કિડની ડોનેટ કરતાં પહેલાં એનું દરદી સાથે મૅચ થવું કેમ જરૂરી છે?

29 April, 2026 02:19 PM IST  |  Mumbai | Dr. Bharat Shah

કિડની મૅચિંગની પ્રક્રિયા તો એમાં સૌથી મહત્ત્વની ટેસ્ટ હોય છે ટિશ્યુ મૅચિંગ

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૬માં સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે કિડની જેવું અંગ ફેલ થઈ જાય તો એ પરિસ્થિતિમાં એને ચોક્કસ જીવનદાન આપી શકાય છે. આ એક એવી તકલીફ નથી જેમાં આપણે આપણા આપ્તજનને ખોઈ બેસીએ. મહત્ત્વની વાત એ છે કે સાયન્સ આગળ વધી જાય છે પણ લોકો પાસે માહિતી જૂના સમયની જ હોય છે. એક શરીરમાં વ્યવસ્થિત કામ કરતી કિડની બીજા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે એ લોકોને ખબર છે, પણ ટીવી અને ફિલ્મો જોઈ-જોઈને લોકોને એ પણ મનમાં બેઠેલું છે કે કિડની મૅચ થવી જરૂરી છે. એ મૅચ કરવાનાં અલગ-અલગ પૅરામીટર્સ હોય છે. આજની તારીખે ઘણા લોકો છે જેમને પોતાના આપ્તજનોને અંગદાન કરવું હોય છે, પણ તેઓ કરી શકે કે નહીં એ કન્ફ્યુઝન તેમને સતત રહેતું હોય છે.

દર વર્ષે હજારો લોકો પોતાના પ્રિયજનને બચાવવા માટે કિડની દાનમાં આપે છે અને આજની તારીખે મેડિકલ સાયન્સની મદદથી એનો સક્સેસ-રેટ ખૂબ ઊંચો છે. કિડનીનું દાન મોટા ભાગે ખૂબ નજીકની વ્યક્તિ જ કરતી હોય છે. એમાં પણ ભાઈ-બહેનની કિડની મળે તો એ બેસ્ટ ગણાય છે. એનો સક્સેસરેટ પણ ૯૮-૯૯ ટકા રહે છે જે સૌથી વધારે ગણી શકાય. જોકે અમારી પાસે એવા કેસ પણ ઘણા છે જેમાં પત્નીએ પતિને કિડની દાનમાં આપી હોય. એટલે એવું નથી કે લોહીનાં સગાં હોય તો જ દાન આપી શકાય.

બાકી રહી કિડની મૅચિંગની પ્રક્રિયા તો એમાં સૌથી મહત્ત્વની ટેસ્ટ હોય છે ટિશ્યુ મૅચિંગ. એક જ મા-બાપનાં સંતાનોમાં ટિશ્યુ મૅચ થવાની શક્યતા વધુ રહે છે. એટલે કે દરદીને પોતાનાં ભાઈ-બહેનની કિડની મળે તો એ મૅચ થવાની શક્યતા વધુ રહે છે. એમાં પણ જો જોવા જઈએ તો પચીસ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ ૧૦૦ ટકા મૅચ થતા હોય છે, જ્યારે ૫૦ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ મૅચ થવાની શક્યતા ૫૦ ટકા જ રહેલી છે. બાકી બચેલાં પચીસ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ બિલકુલ મૅચ થતા નથી. આમ એવું જરૂરી નથી કે ભાઈ-બહેન હોય તો ટિશ્યુ મૅચ થાય જ. તમારા કેસમાં પણ આ શક્યતાઓ ધ્યાનમાં રાખવી. ટિશ્યુ મૅચ થવાનો ફાયદો એ છે કે ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ ઘણું સારું આવે છે, પરંતુ જો ટિશ્યુ મૅચ ન થાય તો પણ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે. એમાં ટ્રાન્સપ્લાન્ટ પછી ઇમ્યુનો-સપ્રેસન્ટ દવાઓ આપવામાં આવે છે જેથી ઇન્ફેક્શનનું રિસ્ક ઘટી જાય છે. જોકે ક્યારેક કોઈ કેસમાં એવું બને કે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ ન જાય, પણ એ શક્યતા તો કોઈ પણ કેસમાં રહેલી છે જ. દરેક સર્જરીના પોતાનાં રિસ્ક હોય છે એ અપનાવીને જ સર્જરી માટે સજ્જ થવાનું હોય છે. 

organ donation healthy living health tips life and style lifestyle news columnists