વડીલો... ઇમ્બૅલૅન્સ જેવું લાગતું હોય ત્યારે લાકડીનો છોછ ન રાખો

11 March, 2026 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમ્બૅલૅન્સ થવા પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આજે મારે મારા એક દરદીની વાત કરવી છે. ૬૨ વર્ષના પ્રવીણભાઈ મુંબઈના નામી વેપારી છે જેમણે પોતાના દમ પર પોતાનો બિઝનેસ સેટ કર્યો અને પરિવારની દરેક વ્યક્તિને પણ.

જવાબદારીઓ બધી પૂર્ણ રીતે નિભાવી. આત્મવિશ્વાસ આ ઉંમરે પણ એવો કે ભલભલાને હલાવી દે. એક દિવસ એક લગ્નપ્રસંગમાં તે જમવા બેઠા અને થાળી લઈને ઊભા થવા જાય ત્યારે એકદમ હલી ગયા. એવું લાગ્યું કે બૅલૅન્સ જ ન જાળવી શક્યા. એટલે પાછા બેસી ગયા. તેમણે કે બીજા કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું. દરરોજ સવારે પાર્કમાં તે વૉક લેતા ત્યારે ૨-૪ દિવસ તેમણે સતત અનુભવ્યું કે ચાલતાં-ચાલતાં લથડી જવાય છે. આમ પણ પહેલાં જેટલું તો તે છેલ્લાં ૫ વર્ષથી ઝડપી ચાલી નહોતા શકતા પરંતુ બૅલૅન્સ તો રહેતું હતું. પોતે પોતાના જ પ્રૉબ્લેમથી મૂંઝાતા હતા અને એમાં એક દિવસ ઘરે જતાં નીચે પાર્કિંગમાં જ પડી ગયા. ભગવાનનો પાડ કે વધુ વાગ્યું નહી. દીકરાઓને ખબર પડી. પ્રવીણભાઈએ જણાવ્યું કે મારું બૅલૅન્સ ખોરવાય છે. બાળકોને લાગ્યું કે ઉંમર થઈ છે એટલે આવું થાય છે. ફરી પડે નહીં એની તકેદારી જરૂરી હતી એટલે દીકરાઓએ તેમને લાકડી લાવી આપી. જે આજ સુધી દરેક વ્યક્તિની લાકડી બન્યા તેમને પોતાને લાકડી વાપરવી પડે એ વાત પ્રવીણભાઈને જચી નહીં. ૨-૪ દિવસ તો પણ પરાણે ટ્રાય કર્યું પરંતુ તેમનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો. હું હવે મારા દમ પર ચાલી પણ નહીં શકું એ વિચાર તેમને ખૂબ હેરાન કરી રહ્યો હતો.

તેમના એક ખાસ મિત્રએ તેમને ફિઝિયોથેરપી ચાલુ કરવાની સલાહ આપી. તેઓ મારી પાસે આવ્યા. મેં તેમના સ્નાયુઓની તાકાત પર કામ કર્યું. દરરોજ તેમને એક્સરસાઇઝ આપી એ તેમને કરવા કહ્યું. ૬ મહિનાની અંદર જ પ્રવીણભાઈ ફરીથી પહેલાં જેવા થઈ ગયા અને તેમને લાકડીની જરૂર નથી રહી. પણ મારે આ કેસમાં જે સંદેશ આપવો છે એ જુદો છે. ઇમ્બૅલૅન્સ થવા પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોઈ શકે છે. આવું થાય ત્યારે સૌથી પહેલાં જરૂરી છે કે ઇમ્બૅલૅન્સ થવા પાછળ સ્નાયુ નબળા થઈ ગયા છે એ કારણ છે કે બીજો કોઈ રોગ એ ચેક કરાવો. પરંતુ મુખ્ય વાત એ છે કે તમે લાકડીથી છોછ ન રાખો. ઊલટું એ તમને બીજા પર નિર્ભર થતા અટકાવે છે. તમને આત્મવિશ્વાસ અપાવે છે કે તમે જાતે ચાલી શકશો, પડશો નહીં. ઘણા વડીલો લાકડી નહીં વાપરવાના દુરાગ્રહને કારણે પડી જતા હોય છે અને ખુદનું વધુ નુકસાન કરી બેસતા હોય છે. હિપ ફ્રૅક્ચર જેવી જીવલેણ તકલીફ પણ આવી શકે છે. આમ લાકડી તમને મદદરૂપ છે એ સત્યનો સ્વીકાર કરો. 

healthy living health tips life and style lifestyle news columnists