29 September, 2025 02:57 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
એક સમયે ૬૦-૭૦ વર્ષની ઉંમરે આવતી આ બીમારી હવે લોકોને ૬૦-૭૦ સુધી પહોંચવા પણ નથી દઈ રહી. કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ પ્રીમૅચ્યોર ડેથનું સૌથી મહત્ત્વનું કારણ છે. સમાજમાં ચારે તરફ નજર કરીએ તો સમજાશે કે કોઈને ૬૦ વર્ષે જો અટૅક આવે તો તે બચી જાય છે પણ ૩૦ વર્ષના યુવાનને અટૅક આવે તો ઘણી વાર તે હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ મૃત્યુ પામે છે. ૭૦ વર્ષની ઉંમર પહેલાં હૃદયરોગને કારણે થતાં મૃત્યુનું રિસ્ક દુનિયા કરતાં ભારત પર ઘણું વધારે થઈ ગયું છે. આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે સમજીએ આવું કેમ છે...
કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ સમસ્ત દુનિયામાં સૌથી ઘાતક રોગ માનવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી દુનિયામાં સૌથી વધુ મૃત્યુ આ રોગને કારણે થઈ રહ્યાં છે. એમાં પણ ભારતમાં હાર્ટ-ડિસીઝની તકલીફ ઘણી વધુ પ્રવર્તમાન છે. દુનિયાના બીજા દેશોની સરખામણીમાં ભારતમાં હાર્ટ-પ્રૉબ્લેમ્સ ઘણા વધારે છે. એ સમજવા માટે ૨૦૨૧ના કેટલાક આંકડાઓ જોઈએ. ૨૦૨૧માં ભારતમાં ૨૮,૭૩,૨૬૬ લોકો કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝને કારણે મૃત્યુ પામ્યા છે. ૩૦ વર્ષથી લઈને ૭૦ વર્ષ સુધીની ઉંમરના લોકોમાં ભારતમાં દર એક લાખ લોકોમાં ૯૦૫ લોકોને આ રોગ થયો હતો. આ કૅટેગરીમાં ગ્લોબલ લેવલ પર એટલે કે દુનિયાનો આંકડો તપાસીએ તો એ ૭૮૭ છે. ૩૦-૭૦ વર્ષના ગાળામાં ભારતમાં દર એક લાખ લોકોએ ૨૬૮ લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા હતા. સમગ્ર દુનિયાનો આ આંકડો ૨૩૫ હતો. આ આંકડાઓ સૂચવે છે કે ન ફક્ત આ રોગ ભારતમાં વ્યાપક છે, એને કારણે થતાં મૃત્યુનો આંક પણ ઘણો વધારે છે.
આજની તારીખે ભારતમાં ઍવરેજ આયુષ્ય ૭૨ વર્ષનું છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ આશરે ૭૨ વર્ષ સુધી જીવતી હોય છે. પણ ઉપર જે આંકડાઓ જોયા એ મુજબ જો તમને કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ થઈ જાય તો આ ઍવરેજ આયુષ્ય સુધી તમે પહોંચી શકતા નથી. આજથી વીસેક વર્ષ પહેલાં હૃદયરોગ ૭૦ વર્ષ પછી આવતો રોગ મનાતો.
ધીમે-ધીમે એ યુવાન લોકોને થવા લાગ્યો. આજે ૨૦-૩૦ વર્ષના ઘણા યુવાનો પણ આ રોગનો ભોગ બનતા હોય છે જેના કિસ્સાઓ જગજાહેર છે. એક સમય હતો જ્યારે ૪૦-૪૫ વર્ષની ઉંમરે કોઈને હાર્ટ-અટૅક આવે તો નવાઈ લાગતી કે આટલી નાની ઉંમરે હાર્ટ-અટૅક? હવે લોકોને નવાઈ લાગવાનું બંધ થઈ ગયું છે. એનો સીધો અર્થ એ છે કે સમાજમાં યુવાન વયે કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝનું પ્રમાણ ઘણું વધારે છે એટલું જ નહીં, એને કારણે થતા મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે આ પરિસ્થિતિને વધુ નજીકથી સમજવાનો પ્રયાસ કરીએ.
ઉંમર અને રોગ
કોઈ પણ પ્રકારનો રોગ જ્યારે યુવાનોમાં થાય તો તેમના બચવાની શક્યતા વધુ રહે છે. જેમ કે કોરોના યુવાનોને થયો અને નીકળી ગયો. કૅન્સર જેવા રોગોમાં પણ એવું છે કે જો વ્યક્તિ યુવાન હોય તો તેના બચવાની અને કૅન્સર ફરી થવાની શક્યતા વધી જાય છે પરંતુ
હાર્ટ-ડિસીઝમાં એવું જોવા મળતું નથી. ૨૦-૨૫-૩૫ વર્ષની ઉંમરે જે લોકોને હાર્ટ-અટૅક આવે છે તેમનો અટૅક મોટા ભાગે એટલો ઘાતકી નીવડે છે કે હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ વ્યક્તિ મૃત્યુ પામે છે. એની સામે ૬૦-૭૦ વર્ષની ઉંમરે જે લોકોને અટૅક આવે છે તેઓ જીવી જતા જોવા મળે છે. આવું કેમ? આ પ્રશ્નનો જવાબ આપતાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના કાર્ડિયોથૉરેસિક સર્જ્યન ડૉ. બિપિનચંદ્ર ભામરે કહે છે, ‘આ અવલોકન સાચું છે પરંતુ આવું કેમ છે એ જાણવા માટે યુવાન વયે આવતા
હાર્ટ-અટૅકને સમજવો પડે. કોઈ પણ રોગ પાછળ મોટા ભાગે જીન્સ જવાબદાર છે. જે લોકોના ઘરમાં હાર્ટ-અટૅક છે તેમનાં બાળકો આ જીન્સ સાથે જ જન્મે છે. પણ થાય છે એવું કે એ બાળકોની ખોટી લાઇફ-સ્ટાઇલને કારણે એ જીન્સ નાની ઉંમરે ટ્રિગર થઈ જાય છે. જેટલા પણ ૬૦ વર્ષ પછીના દરદીઓ અમારી પાસે આવે છે તેમનાં બ્લૉકેજ ગંભીર હોતાં નથી. ઉદાહરણ સાથે સમજીએ તો ૧૦ સેન્ટિમીટરની જો લોહીની નળી હોય તો એમાં એક કે બે સેન્ટિમીટર જેટલાં બ્લૉકેજ આ લોકોમાં જોવા મળે છે જેનો ઇલાજ કરવો સરળ છે અને એ વ્યક્તિ જીવી જાય છે. જેટલા યુવાન દરદીઓ અમારી પાસે આવે છે તેમની ૧૦ સેન્ટિમીટરની લોહીની નળી આખી જ ખરાબ હોય છે. યુવાન વયે આવતો આ રોગ અતિ અગ્રેસિવ હોય છે. એટલે જ તો એ યુવાન વયે આવ્યો છે, નહીંતર એ જ જીન્સ સાથે તેમના પિતા કે દાદાને આ રોગ ૬૦-૮૦ વર્ષે આવ્યો હતો. તેમને આ રોગ જલદી એટલે આવ્યો છે કે રોગ અગ્રેસિવ છે. જો ન હોત તો તેમને પણ એ ૬૦ વર્ષે આવ્યો હોત. આપણે આજુબાજુ જે કિસ્સા સાંભળીએ છીએ કે ૩૦ વર્ષની વ્યક્તિને અટૅક આવ્યો અને તે તરત મૃત્યુ પામ્યો એનું કારણ જ આ છે.’
ઓળખની તકલીફ
જ્યારે હાર્ટ ડૅમેજ થાય ત્યારે એ એકદમ જ નથી થતું. કોઈ તો ચિહ્ન તમને દેખાડે જ છે. તો હાર્ટ-અટૅકનાં શરૂઆતી ચિહ્નો યુવાન વ્યક્તિમાં દેખાતાં નથી? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. બિપિનચંદ્ર ભામરે કહે છે, ‘યુવાનો તેમનાં ચિહ્નોને ગંભીરતાપૂર્વક લેતા નથી. આજે પણ ઘણા યુવાનો એવા છે જેમને લાગે કે અમને કશું થવાનું નથી. એટલે શરીર જે ચિહ્નો સૂચવે છે એને તેઓ અવગણે છે અને એટલે તેમનો રોગ જીવલેણ સાબિત થાય છે. હાર્ટ-અટૅકનાં શરૂઆતી ચિહ્નો જો તમે સમજી જાઓ તો આ રોગ જીવલેણ બનતો નથી. હાંફ ચડે, થાક લાગે, પેઇન થાય, પરસેવો વળી જાય, ગભરામણ થાય તો આ એવાં ચિહ્નો છે જે નૉર્મલી દેખાવાં ન જોઈએ અને છતાં હોય તો એને અવગણ્યા વગર એક વખત કાર્ડિયોલૉજિસ્ટની મુલાકાત ચોક્કસ લઈ લેવી. ખાસ કરીને એવા લોકો જેમના ઘરમાં હાર્ટ- અટૅકની તકલીફ તેમના વડીલોને રહી ચૂકી છે. એ યુવાનોએ ખાસ ધ્યાન રાખવું. ઘણી વખત સ્મોકિંગ અને આલ્કોહોલ જેવી ખોટી આદતોથી યુવાનો આ રોગને સામે ચાલીને આવકારતા જોવા મળે છે. એટલે પણ એ તકલીફ આવી જાય છે. કુલ દરદીના ફક્ત ૧૦ ટકા દરદીઓ એવા આવે છે જે એકદમ હેલ્ધી જીવતા હોય, તેમના ઘરમાં પણ આ રોગ ન હોય અને છતાંય તેમને કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ થયો હોય અને કહી ન શકાય કે તેમના રોગ પાછળ શું કારણ છે. પણ બાકીના દરદીઓમાં તો જીન્સ અને ખોટી લાઇફસ્ટાઇલ જ કારણ હોય છે. એટલે જો સતર્ક રહીએ તો એનાથી બચી શકાય છે.’
રોગ સાથે પણ જીવી શકાય
ડૉ. બિપિનચંદ્ર ભામરે કહે છે, ‘કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ હોય તો પણ આજની તારીખે મેડિકલ સાયન્સ એટલું ઍડ્વાન્સ થઈ ગયું છે કે વ્યક્તિ જો જાગૃત હોય, સમયસર ઇલાજ કરાવે તો એ એક લાંબું જીવન જીવી શકવા સમર્થ છે. એ વિશે વાત કરતાં ડૉ. બિપિનચંદ્ર ભામરે કહે છે, ‘આંકડાઓ કહે છે કે બાયપાસ સર્જરી કરાવનારા ૮૦ ટકા લોકો ૧૫ વર્ષનું આયુષ્ય લંબાવી શકે છે. કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ એક વખત આવી ગયો એટલે કે કોઈ બ્લૉકેજ પહેલાં જ ઓળખાઈ ગયું તો ખૂબ સારું અથવા તો એક હાર્ટ-અટૅક આવી ગયો તો પણ ઇલાજ સાથે તમે એક સારું જીવન જીવી શકો છો. જોકે જે લોકો જીવી શકતા નથી એ અમુક સામાન્ય ભૂલો કરે છે. પહેલી ભૂલ એ છે કે હાર્ટ-ડિસીઝ આવ્યા પછી પણ તેઓ પોતાની લાઇફસ્ટાઇલ બદલતા નથી, જે અત્યંત જરૂરી છે. રાત્રે વહેલા સૂવું અને વહેલા ઊઠવું, હેલ્ધી ખાવું, દરરોજ એક્સરસાઇઝ કરવી, વજન કન્ટ્રોલમાં રાખવું, સ્નાયુને સશક્ત બનાવવા, સ્મોકિંગ અને આલ્કોહોલથી દૂર રહેવું, સ્ટ્રેસને કાબૂમાં રાખવું આ બધું ખૂબ જરૂરી છે. બીજી ભૂલ લોકો એ કરે છે કે જે દવાઓ તેમણે લેવાની છે એ દવાઓ નિયમિત તેઓ લેતા નથી, વચ્ચે બંધ કરી દે. ધ્યાન ન આપે તો પણ તકલીફ રહે છે. એક વખત રોગ આવ્યો પછી ખુદની સાચવણ કરે, જીવનની નવી શરૂઆત કરે, રેગ્યુલર ચેકઅપ કરાવતા રહે તો કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ સાથે પણ લોકો ૧૫-૨૦ વર્ષ ચોક્કસ સારું જીવન જીવી શકે છે.’