કૅન્સરની સારવાર ચાલતી હોય એમાં યોગ ઉમેરો તો હેલ્પ કરે?

04 February, 2021 11:37 AM IST  |  Mumbai | Ruchita Shah

કૅન્સરની સારવાર ચાલતી હોય એમાં યોગ ઉમેરો તો હેલ્પ કરે?

ફાઈલ તસવીર

હા કરે. કૅન્સરની વિવિધ ટ્રીટમેન્ટ દરમ્યાન યોગને કારણે લોકોને કેવા-કેવા લાભ થયા છે એ જાણવા માટે અમે કેટલાક કૅન્સર સર્વાઇવર્સ સાથે વાત કરી. એ લોકોનો ફર્સ્ટ હૅન્ડ અનુભવ શું કહે છે એ જાણીએ અને સાથે જ કૅન્સર પેશન્ટ પર યોગની અસર પર ક્લિનિકલ રિસર્ચ કરનારા નિષ્ણાત સાથે પણ વાત કરીએ.

કૅન્સર હવે કૉમન થતું જાય છે અને એની સારવારમાં પણ અનેક નવા-નવા આયામો મેડિકલ સાયન્સ સર કરી રહ્યું છે. છતાં બીમારી એ બીમારી જ છે. આજે પણ આવી કોઈ તકલીફ કોઈના પર આવી જાય ત્યારે લોકો ગભરાઈ જાય છે. યોગ તમારા શરીરના પ્રત્યેક કોષ પર કામ કરે છે. આસનો અને યોગિક સૂક્ષ્મ વ્યાયામ શરીરને લચીલું રાખવા સુધી, બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે, પ્રાણઊર્જામાં રહેલા વિક્ષેપો દૂર રાખવા માટે કામ કરે છે. પ્રાણાયામની વ્યવસ્થિત પ્રૅક્ટિસ તમારા રક્તમાં કેમિકલ ચેન્જ કરવા સમર્થ છે. યોગને રોગના પ્રિવેન્શન રૂપે નિષ્ણાતો જોઈ રહ્યા છે. એટલે જેણે સદૈવ નીરોગી રહેવું હોય તેમણે ઉચિત લાઇફસ્ટાઇલ સાથે નિયમિત યોગને જીવનમાં સ્થાન આપવું જ રહ્યું. છતાં ધારો કે એ પછી પણ કોઈ કારણસર કૅન્સર જેવો રોગ શરીરમાં પેસી જાય ત્યારે તેની સામે ફાઇટ આપવામાં યોગ કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે એ વિશે આજે વર્લ્ડ કૅન્સર ડે નિમિત્તે જાણીએ.

માનસિક સ્થિરતા લાવવામાં ભરપૂર મદદ કરી યોગે

૬૮ વર્ષનાં ખારમાં રહેતાં ભારતી શાહને ૨૦૧૨માં બ્રેસ્ટ કૅન્સર ડિટેક્ટ થયું. ભારતીબહેન કહે છે, ‘યોગ-પ્રાણાયામ તો વર્ષોથી કરું છું. જોકે ૨૦૧૨માં એ પછીયે આ સમસ્યા ડિટેક્ટ થઈ ત્યારે તો મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. બધી ટ્રીટમેન્ટ ચાલુ થઈ. સર્જરી થઈ. કીમો રેડિયેશન ચાલ્યું. એ દરમ્યાન પ્રાણાયામની પ્રૅક્ટિસ ચાલુ રાખી હતી. થોડોક ફરક પડ્યો પછી અમુક આસનો પણ કર્યાં હતાં. પ્રાણાયામથી મારી હાઇપરનેસ ઓછી થઈ. કૅન્સરની ટ્રીટમેન્ટ દરમ્યાન માત્ર શરીર પર જ નહીં પણ માઇન્ડ પર પણ એની આડઅસર દેખાતી હોય છે. પ્રાણાયામે મારા મનને સંભાળી લીધું. એ પછી હાથની અમુક કસરતોને કારણે ટ્રીટમેન્ટ પછી જે બહેનોને હાથમાં સોજા આવી જતા હોય છે એ બાબત મારી સાથે ન થઈ. હવે મારી સ્થિતિ ખૂબ જ બહેતર છે. યોગને કારણે મને વ્યક્તિગત રીતે આવડી મોટી બીમારીને ફાઇટ કરવામાં ખૂબ મોટો લાભ થયો છે.’

પાંચ વર્ષથી કૅન્સર સામેનો જંગ કોઈ જાતના ઊહાપોહ વિના ચાલી રહ્યો છે

ઘાટકોપરમાં રહેતાં ૭૫ વર્ષના દેવયાની જોઈશરને આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે ૭૦ વર્ષની ઉંમરે લંગ્સ કૅન્સર ડિટેક્ટ થયું. પાંચ વર્ષથી પ્રાણાયામ અને બ્રીધિંગ એક્સરસાઇઝ તેઓ કરે છે અને એનાથી તેમને ખૂબ જ સારું પણ લાગે છે એવું પણ કબૂલે છે. તેઓ કહે છે, ‘સતત ખાંસી આવતી હતી. દવા લઉં તો સારું થઈ જાય. ડૉક્ટરને પહેલાં હતું કે મને ટીબી છે. ટીબીની સારવાર તેમણે શરૂ કરી, પરંતુ વર્ષો સુધી કેઈએમ હૉસ્પિટલમાં સોશ્યલ વર્કર તરીકે કામ કર્યું હોવાથી મને ખબર હતી કે ટીબીનાં લક્ષણો શું હોય. પંદર દિવસ દવા લીધી અને મેં જાતે જ બંધ કરી દીધી. બીજા એક ડૉક્ટરને દેખાડ્યું તો તેમણે વધુ ઇન્વેસ્ટિગેશન કરાવતાં ખબર પડી કે લંગ્સમાં ચોથા સ્ટેજનું કૅન્સર છે. સેકન્ડરી હોવાથી સર્જરી ન થઈ શકે. હજી પણ મારી કીમો થેરપી ચાલુ છે. દવાઓ ચાલુ છે અને નિયમિત યોગ ચાલુ છે. આ બધાને કારણે ૬૫ ટકા જેટલો કૅન્સરનો ફેલાવો ઘટ્યો છે અને હવે એ જ રેશિયો સ્ટેબલ છે. યોગને કારણે મારી મૂવમેન્ટને કોઈ તકલીફ નથી પડી. મારું શ્વસન સુધર્યું છે. મેડિટેશનને કારણે મન વધુ સ્થિર બન્યું છે. ચૅન્ટિંગને કારણે મન શાંત થઈ જતું હોય છે. મારા યોગ ટીચર દેવાંગ શાહે ખૂબ વ્યક્તિગત રીતે ધ્યાન આપીને મને પ્રૅક્ટિસ શીખવી છે. યોગને કારણે આખો દિવસ સ્ફૂર્તિ લાગે છે. એનર્જીલેસ ફીલ નથી થતું. ઘણી વાર માથું દુખતું હોય અને ધ્યાન કરું તો એમાં ફરક પડે છે. સાઇક્લિંગ પણ કરું છું. આ બધાને કારણે કૅન્સર સાથે પણ મજાથી જીવી રહી છું. સ્કિન રૅશિસ સિવાય કૅન્સરની કોઈ જ આડઅસર મારા પર થઈ નથી. લાઇફ એકદમ નૉર્મલ છે. હું બધાને જ કહીશ કે યોગને જીવનમાં સ્થાન આપજો. ધારો કે તમે કોઈને વ્યક્તિગત રીતે ઘરે બોલાવીને યોગ કરવાનું અફૉર્ડ ન કરી શકો તો કોઈ ગ્રુપ ક્લાસમાં જોડાઈ જાઓ, પણ યોગ અવશ્ય કરો. એ તમને અનેક રીતે ફાયદો કરશે, તમારી સારવારમાં અને સારવાર પછીની આડઅસરોને ઓછી કરવામાં.’

કૅન્સર મટ્યા પછી શીર્ષાસન કરવાનું શીખ્યાં આ બહેન

મુલુંડમાં રહેતાં મીના શાહને સાતેક વર્ષ પહેલાં બ્રેસ્ટ કૅન્સર ડિટેક્ટ થયું. તરત જ ડાયગ્નોઇઝ થવાને કારણે કૅન્સર વધુ સ્પ્રેડ થાય એ પહેલાં જ ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. ટ્રીટમેન્ટમાં યોગને સામેલ કર્યા પછી તેમને ખૂબ ફાયદો થયો. તેઓ કહે છે, ‘એક્સરસાઇઝ અને યોગ વગેરે તો હું પહેલાંથી જ કરતી હતી. એમાં જ કડક ગાંઠ જેવી બાબત પર મારું ધ્યાન ગયું. ડૉક્ટર પાસે જઈને મૅમોગ્રાફી વગેરે કરાવ્યું તો ફર્સ્ટ સ્ટેજનું કૅન્સર ડિટેક્ટ થયું હતું. છ મહિના મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી. સર્જરી બાદ રૂઝ આવી એટલે પાછા યોગ ચાલુ કર્યા. ધીમા ઊંડા શ્વાસ લેવાનું વગેરે તો હું પહેલેથી જ કરતી હતી. ટ્રીટમેન્ટ દરમ્યાન પણ અમુક પ્રાણાયામ ચાલુ હતા. એ બધાને કારણે જ મારું હીલિંગ સ્પીડમાં થયું અને મારા કૉન્ફિડન્સમાં કોઈ કમી ન આવી. માનસિક રીતે સ્ટેબલ રહેવામાં યોગ અને યોગિક પ્રૅક્ટિસે મને ખૂબ સપોર્ટ કર્યો એમ હું કહી શકું છું. હવે તો હું અઘરાં કહેવાય એવાં આસનો પણ કરું છું. શીર્ષાસનની મારી પ્રૅક્ટિસ પણ ચાલુ છે.’

૬૬ વર્ષ સુધી માથું પણ નથી દુખ્યું અને અચાનક કૅન્સર ડિટેક્ટ થયું

બોરીવલીમાં રહેતાં નીના શાહને ૬૬ વર્ષની ઉંમર સુધી માથું પણ દુખવા નથી આવ્યું, પરંતુ બે વર્ષ પહેલાં અચાનક ઓવરીનું કૅન્સર ડિટેક્ટ થયું. તેઓ કહે છે, ‘સ્વાભાવિક છે કે શરૂઆતમાં ખૂબ આઘાત લાગ્યો. પેટમાં પાણી ભરાઈ ગયું હતું. તપાસ કરતાં ખબર પડી કે ઓવરીમાં કૅન્સર છે. ૧૪ મહિના લડત ચાલી. ૨૭ કીમો થેરપી લીધી. હજી પણ અમુક દવાઓ ચાલુ જ છે. હેવી ડોઝની દવાઓને કારણે એની શરીર પર આડઅસર પણ થાય. જોકે પરિવારનો ભરપૂર સપોર્ટ મળ્યો અને એમાં પ્રાણાયામની પ્રૅક્ટિસ પણ ચાલુ રાખી હતી. એનો ફાયદો એ થયો કે મેન્ટલી હું ખૂબ જ શાંત થઈ ગઈ. મેડિટેશનને કારણે કૉન્ફિડન્સ વધ્યો. ઍક્સેપ્ટન્સ વધ્યું. દવાની આડઅસર પણ ઘટી છે. ઇરિટેટ નથી થતી ઝડપથી.’

ટ્રીટમેન્ટ દરમ્યાન અને ટ્રીટમેન્ટ પછી બન્નેમાં લાભકારી

સેન્ટ્રલ રાજસ્થાન યુનિવર્સિટીમાં યોગ વિભાગમાં અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કાશીનાથ મેત્રી કૅન્સર પેશન્ટ પર કરેલા પોતાના રિસર્ચ વિશે કહે છે, ‘યોગાસનો અને પ્રાણાયામની પ્રૅક્ટિસ સેલ્યુલર લેવલ પર કામ કરે છે. અમે લોકોએ બે વર્ષ પહેલાં ફેસબુક પર લાઇવ પ્રૅક્ટિસ શૅર કરીને એક રિસર્ચ કર્યું હતું, જેમાં મોટે ભાગે બ્રેસ્ટ કૅન્સર ધરાવતી મહિલાઓ હતી. કૅન્સરની સારવારમાં ઍરોમેટેઝ ઇન્હિબિટર્સ દવાઓ આપવામાં આવતી હોય છે જે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ગ્રોથને રોકે છે. આ દવાઓની બીજી એક સાઇડ ઇફેક્ટ એ હોય કે જૉઇન્ટ્સમાં પેઇન વધી જાય. જૉઇન્ટ્સમાંથી સ્ટ્રેંગ્થ ઘટી જાય. એવી હાલત હોય કે કેટલાક લોકો પાણીનો ગ્લાસ પણ હાથમાં ન પકડી શકે. આવી સ્થિતિ ધરાવતા લગભગ ૪૦ પાર્ટિસિપન્ટ્સ હતા જેમને અમે થોડીક પ્રાણાયામ અને યોગિક સુક્ષ્મ વ્યાયામ પ્રૅક્ટિસ આપી હતી. એકાદ મહિનાની પ્રૅક્ટિસ બાદ તેમની ક્વૉલિટી ઑફ લાઇફ સુધરી હતી. તેમની ગ્રિપ સુધરી હતી. કીમો અને રેડિયો થેરપીની સાઇડ ઇફેક્ટ ઓછી થઈ હતી. કૅન્સર રિલેટેડ જે પેઇન હોય એમાં ફરક પડ્યો હતો. સ્ટિફનેસનું પ્રમાણ ઘટ્યું. એનર્જી લેવલ વધ્યું. ઊંઘનું પ્રમાણ સુધર્યું હતું. આ રિસર્ચની વિગતો અમેરિકન જર્નલ ઑફ ઑન્કોલૉજીમાં પબ્લિશ થઈ હતી. આવા ઘણા ફાયદા અમે ઑબ્ઝર્વ કર્યા છે. કૅન્સરના દરદીઓ માટે હું યોગિક સૂક્ષ્મ વ્યાયામ, યોગિક બ્રીધિંગ પ્રૅક્ટિસ, નાડીશુદ્ધિ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, અકાર, ઉકાર, ઓમકારનું ચૅન્ટિંગ, યોગનિદ્રા જેવી રિલૅક્સેશન પ્રૅક્ટિસ રેકમન્ડ કરીએ છીએ.’

ઑન્કો રેડિયોલૉજિસ્ટ શું કહે છે?

વૉર અગેઇન્સ્ટ કૅન્સર પુસ્તક લખનારા ઑન્કો રેડિયોલૉજિસ્ટ ડૉ. અરવિંદ કુલકર્ણી પણ માને છે કે યોગ અને રિલૅક્સેશન જેવી સપોર્ટિવ થેરપી ઘણી ઉપયોગી છે. તેઓ કહે છે, ‘કૅન્સર સ્ટ્રેસ અને બહુ બધા હાઇપર મૂડને લઈને આવે છે. માત્ર ફિઝિકલ લેવલ પર જ નહીં પણ મેન્ટલ લેવલ પર પણ પેશન્ટ પરેશાન હોય છે. ત્યારે યોગ અને પ્રાણાયામ પ્રૅક્ટિસ તેમને મેન્ટલી સ્ટ્રૉન્ગ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં મેં આ લાઇવ જોયું છે. પેશન્ટને એનર્જાઇઝ કરવામાં ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને બહેતર કરવામાં યોગને હું ઇફેક્ટિવ સપોર્ટિવ ટ્રીટમેન્ટ માનું છું.’

cancer life and style health tips ruchita shah