31 July, 2024 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કાનની સાંભળવાની નસમાં ખાસ પ્રકારના કોષ હોય છે જે સાંભળવાની આખી પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. માણસની જેમ-જેમ ઉંમર થાય એમ આ કાનની નસમાં કમજોરી આવે છે અને એની અંદર રહેલા કોષ નાશ પામે છે. આમ એની સંખ્યા ઘટે છે એને લીધે સાંભળવામાં તકલીફ થાય કે એની શરૂઆત થાય. ખાસ કરીને હાઈ ફ્રીક્વન્સી સાઉન્ડ સાંભળવામાં તકલીફ થાય છે. ઑડિયોગ્રામમાં જોઈ શકાય છે કે આવી વ્યક્તિઓને જે સાંભળવાની તકલીફ થાય છે એ મોટા ભાગે હાઈ ફ્રીક્વન્સીના સાઉન્ડમાં થાય છે.
બહેરાશ બે પ્રકારની હોય છે, કન્ડક્ટિવ હિયરિંગ લૉસ અને સેન્સરી ન્યુરલ હિયરિંગ લૉસ. અવાજ કાનથી લઈને મગજ સુધી પહોંચે એ પ્રોસેસ સમજવા જેવી છે. કાનમાંથી અવાજ જાય કાનના પડદા પર, પડદાથી હાડકા પર, ત્યાંથી એ અંદરના કાનમાં રહેલા પ્રવાહી સુધી પહોંચી એ પ્રવાહી મારફત મગજ સુધી પહોંચે છે. આ પ્રોસેસમાં બહારના કાનથી લઈને પડદા અને હાડકા સુધી જે પણ તકલીફ હોય એને કન્ડક્ટિવ હિયરિંગ લૉસ કહેવાય, પણ જ્યારે કાનની સાંભળવાની નસમાં કમજોરી હોય એને સેન્સરી ન્યુરલ હિયરિંગ લૉસ કહેવાય છે. ઉંમર સાથે જે હિયરિંગ લૉસ હોય એ સેન્સરી ન્યુરલ હિયરિંગ લૉસ છે, કારણ કે ઉંમર સાથે કાનની નસોમાં કમજોરી આવે છે એને કારણે બહેરાશ આવે છે. નસમાં કમજોરીને કારણે જે કાનના કોષો નાશ પામે છે એની સામે નવા કોષો જન્મતા નથી. ઉંમરને કારણે અંદરના કાનમાં પણ નબળાઈ આવે છે.
આવી વ્યક્તિઓ જ્યારે એકદમ ઘોંઘાટ જેવી જગ્યાએ જાય છે ત્યારે તેમને વધુ નુકસાન થાય છે. તકલીફ વધે છે. આ લૉસને કે બહેરાશને અટકાવવા માટે ખાસ કોઈ ઇલાજ શક્ય નથી હોતો. હિયરિંગ એઇડ આ પરિસ્થિતિમાં ઘણા ઉપયોગી બને છે. જે વડીલોને બહેરાશ હોય તેમણે ચોક્કસપણે હિયરિંગ એઇડ વાપરવાં જોઈએ. જેમ આંખે દેખાવાનું ઓછું થાય ત્યારે તમે ચશ્માં પહેરો છો એ જ રીતે કાને સંભળાવાનું ઓછું થાય ત્યારે હિયરિંગ એઇડ પહેરવાં જોઈએ. એમાં લોકોને છોછ લાગે છે, પરંતુ એ છોછને કારણે તેઓ ઘણું ગુમાવે છે. જ્યારે વ્યક્તિને સંભળાતું નથી ત્યારે તે એકલતાની દુનિયામાં ધસતું જાય છે. કારણ કે વ્યક્તિ બોલે ત્યારે જ જ્યારે તેને સંભળાય. એકલા-એકલા પોતાની વાત કરી લે, પણ બીજું કાંઈ સાંભળી ન શકે એ પરિસ્થિતિ ખૂબ દયનીય છે. ઘણા દરદીઓ મારી પાસે આવે છે જેમને કહીએ તો પણ કાનમાં હિયરિંગ એઇડ પહેરવું નથી. એને કારણે તેઓ ધીમે-ધીમે ડિપ્રેશન તરફ ધકેલાતા જાય છે. એકલતા તેમને કોરી ખાય છે અને જીવનમાંથી રસ ઊડતો જાય છે. આ બાબતે સજાગતા અનિવાર્ય છે. છોછ છોડો અને હિયરિંગ એઇડ પહેરો.
- ડૉ. શીતલ રાડિયા (લેખિકા અનુભવી નાક-કાન-ગાળાના સ્પેશ્યલિસ્ટ છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઈલ કરી શકો છો.)