10 February, 2026 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
દરેક માતા-પિતા ઇચ્છે છે કે તેમનું બાળક લાંબું થાય. બાળકની હાઇટ સારી હોવી જ જોઈએ એવું માનનારો પણ એક મોટો વર્ગ છે. મેડિકલ સાયન્સ કહે છે કે હાઇટ જેવી બાબત મુખ્યત્વે જીન્સ પર આધાર રાખે છે. પરંતુ એ જીન્સ સિવાય પણ અમુક બાબતો છે જે અસર કરે છે. બાળકની મેન્ટલ હેલ્થ સારી ન હોય તેની હાઇટ પર અસર પડે છે. સ્ટ્રેસથી બાળકનો વિકાસ રૂંધાય છે. પછી તે માના પેટમાં ઊછરતું બાળક હોય કે સ્કૂલ-કૉલેજમાં ભણતું બાળક. ગ્રોથ હૉર્મોન્સ પર અસર પડે એટલે બાળકને પણ અસર થાય જ. પરંતુ એ કેવી અને કેટલે અંશે એ દરેક બાળકે જુદું-જુદું હોય છે. જે બાળકોની ઊંચાઈ ઓછી હોય છે એ બાળકોને લઈને માતા-પિતા જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે ઘણા ડૉક્ટર્સ બાળકોને ફિઝિકલી ઍક્ટિવ કરવાનું કહે છે. તેને દોડાવો, અલગ-અલગ સ્પોર્ટ્સમાં ઍક્ટિવ કરો, સ્ટ્રેચ કરાવો, લટકાવો જેવા ઘણા સોલ્યુશન્સ આપતા હોય છે. હાઇટ જો મોટા ભાગે જિનેટિકલ પરિબળો પર આધરિત હોય તો શું ખરેખર આ સોલ્યુશનથી ફરક પડી શકે ખરો? ફિઝિકલ ઍક્ટિવિટીનું પણ એ જ ગણિત છે. જ્યારે બાળક કોઈ પણ રમત રમે, સ્ટ્રેચ કરે, એકસરસાઇઝ કરે ત્યારે તેની અંદર ડોપમીન હૉર્મોન રિલીઝ થાય છે જે હૅપી હૉર્મોન ગણાય છે. કૉર્ટિઝોલ હૉર્મોન ઘટે છે. ફિઝિકલ ઍક્ટિવિટી કરવાથી શરીરથી જ સ્વસ્થ નથી રહેવાતું, મનથી પણ સ્વસ્થ બનાય છે. આ સ્વાથ્ય બાળકમાં ગ્રોથ માટે જરૂરી વાતાવરણ પૂરું પાડે છે.
સમજો કે જિનેટિકલી તમારી હાઇટ ૬ ફીટ જેટલી થવાની છે. પરંતુ જો તમારી શારીરિક કે માનસિક હેલ્થ ગરબડ છે તો ભલે જીન્સ રહ્યા પરંતુ એને કામ કરવા માટે અનુકૂળ વાતાવરણ નથી એટલે તમારી હાઇટ પર અસર પડશે જ. એના સિવાય ઘણાં એવાં પણ ઉદાહરણો છે કે જિનેટિકલી તેની હાઇટ ચાર ફીટથી વધુ થવાની શક્યતા ન હોય એવાં બાળકો પણ ફિઝિકલ ઍક્ટિવિટી, સારું ન્યુટ્રિશન અને સારી સંભાળ થકી ઘણાં લાંબાં થઈ ગયાં હોય. આમ જીન્સ ત્યાં તેની હાઇટ રોકી ન શક્યા. આજે જોશો તો સમાજમાં એવાં બાળકો ઘણાં છે જે તેમનાં માતા-પિતા કરતાં ઘણાં લાંબાં છે. એનું કારણ આ જ છે. હવે ધારો કે એવું ઉદાહરણ જોઈએ કે કોઈ બાળકની હાઇટ જિનેટિકલ કારણોસર ૫ ફીટ જ થવાની હોય. તેણે ખૂબ રમ્યું, ઘણી ફિઝિકલ ઍક્ટિવિટી કરી પણ તેની હાઇટ એટલી જ રહી. તો પણ એ ઍક્ટિવિટી થકી તેની હેલ્થ તો સારી જ થઈને, નુકસાન તો કશું થયું નથી. આમ આ ગણિત મુજબ કોઈ પણ પરિસ્થિતિમાં બાળકને ફિઝિકલી ઍક્ટિવ કરવું જરૂરી જ છે. એનાથી ફાયદો જ થશે.