએ ત્યારે ખાવાનું મળશે એવું નથી એટલે શરીરની પ્રકૃતિ બની કે એણે ફૅટને સ્ટોર કરવાનું શરૂ કર્યું. એનું કારણ છે કે એને જ્યારે જરૂર પડે ત્યારે એ ફૅટમાંથી એનર્જી રૂપાંતરિત કરીને વાપરી શકે. શરીર વિજ્ઞાનના સંદર્ભમાં આ આપણો જિનેટિક મેકઅપ ગણાય. ભારતીય શરીર ફૅટને સ્ટોર કરવાની પ્રકૃતિ ધરાવે છે કારણ કે આપણા સ્નાયુઓ નબળા છે. જો આપણે ધ્યાન નહીં રાખીએ તો વજન વધતાં જરાય વાર નહીં લાગે એ પ્રકારનો આપણો બાંધો છે.’
આપણા વડવાઓ પણ આ જ પ્રકારના જીન્સ ધરાવતા હતા. એ સમયે કેમ લોકો આ જ જીન્સ સાથે ઓબીસ નહોતા? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. કૌશલ છત્રપતિ કહે છે, ‘આપણા વડવાઓનું શરીર ફૅટ સ્ટોર કરે એવું જ હતું પરંતુ તેઓ દર અઠવાડિયે બહાર જમતા નહોતા. તેઓ ઘરનું ખાવાનું ખાતા હતા. તેમના જીવનમાં જન્ક ફૂડ કે ફાસ્ટ ફૂડ જેવું કંઈ નહોતું. તેમના જીવનમાં અત્યારે આપણને છે એટલું અને એવું સ્ટ્રેસ નહોતું. તેઓ પરિશ્રમી હતા. નાનાં-મોટાં કામો માટે મશીનો પર તેમનું અવલંબન નહોતું. તે બધું જાતે જ કરતા હતા. તેઓ રાત્રે ૧૦ વાગ્યે સૂઈ જતા હતા. રાત-રાતભર પાર્ટીઓ નહોતા કરતા. આ ઉપરાંત આલ્કોહોલનું ચલણ આજે જેટલું વધ્યું છે ત્યારે નહોતું. છેલ્લાં ૩૦ વર્ષમાં લોકોની લાઇફસ્ટાઇલ ઘણી બદલાઈ ગઈ છે. એટલે જ ભારતમાં આ ૩૦ વર્ષમાં ઓબેસિટીનું પ્રમાણ વધી ગયું છે. જે લાઇફસ્ટાઇલને કારણે અમેરિકામાં ઓબેસિટી હતી આપણે એ કલ્ચર અપનાવી લીધું છે એટલે આપણે ત્યાં પણ આ રોગ આવી ગયો છે. ભારત આજે ઓબેસિટી, ડાયાબિટીઝ અને મેટાબોલિક સિન્ડ્રૉમના દરેક ડિસીઝમાં અમેરિકા કરતાં ઘણું આગળ જતું રહ્યું છે.’
આમ તો શરીરના કોઈ પણ ભાગ પર જમા થતી ચરબી શરીર માટે ખરાબ જ માનવામાં આવે છે પરંતુ પેટ પર જમા થતી ચરબી સૌથી ખરાબ મનાય છે કારણ કે પેટ પર જ નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર, કિડની વગેરે અંગો આવેલાં છે. પેટ પર જે ચરબી જમા થાય છે એ આ અંગોની ઉપર જામેલી ચરબી છે જે આ બધાં જ અંગોની સાથે-સાથે સમગ્ર શરીરને ઘણું વધારે નુકસાન પહોંચાડી શકે છે. ફાંદ ધરાવતી વ્યક્તિ કયા-કયા પ્રૉબ્લેમ્સનો શિકાર બની શકે છે એ સમજાવતાં ગાડગે ડાયાબિટીઝ સેન્ટર, બોરીવલી, ગોરેગામના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘જેના પેટ પર વધુ ચરબી હોય તેવી વ્યક્તિમાં કૉલેસ્ટરોલ, ખાસ કરીને સારી કક્ષાના કૉલેસ્યરોલની કમી હોય છે. વળી તેમને હાઈ બ્લડપ્રેશરનો પ્રૉબ્લેમ પણ હોય છે. આવાં કારણોને લીધે તેમનામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પેદા થાય છે અને તેઓ ડાયાબિટીઝનો શિકાર બને છે. આવા લોકો પર હાર્ટ-ડિસીઝનો ખતરો સામાન્ય લોકો કરતાં ઘણો વધારે જોવા મળે છે. આવી વ્યક્તિઓને સ્લીપ ઍપ્નીઆ પણ થઈ શકે છે. મહત્ત્વની વાત એ છે કે આ બધી જ કન્ડિશન વ્યક્તિમાં એકસાથે જોવા મળે છે. એટલે કે જેવી પેટની ચરબી વધે કે એની સાથે-સાથે આ બધા પ્રૉબ્લેમ્સ અચાનક જ શરીરમાં ચાલુ થઈ જાય છે. એવી કોઈ વ્યક્તિ જોવા નહીં મળે જેને ફાંદનો પ્રૉબ્લેમ હોય અને આ બધા પ્રૉબ્લેમ્સથી દૂર રહી તે એક હેલ્ધી લાઇફ જીવતી હોય. કોઈ ને કોઈ પ્રૉબ્લેમ તેના શરીરમાં શરૂ થઈ જ જાય છે, જે બીજા પ્રૉબ્લેમ્સને આમંત્રે છે. આને અમે મેડિકલ ભાષામાં મેટાબોલિક સિન્ડ્રૉમ કહીએ છીએ. ભારતીય લોકોમાં આ તકલીફ, જેને સેન્ટ્રલ ઓબેસિટી કહે છે એ ઘણી વધુ માત્રામાં જોવા મળે છે.’
ઓબેસિટી જયારે આજના સમયના મુખ્ય હેલ્થ પ્રૉબ્લેમ્સમાંનો એક બની ગયો છે ત્યારે બાળકો પણ આ પ્રૉબ્લેમમાંથી બાકાત નથી. વિકસિત દેશોની હરોળમાં આવતા આપણા દેશમાં વિકસિત દેશો જેવા પ્રૉબ્લેમ્સ પણ ચાલુ થઈ ગયા છે અને એમાંનો એક પ્રૉબ્લેમ છે ચાઇલ્ડહુડ ઓબેસિટી. બાળકો વધુ ખાતાં હોય, પ્રમાણમાં જાડાં હોય તો એ એક પ્રૉબ્લેમ છે એવું આજે પણ ઘણા લોકો સ્વીકારતા નથી. મોટા ભાગના લોકો માને છે કે મોટા થઈને તે પાતળા થઈ જશે. પરંતુ એવું હોતું નથી. એક અમેરિકન આંકડા મુજબ ૮૦ ટકા મેદસ્વી બાળકો યુવાન થયા પછી પણ મેદસ્વી જ રહે છે. વળી બાળકોમાં ઓબેસિટી થોડા જુદા પ્રૉબ્લેમ્સ લાવે છે. બાળપણનાં વર્ષો વિકાસનાં વર્ષો ગણાતાં હોય છે. બાળકનો શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ થવાનાં આ વર્ષો છે. તેમને શ્વાસ સંબંધિત તકલીફો, હાડકાં સંબંધિત તકલીફો આવી શકે છે. તરુણ વયે પણ બાળકોમાં બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલ જેવા પ્રૉબ્લેમ, છોકરીઓમાં પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ જોવા મળે છે. ઓબેસિટી બાળકના શારીરિક જ નહીં, બાળકના માનસિક વિકાસને પણ અસર કરે છે.
સાયન્સ કહે છે કે બાળકોમાં ઓબેસિટીની તકલીફ મોટા ભાગે જિનેટિક હોય છે. આ વાતને સમજાવતાં પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘સમજવા જેવી વાત એ છે કે બાળકમાં ઓબેસિટીના જીન્સ હોય પરંતુ એ જીન્સને ઍક્ટિવ કરવા માટે એન્વાયર્નમેન્ટ મળે ત્યારે જ એ જીન્સ રોગ માટેનું કારક બનતું હોય છે. આજકાલનાં બાળકોનું જીવન બેઠાડુ બનતું જાય છે. ભણવાનું એટલું વધી ગયું છે કે રમવાનો સમય નથી. આ સિવાયની કોઈ ફિઝિકલ ઍક્ટિવિટી પણ તેઓ કરતા નથી. આ સિવાય બાળકોની ફૂડ હૅબિટ્સ ખૂબ જ બગડી ગઈ છે. બહારનો ફૅટ્સવાળો ખોરાક, વધુપડતા ગળ્યા પદાર્થો, ચૉકલેટ્સ, જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાવાની જે આદતો બાળકોમાં જોવા મળે છે એ ઓબેસિટીનાં કારક બને છે.’
બાળકોમાં ટાઇપ-1 ડાયાબિટીઝ જોવા મળે છે એ મોટા ભાગે જિનેટિક હોય છે પરંતુ નાનાં બાળકોમાં ટાઇપ-2 ડાયાબિટીઝ પણ જોવા મળે છે જેની પાછળ તેમની ઓબેસિટી જવાબદાર હોઈ શકે છે એમ સમજાવતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘જો ટાઇપ-2 ડાયાબિટીઝ ન આવે તો ઘણાં બાળકો પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર પહોંચી જાય છે. એટલે કે આવાં બાળકોનું ધ્યાન ન રાખવામાં આવે તો નજીકના ભવિષ્યમાં તેમને ડાયાબિટીઝ ચોક્કસપણે આવી જાય છે. મોટા ભાગનાં ઓબીસ બાળકોમાં આ પ્રૉબ્લેમ આવી જ જતો હોય છે. આજકાલ બાળકોમાં નાની ઉંમરથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જોવા મળે છે જેનો ઇલાજ ન કરવામાં આવ્યો તો થોડાં જ વર્ષોમાં બાળકને ડાયાબિટીઝ આવી જાય છે. આ અતિ મોટી ગંભીર સમસ્યા છે. આ સિવાય તેમના સંપૂર્ણ વિકાસ પર પણ અસર પડે છે.’
બાળકને પહેલેથી ઓબેસિટીથી બચાવવાના દરેક પ્રયત્ન કરવા. ખાસ કરીને જ્યારે ઘરમાં ઓબીસ લોકો હોય ત્યારે એ પ્રયત્ન ડબલ કરી દેવા. એ વિશે વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘શરૂઆતથી બાળકની ફૂડ હૅબિટ્સ હેલ્ધી જ રાખવી. જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ અને કૅલરીયુક્ત ખોરાકથી તેને બનેતેટલું દુર રાખવું. ખોરાક કરતાં તેની ઍક્ટિવિટી પર વધુ ધ્યાન આપો. બનેતેટલું તેને ફિઝિકલી ઍક્ટિવ બનાવો. એ માટે પહેલેથી તેને આઉટડોર ગેમ્સ માટે ઉત્સાહિત બનાવો. જો તમારું બાળક ઓબીસ હોય જ તો ડાયટ અને કસરતની સાથે-સાથે તેને ડૉક્ટરની પણ જરૂર છે એ ભૂલો નહીં, કારણ કે બને કે બાળકની ઓબેસિટી જિનેટિક હોય અને ફક્ત કસરત અને ડાયટથી દૂર ન થાય. બાળક જો પોતાના વજનને લીધે કૉન્શિયસ બની જતું હોય, લોકોથી ભાગતું હોય, કોઈ પણ રીતે તેના ભણતર પર અસર પડી રહી હોય તો ચોક્કસ સાઇકિયાટ્રિસ્ટની મદદ લો. એનાથી તમારા બાળકને મદદ મળી રહેશે જેથી તેના વિકાસમાં આવતી અડચણો દૂર કરી શકાય.’
ઓબેસિટીને ડાયટ અને એક્સરસાઇઝ વડે જ દૂર કરવામાં આવે છે કારણ કે ગમેતેટલા જીન્સને જવાબદાર ગણો, અંતે તો ખોટી લાઇફસ્ટાઇલને કારણે જ વ્યક્તિ ઓબીસ બને છે. બધાને ખબર છે કે લાઇફસ્ટાઇલ સુધારીશું તો રિઝલ્ટ મળશે પરંતુ કેટલા લોકો એને ફૉલો કરીને દૂબળા બની શકે છે? ઓબેસિટી સામે લડવું અઘરું છે, જેના માટે પ્રોફેશનલ મદદ જરૂરી છે. એમ સમજાવતાં ડૉ. કૌશલ છત્રપતિ કહે છે, ‘જે લોકો પોતાના આદર્શ વજનથી ૨૫-૩૦ કિલો જેટલું વધુ વજન ધરાવે છે એ લોકો માટે દૂબળા બનવું જરાય સહેલું નથી. માણસને ૧૦ કિલો સુધી વજન ઓછું કરવું હોય તો પણ આજની તારીખે અઘરું પડે છે. ખૂબ ડેડિકેશન સાથે લાગ્યા પછી પણ રિઝલ્ટ સરળ નથી. ઓબેસિટી દૂર કરવા માટે ડાયટિશ્યન, ટ્રેઇનર, ડૉક્ટર્સ બધાની મદદ લેવી જરૂરી છે. તો જ યોગ્ય રિઝલ્ટ મળતું હોય છે. ઇન્ટરનેટ થકી કે કોઈ ઇન્ફ્લુઅન્સર થકી રિઝલ્ટ મેળવવા ન જાઓ. આજકાલ અમુક દવાઓ આવે છે જે વજન ઉતારવા માટે મદદરૂપ થાય છે. આ દવાઓ ખરેખર ઉપયોગી છે. શરત ફક્ત એ છે કે એને ડૉક્ટરની દેખરેખ હેઠળ જ લેવી જરૂરી છે.’